જયંત બોસકીને પ્રદેશ પ્રમુખ બનાવાતા શંકરસિંહ વાઘેલા NCP થી નારાજ, મેચ ફિક્સિંગ થાય ત્યાં ન રહેવાય...
શંકરસિંહ વાઘેલા એનસીપીથી નારાજ હોવાના અને પાર્ટી છોડવા હોવાના અહેવાલ ચર્ચામાં આવ્યા હતા. તો બીજી તરફ, કાર્યકારી અધ્યક્ષ બબલદાસ પટેલે એનસીપીમાંથી રાજીનામુ આપ્યું છે.
ત્યારે આજે પત્રકાર પરિષદમાં સામે આવીને શંકરસિંહ વાઘેલાએ અનેક ખુલાસા કર્યાં હતા. તેઓએ જણાવ્યું કે, હું કાર્યકારી અધ્યક્ષ બબલદાસભાઈ અને 10 હજાર જેટલા કાર્યકરોનો આભાર માનું છું, મને એ તમામે શુ કરવું તેના માટે અધિકૃત કર્યો છે.
તેમણે જણાવ્યું કે, પવાર સાહેબ અને પ્રફુલભાઈ સાથે મળીને હું NCPમાં જોડાયો, પણ એમાં પણ જ્યારે મેચ ફિક્સિંગ આવે. અહેમદભાઈ વખતે પણ મેં કહ્યું હતું કે લોકો ભાજપમાં જાય છે પણ મારું કોઈએ ના સાંભળ્યું. આજે એક ગયા હજુ બે જશે. મેં કોંગ્રેસને આજે પણ કહ્યું છે. મેચ ફિક્સિંગ થાય ત્યાં ન રહેવાય. હવે જે વિધિ કરવાની હશે તો જલ્દી જ કરીશ. સત્તા સામે પડવા બેદાગ રહેવું પડે. ed, cbi કે પોલીસથી ડરાય નહિ. અમે સમાજના ડોકટર છીએ. રખડતો નથી આવ્યો. પ્રજાનું ભલું કર્યું છે. ટેક્સ ટાઇલ મંત્રી તરીકે ખેડૂતોનું ભલું કર્યું છે.
આસાથે જ તેમણે એક જાહેરાત કરતા કહ્યું કે, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને વિધાનસભાની બેઠકો ખાલી થશે, તેની પેટાચૂંટણીઓ આવશે, એ તમામ પર લડીશ. NCP, કોંગ્રેસ કે ભાજપ નહીં હોય તોય હું ઉમેદવારો લોકો વચ્ચે મૂકીશ.