કોરોના વાયરસ પછી અમેરિકામાં ડુંગળીને લીધે નવો રોગ, લાખો ટન ડુંગળીનો નાશ કરવા આદેશ...
અમેરિકા જ્યાં કોરોના વાયરસના મોટી સંખ્યામાં કેસ છે ત્યાં લોકોમાં નવા ચેપી રોગનો ફેલાવો થયો છે.
અહીં ઘણાં રાજ્યોમાં લાલ અને પીળી ડુંગળીમાંથી સેલ્મોનેલા બેક્ટેરિયાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. અહીંનાં 34 રાજ્યોમાં 400થી વધુ લોકોને ચેપ લાગ્યો છે. અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ ચેતવણી જારી કરી છે.CDCએ થોમસન ઈન્ટરનેશનલ નામની એક કંપની દ્વારા સપ્લાય કરવામાં આવેલી ડુંગળી ન ખાવાની સલાહ આપી છે. તે ઉપરાંત ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે આ કંપની દ્વારા સપ્લાય કરવામાં આવેલી ડુંગળી ખાવાનું ટાળવું અને ઘરમાં હોય તો તેને ફેંકી દેવી.
સેલ્મોનેલા બેક્ટેરિયાના સંક્રમણના કેસ કેનેડામાં પણ સામે આવ્યા છે. CNNના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે,આ બેક્ટેરિયાથી સંક્રમિત થવાથી 60 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા પ્રમાણે, 34 અમેરિકાનાં રાજ્યોમાં સંક્રમણ ફેલાવનાર સેલ્મોનેલા બેક્ટેરિયાનું સંક્રમણ લાલ ડુંગળી સાથે જોડાયેલું છે. CDCના જણાવ્યા પ્રમાણે, પ્રારંભિક કેસ 19 જૂનથી 11 જુલાઈની વચ્ચે સામે આવ્યા હતા. સપ્લાયર એજન્સી થોમસન ઈન્ટરનેશનલ છે.
સેલ્મોનેલા બેક્ટેરિયાના લક્ષણો
CDCના જણાવ્યા પ્રમાણે, આ બેક્ટેરિયાનું સંક્રમણ લાગે તો સંક્રમિત વ્યક્તિને ડાયેરિયા, તાવ અને પેટમાં દુખાવા જેવાં લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો સંક્રમણ બાદ 6 કલાકથી લઈને 6 દિવસમાં ગમે ત્યારે જોવા મળી શકે છે. સંક્રમણના કેસ મોટાભાગે 5 વર્ષથી વધુની વયનાં બાળકોમાં અથવા 65 વર્ષથી વધુ વયના લોકોમાં જોવા મળે છે. સંક્રમણ વધી જાય તો તે આંતરડાં સુધી પહોંચી શકે છે.
લાલ, સફેદ, પીળી અને મીઠી ડુંગળી પાછી મંગાવવામાં આવી
કંપનીના જણાવ્યા પ્રમાણે, તેમને આ વાતની જાણકારી છે અને તેમની ડુંગળીથી સંક્રમણના કેસ વધી રહ્યા છે.સપ્લાયર એજન્સી થોમસન ઈન્ટરનેશનલ લાલ, સફેદ, પીળી અને મીઠી ડુંગળી પાછી મંગાવી લીધી છે. જે દુકાનો પર ડુંગળીની સપ્લાય કરવામાં આવી છે તેને પાછી મંગાવવામાં આવી રહી છે.