બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

હાઇકોર્ટના કોર્ટ અનાદરના હુકમને હળવાશથી લેતા અધિકારીઓ

તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે કોર્ટના અનાદરની બાબતને ગંભીરતાથી હાથ પર લીધી છે, મુખ્ય ન્યાયાધીશે રાજ્યના સરકારી વકીલ પાસે કોર્ટ અનાદરની પડતર અરજીઓ, કોર્ટ અનાદરના થયેલા હુકમોના અમલની વિગતો માંગી છે.

રાજ્ય સરકારના ઘણા વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાઇકોર્ટના અનાદરની બાબતને હળવાશથી લઈ રહ્યા છે. સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ રાજ્ય સરકારના શિક્ષણ અને નાગરિક પુરવઠા વિભાગ વિરુદ્ધ હાઇકોર્ટે આપેલા કોર્ટ અનાદરના હુકમોની કોઈ અસર ઉચ્ચ અધિકારીઓમાં નથી. ઉચ્ચ અધિકારીઓ એવું કહે છે કે કોર્ટ અનાદરના કેસમાં સરકારી વકીલ હાજર રહી જવાબ આપી દેશે. અમને કોઈ ફરક નથી પડતો. આવું વલણ ઉચ્ચ કક્ષાએ જોવા મળી રહ્યું છે. જેના કારણે સરકારના વકીલોને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે છે.

રાજ્ય સરકારના ઘણા ઉચ્ચ અધિકારીઓ કોર્ટના અનાદરની બાબત વિશે ગંભીર નથી. ઘણા કિસ્સાઓમાં હાઇકોર્ટે સમય મર્યાદામાં વહીવટી પ્રક્રિયા પુરી કરવા આદેશ આપ્યા હોય છે તેને પણ રાજ્ય સરકારના સચિવ કક્ષાના અધિકારીઓ માન આપતા નથી. જેના કારણે ક્યારેક રાજ્યના મુખ્ય સચિવ કક્ષાએથી દરમિયાનગીરી કરવાની ફરજ પડે છે. આમ હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારની છબી ખરડાય તેવા કૃત્યમાં અચૂક સચિવ સ્તરના અધિકારીઓને રસ હોય છે. પછી ભલે તેનું કારણ એવું હોય કે સચિવને પસંદના હોય તેવી જગ્યા પરથી કામ કરવાનું આવ્યું હોય જેનો ભોગ અરજદાર તો બને જ છે પણ ઘણી વાર ખોટા નિર્ણયો કરી સરકારને એક રીતે ભીડવવાનું કામ કરતા હોય છે.

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ શુક્રવારે રાજ્ય સરકારના સરકારી વકીલ પાસેથી વિગતો માંગી છે કે હાઇકોર્ટમાં કોર્ટના અનાદરના રાજ્ય સરકાર સામેના કેટલા કેસો થયેલા છે. જે કેસમાં હાઇકોર્ટે હુકમ કરી દીધા છે તેમાંથી કેટલાનો હુકમ પ્રમાણે અમલ થયો છે. તેમજ જો અમલ ના કર્યો હોય હુકમ થયા છતાં તો તેનો રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આંધ્રપ્રદેશ હાઇકોર્ટે કોર્ટના હુકમના અનાદર બદલ પાંચ જેટલા સિનિયર સનદી અધિકારીઓને એક વર્ષની સજાના હુકમો ફરમાવ્યા હતા. જેનાથી વહીવટી તંત્ર અદાલતના આદેશોને ગંભીરતાથી લેતું થઈ ગયું.

એટલે જો ગુજરાત હાઈકોર્ટે સરકારી વકીલ પાસે કોર્ટ અનાદરના કેસોની વિગતો માંગી છે. તે આવી ગયા પછી જો દાખલો બેસે તેવો હુકમ કરશે તો ન્યાયતંત્રને વહીવટી પાંખ માન આપતી થશે. વડી અદાલતને હળવાશથી લેતા અધિકારીઓ સામે ખરેખર આકરા આદેશો કરવામાં આવશે  તો જ સામાન્યજનનો અદાલત પ્રત્યેનો વિશ્વાસ વધુ પ્રબળ બનશે.