બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ: કાલોલ તાલુકાના મલાવ ખાતે રાજ્યપ્રધાન જયદ્રથસિંહ પરમારના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનૂ સન્માન કરાયુ...

ગોધરા, પંચમહાલ જિલ્લામાં શહેરા નગરપાલિકા બાદ કાલોલ તાલુકાના મલાવ ખાતે કૃષિ, પંચાયત અને પર્યાવરણ ( રાજ્ય) મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની કાળજીઓ  સાથે યોજાયેલ આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે જગતના તાત એવા કિસાનોના હિતાર્થે સરકાર દ્વારા વાવણીથી માંડીને વેચાણ સુધીની પ્રક્રિયાના વિવિધ સ્તરે મદદરૂપ થવા કૃષિ, બાગાયત અને પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. 


આ જ દિશામાં વધુ એક ઐતિહાસિક પગલાના ભાગરૂપે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, માવઠા જેવા કુદરતી પરિબળોથી ખેતીને થતા નુકસાન સામે ધરતીપુત્રોને સુરક્ષિત કરવાના હેતુથી કોઈ પણ પ્રીમિયમ ભર્યા વગર ગુજરાતના તમામ વિસ્તારના ખેડૂતોને આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લોન્ચ કરી છે. કુદરતી પ્રકોપ સામે ખેડૂતોને રક્ષા કવચ પૂરું પાડતી આ યોજના મારફતે ગુજરાતે સમગ્ર દેશમાં ખેડૂત કલ્યાણનો માર્ગ કંડાર્યો છે તેમ જણાવતા મંત્રીશ્રીએ આ યોજનાનો લાભ ડાયરેકટ બેન્ક ટ્રાન્સફર પદ્ધતિથી આપવાનો હોવાથી લાભાર્થીઓ સુધી સંપૂર્ણ સહાય ન પહોંચે તેવો કોઈ ડર નહીં રહે તેમ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતભાઈઓની આવક બમણી કરવાના નિર્ધારને પૂર્ણ કરવા અને એ માટે ખેડૂતમિત્રોને ખેતીના દરેક તબક્કે મજબૂત ટેકો પૂરો પાડવા ગુજરાત સરકાર સતત શ્રેણીબદ્ધ પગલા લઈ રહી છે તેમ જણાવતા મંત્રીશ્રીએ કૃષિકારો માટેની વિવિધ સહાય યોજનાઓ, રોકડ સહાય, સાધન સહાય, કૃષિક્ષેત્રે રાજ્યે કરેલી પ્રગતિનો વિસ્તૃત ચિતાર રજૂ કર્યો હતો.


કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલ સિંહ જાદવ, જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહ અને કાલોલ ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણે પ્રાસંગિક ઉદબોધન કરતા આ યોજનાને ખેતીને વ્યવસાયની દ્રષ્ટિએ વધુ સલામત બનાવતી ગણાવી વધુમાં વધુ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ ઉઠાવવા અપીલ કરી હતી. 


તે અગાઉ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત ખેડૂતોને વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય મેળવવાની પ્રક્રિયા, સાધનિક કાગળો, ખેતીમાં નવીન પ્રવાહો, પ્રાકૃતિક ખેતી-સજીવ ખેતી, ખેતી અને પશુપાલન પ્રવૃત્તિમાં નડતી સમસ્યાઓ સહિતની બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.


કાર્યક્રમમાં જિલ્લામાં ખેતીમાં નવીન તરાહો અને પ્રગતિશીલ ખેતીમાં મહત્વનુ પ્રદાન આપનારા ખેડૂતમિત્રોનું શાલ અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના પદાધિકારીશ્રીઓ- અગ્રણીઓ, સંયુકત ખેતીવાડી નિયામકશ્રી (વડોદરા), ખેતીવાડી અધિકારીશ્રી જે.ડી.ચારેલ, નાયબ ખેતી નિયામકશ્રી ડી.એચ. રબારી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરસશ્રી એ.આઈ. પઠાણ સહિતના અધિકારીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.