પરિમલભાઈ શાહે દર્દીઓનું રાહત ફંડે 2020-21માં બે કરોડ અગિયાર લાખ રૃપિયાની ગરીબ દર્દીઓને સહાય કરી
માર્ચ 2020થી ભારત-ગુજરાત કોરોનાના કોપનો સામનો કરી રહ્યાં છે. કોરોનાએ જેમ નકારાત્મક
અસર કરી છે તેમ રચનાત્મક અસર પણ કરી જ છે.
આમેય દુઃખમાં માણસો નજીક આવે છે. તેમના હૃદયમાં
સૂઈ ગયેલાં પ્રેમ, સંવેદના, ઉષ્મા, હૂંફ આળસ ખાઈને બેઠાં થાય છે. દરેક વ્યક્તિના મન-હૃદયમાં માનવતા હોય જ છે, આપત્તિ સમયે તે પ્રગટ થાય છે.
અમદાવાદમાં દર્દીઓનું રાહત ફંડ નામની એક અદ્ભુત માનવીય સંસ્થા છે. નગીનકાકા (નગીનભાઈ શાહ)એ તેનો પ્રારંભ કરેલો અને એકલપંડે પાંચ દાયકાથી પણ વધુ સમય તે ચલાવેલી.
શ્રી પરિમલભાઈએ આમ તો નગીનકાકા હયાત હતા ત્યારથી જ દર્દીઓનું રાહત ફંડ સંસ્થા સંભાળી લીધી હતી, પણ તેમની વિદાય પછી યોગ્ય રીતે તેને ધબકતી પણ રાખી.
૧૯૬૪થી ૨૦૨૦ સુધી “દર્દીઓનું રાહત ફંડ” નામની એકલપંડે સંસ્થા ચલાવનારા નગીનભાઈ શાહ એટલે હજારો દર્દીઓને નવજીવન આપનાર એક સેવક, એક ઓલિયો માણસ, એક સેવાભાવી જણ. તેમના હૃદયમાં સતત માનવતા-સંવેદના અને કરુણાનો ઝરો અવિરત વહ્યા જ કરતો હતો. તેઓ એક સંસ્થા જેવા હતા. જાણે કે ગરીબોનું ભલુ કરવા જ જન્મ્યા હતા. ૯૦ વર્ષની વયે પણ તેઓ દર્દી નારાયણની સેવામાં રત હતા. ગુજરાતમાં તબીબી ક્ષેત્રે અનેક લોકોએ ખૂબ કામ કર્યું છે. નગીનભાઈ શાહ તેમાં જુદા તરી આવતા. એકલા હાથે તેમણે ૫૫ વર્ષ સુધી લાખો ગરીબ દર્દીઓ માટે જે કામ કર્યું છે તેનો જોટો જડવો મુશ્કેલ છે.
તેમના નિધન પછી, આ સંસ્થાનું નસીબ સારું કે પરિમલભાઈ શાહના સ્વરૃપમાં બીજા નગીનકાકા સમાજને મળી ગયા છે. ના, પરિમલભાઈ તો હજી ઘણા નાના છે એટલે આપણે તેમને કાકા ના જ કહી શકીએ. તેમને શ્રી પરિમલભાઈ તરીકે સંબોધીશું.
શ્રી પરિમલભાઈ શાહ દર્દીઓનું રાહત ફંડ સંસ્થાને પૂરેપૂરા વરેલા છે. ત્રણ-ચાર વર્ષથી તેઓ સંસ્થા માટે કામ કરી રહ્યા છે. નગીનકાકાનું નિધન થયું તે પહેલાં તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી. એ વખતે શ્રી પરિમલભાઈએ જવાબદારી સંભાળી લીધી હતી. તેઓ અમદાવાદના સ્વસ્તિક ચાર રસ્તા પાસે, કાશી પારેખ કોમ્પલેક્ષમાં આવેલા સંસ્થાના કાર્યાલયમાં નિયમિત જતા.
હવે તેઓ પોતાની ઓફિસમાંથી કામ કરે છે. અને હા, નિયમિત વી.એસ. હોસ્પિટલ તો રોજે-રોજ જવાનું જ. તેમના સહયોગીઓ ખાટલે-ખાટલે ફરે અને જરૃરિયાતમંદ દર્દીઓને રાહત અને હૂંફ બન્ને આપે.
તેમના નેજા હેઠળ સંસ્થાએ 2020-21માં બે કરોડ અગિયાર લાખ રૃપિયાની ગરીબ દર્દીઓને સહાય કરી. 2021-22ના ત્રણ મહિનામાં 73 લાખ રૃપિયાનો આર્થિક સહયોગ ગરીબ દર્દીઓને સંસ્થાએ કર્યો છે.
નગીનકાકાની વિદાય પછી દાનનો પ્રવાહ જળવાઈ રહ્યો છે અને શ્રી પરિમલભાઈ મહેનત કરીને જરૃરિયાતમંદ દર્દીઓને શોધી શોધીને સહયોગ કરતા જ રહ્યા છે.
શ્રી પરિમલભાઈ સાદા, સરળ અને કર્મઠ જણ છે. એક જમાનામાં તેમનો પરિમલ બ્રધર્સના નામનો ધીખતો રેફરીજેટર (ફ્રીઝ)નો શો-રૃમ હતો. તેમનો એક દીકરો ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સ્થાયી થયો છે. નાના ભાઈ પુલકિતભાઈનો દીકરો વિદેશમાં ભણીને અમદાવાદમાં પોતાનો વ્યવસાય સંભાળે છે. બન્ને ભાઈઓ સંતોષી અને નિરાંતવા છે. બધો કારોબાર સમેટી લીધો છે. શાહ છે એટલે એવું સરસ આર્થિક આયોજન કર્યું જ હશે કે પરિવારને કોઈ જ તકલીફ ના પડે.
નગીનકાકા પોતે જ એક મોટી સંસ્થા જેવા હતા. તેઓ સંસ્થામાં ઓગળી ગયા હતા. તેમના સ્થાને આવીને સંસ્થા સંભાળવી એટલે સચિન તેટુંલકરે બે સદી ફટકારી હોય એ પછી બેટિંગમાં આવવું. આનંદની વાત છે કે શ્રી પરિમલભાઈએ સુંદર રીતે સંસ્થાને સંભાળી લીધી છે. અલબત્ત, તેમને શ્રી નવનીતભાઈ ચોકસી, શ્રી અંબુભાઈ પટેલ, શ્રી ક્ષિતીશભાઈ શાહ, શ્રી રમાકાન્ત ભોજનગરવાલા વગેરે ટ્ર્સ્ટીઓ અને દાતાઓનો ભરપૂર સહયોગ મળે છે.
પરિમલભાઈ જોડે બેસીએ એટલે નિરાંત અને શાંતિનો અનુભવ થાય.
પરમ કૃપાળુ પરમાત્મા આદરણીય પરિમલભાઈ શાહને નિરામય દીર્ઘાયુ આપે. તેમનો સંપર્ક નંબર 92656 70480 અને ઈ મેઈલ dardifund.1964@gmail.com છે. આપ વેબસાઈટ www.dardirahatfund.org પર સંસ્થાની વધુ માહિતી મેળવી શકશો.
(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના 9824034475, અમદાવાદ)