બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પરમાર્થી પ્રભાતસિંહજી પરમાર

મુરબ્બી શ્રી પ્રભાતસિંહભાઈ પરમારના સ્વર્ગારોહણ થી મન ક્ષુબ્ધ છે સ્વપ્ન જેવું લાગે છે સાથે કેટલીક વખત વિતાવેલ પળોનું ચિત્રપટ વળી વળીને સામે આવ્યા જ કરે છે ૨૦૦૮માં મેં સરકારમાંથી અને એમણે બેન્કમાંથી સ્વૈચ્છીક નિવૃત્તિ લીધી પછી સાથેને સાથે !! લાઈબરીમાં, બેંકમાં, ઇન્કમ ટેક્સની ગણતરી હોય કે રિટર્ન ભરવામાં, પ્રોપર્ટીટેક્સ ભરવા કે લાઈટબીલ ભરવા, ટેલીફોનબીલ કે ઘર મેહસુલવેરો ભરવા તલાટી પાસે... કોઈની દવાખાનામાં ખબર કાઢવા જવાનું હોય કે બહાર ગામ સમાજના કોઈના બેસણામાં... બધે સંગાથ...




GRCA ની ગાંધીનગર શાખા તા.૨૭/૯/૨૦૧૬ થી પ્રારંભ કરી ત્યારથી સમાજની આવતી પેઢીના ઉતકર્ષ અને નવઘડતર પ્રક્રીયામાં પાયાના પથ્થર બની ખડગની જેમ ઉભા રહ્યા તે વર્ષોના વર્ષો પસાર થતા ગયા... છેલ્લે તા. ૨૧/૩/૨૦૨૧ GPSC કલાસ ૧/૨ પરીક્ષાની તૈયારી/પરીક્ષાના ઉમેદવારોને શુભેચ્છા આશીર્વચન પાઠવતી વખતે.. એક ધારું મુંગુ પ્રદાન... ઘણા દીકરા-દીકરીઓને એ પણ ખ્યાલ નહિ હોય કે તેમની ઉજળી આવતી કાલ માટે, ગાંધીનગર અતિથિઓને કોઈ જ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે શિયાળો, ઉનાળો કે ચોમાસાની દરેક સીઝનમાં સતત ખડે પગે મૂંગી, નિસ્વાર્થ સેવાઓ કોઈ વડીલ આપી રહ્યા છે!!!


દીકરીઓને માવતરની ખોટ ન પડે, રોજ-બરોજ યાદ ન આવે એવી સઘળી સહાય... ભાવેથી નજીકમાં સુરક્ષિત રૂમો ભાડે રાખી દેવી જેમાં ૩-૪ દીકરીઓ સલામત રહી શકે, ભાઈઓને પણ રૂમો ભાડે રાખી અપાવવામાં દોડાદોડી કરીને સતત સહાય/માર્ગદર્શન.. સવારે ૮/૩૦ કલાકે વર્ગો શરૂ થાય એ પહેલા સંકુલમાં આવી જાય, આર ઓ પલાન્ટની સફાઈ, પાણીની ટાંકી ભરવા મોટર ચાલુ કરવી, બંધ કરવી, બાથરૂમ સાફ સફાઈમાં સતત સૂચના, પાણીના જગ સ્વચ્છ, પીવાલાયક પાણીથી ભરાઈ જાય તે જોવું...


ઓફિસમાં સ્ટેશનરી, સુરેન્દ્રનગર GRCA ઓફીસ હેડક્વાર્ટરથી આવેલ સાહિત્ય, પરીક્ષાલક્ષી મટીરીયલ, લાઈબ્રેરી કબાટ પુસ્તકો, હાજરી રજીસ્ટર, દૈનિક ખર્ચ કાર્યવાહીમાં વિજય-રાજભા, અનિલસિંહ, અભયસિંહ મોરી, યુવરાજસિંહ ચાવડા, દિગભા, જયપાલસિંહ ટિમ... કોને કોને મદદરૂપ થતા રહ્યા છે.




GRCA સંકુલ તેમને મન પરમાત્મા મંદિર-સેવા, પૂજા એજ ધર્મ... કોઈજ નામ મેળવવાની, પ્રસિધ્ધિ કમાવવાની ખેવના નહિ.. મૂંગા કાર્યકર અને હેતાળવા વડીલ તરીકે કોણ જાણે આપણા નવલોહીયા યુવા બ્રિગેડના એક શિસ્તબધ્ધ સૈનિક તરીકે સતત સેવારત રહ્યા છે આપણા પ્રભાતસિંહદાદા... મને ફોન કરે કે હું સંકુલમાં આવી ગયો છું "આવો"... એટલે અમારી સ્નેહાળ જુગલબંધી શરૂ થાય.. ધરતી ઉપર પગ રાખીને, ભાવિની ચિંતા કરતા જઈએ અને ચાલતી પ્રવૃત્તિની કોઈ ખામી, મુશ્કેલી હોય તો તેનો રસ્તો કાઢવો, સગવડતામાં કોઈ ખામી ન રહે, બાળકોની સુરક્ષામાં કોઈ છીંડું ના રહે તેની સતત ચિંતા કરતા રહીએ અને GRCA ની એકેડેમિક ટીમે સુનિશ્ચિત કરેલ શૈક્ષણિક કાર્યની સિસ્ટમની સતત મોનીટરિંગ કરતા રહીએ, જરૂર જણાયે અનુભવ સમૃદ્ધિથી માર્ગદર્શન આપતા રહેવાનું...


વર્ગમાં પણ સાફ સફાઈ, સ્ટેજની લાઈટ, પંખા,એસી સર્વિસ,સીસીટીવી અને ફાયર સુવિધાનું સતત ધ્યાન.. વિક્રમસિંહભાઈ કે સુરેન્દ્રનગરથી આવતી સુચનાઓનું સરળ સંચાલન... બધું સ્મુધલી અને સરળતાથી સક્રિયતાથી કામ ચાલતું રહે..., ખબર પણ ન પડે તેવી રીતે વર્ગો ચાલતા રહે,મોડીરાત સુધી બાળકો અભ્યાસરત રહે તેનું ઉષ્માભરી, વાત્સલ્ય સભર માવજતથી ધબકતું તંત્ર...ઉર્જાસભર રહે તેમાં ધબકતી હતી વડીલ તરીકેની જવાબદારી સભર ચેતના... કેટકેટલું ધ્યાન રાખતા... આગામી કોઈ મિટિંગનું આયોજન હોય કે GRCA ની મુલાકાતે કોઈ વિશિષ્ટ અતિથિકે મહેમાનો પધારવાના હોય... એમની હાજરી સંકુલમાં હોય જ !!


ઓહહહ ગાંધીનગર શહેર રાજપૂત સમાજની બધીજ એક્ટિવિટી. અગાઉ યોજાતી માસિક સંગઠન બેઠકો, ૯-૧૦ વાર્ષિક સ્નેહમીલન સમારંભો થયા એની આયોજન બેઠકો.. રાજ્યમાં વિવિધ સ્થળોએ યોજાતા સરસ્વતી સન્માન કાર્યક્રમોમાં ગાંધીનગર સમાજને વડીલ તરીકે રિપ્રેજન્ટ કરવાની વાત હોય કે સમૂહ લગ્નો જેવા સામાજિક સમારંભો હાજર રહેવાનું કે પ્રતીક ચાંદલો મોકલવાની બાબત હોય... તેમણે સતત ચિંતા કરી જવાબદારીનું વહન કાયમ કર્યું છે...!!!




ડોળાસા ખાતે તાજેતરમાં સમાજના એક ભાઈનું દુઃખદ નિધન થયું ; તેમની અંતિમવિધિ તેમના દિકરીઓએ કરી એ હૃદયદ્રાવક ઘટનાથી વ્યથિત થઈને વઢવાણના આપણા વડીલ મુરબ્બી શ્રી ભવાનીસિંહભાઈ મોરી સાહેબે વીડિયો માધ્યમથી સોશિયલ મીડિયામાં આર્થિક સહાય મદદની અપીલ કરી, પ્રભાતભાઈને કીધું કે રાજ્યના પાટનગરમાં વસતા પ્રબુદ્ધ,આર્થિક સધ્ધર વર્ગમાંથી આપણે સંવેદના દાખવવાનો સમય આવ્યો છે... તેમણે સંકલન કરવાની જવાબદારી સ્વીકારી લીધી. ડોળાસા પરિવારના નિયત બેંક એકાઉન્ટમાં રકમ ઓનલાઈન જમા કરાવવા અને સ્થાનિક રીતે સૌ પોતાનો રોકડો ફાળો કલેક્ટ કરી, હિસાબી-લિસ્ટ અદ્યતન કરી, મદદ મોકલવાની બધીજ સંકલન કામગીરી તેમણે સત્વરે નિભાવી.. સહેલું નથી આ બધું. યાદી બનાવવી, હિસાબની વાત હોય એટલે પૂરતી કાળજી અને જવાબદારી દાખવવી, સ્મૃતિ પાઠવવા ફોન કરવા... આ બધું કોણ કરે છે, કેવી રીતે કરે છે-  ઘણાયને તો ખબર જ નથી હોતી...


વૈષ્ણવ જનતો તેને કહીયે, જે પીડ પરાઈ જાણે રે.

પરદુઃખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે.




સમાજ માટે, સમાજ ઉપર આવતી કેટલીયે ફતમાં વડીલ તરીકેની સતત ફરજ હસ્તામુખે નિભાવી છે પ્રભાતસિંહભાઈએ..!! યાદ કરો.. ગાંધીનગરમાં નવી ભરતીથી આવ્યા તે પહેલાં લગભગ ૭૫ અને પછી ૧૩૭ પરિવાર વસતા હતા. તેમની સંકલિત માહિતી યથા સમયે અપડેઈટ કરીને, પરિવાર પુસ્તિકાઓ અદ્યતન કરવાની દરેક કામગીરીમાં ખૂબ પુરુષાર્થ તેમણે કર્યો છે જેની લાગણી સભર નોંધ લેવી પડે. ૧૯૭૯-૮૦ માં પાટનગરમાં ૨૦-૨૫ કુટુંબો વસ્યા, ત્યારબાદ ૨૦૧૦ માં ૧૨૮ જેટલા પરિવારની પુસ્તિકાનું સંપાદન થયું. ૨૦૧૩ માં ૧૭૮ જેટલા પરિવારો દર્શાવતી દ્વિતીય સંસ્કરણ-કામગીરી થયેલી. તે પછી ૨૦૧૮ વર્ષના અંતભાગમાં આશરે ૨૮૫ પરિવારોની પરિચય પુસ્તિકા-તૃતીય- સંસ્કરણ કામગીરી (ફોટા સાથે) થઈ... પ્રેસમાં પ્રુફરીડિંગ, માહિતીની ચકાસણી વિતરણ... અને યાદ હોય તો ગાંધીનગર સંકુલના પ્રાંગણમાં કર્ણાટકના નામદાર રાજ્યપાલશ્રી વજુભાઇ વાળા સાહેબના વરદ હસ્તે આપણે "શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ,ગાંધીનગર" પરિવાર દર્પણ-તૃતીય-સંસ્કરણ ૨૦૧૯ "નો ભવ્ય કાર્યક્રમ ડિરેક્ટરી વિમોચન" યોજેલો... આવા સઘળા કાર્યક્રમોમાં વડીલ હોવા છતાં એક યુવાનને શરમાવે તેવી ધગશ અને જીંદાદિલીથી તેમણે અપ્રતિમ પુરુષાર્થનું બળ પૂરું પાડેલ... આવા તો સમાજ માટેના ઘણા કાર્યક્રમો અને આયોજનમાં સ્વ પ્રભાતસિંહ પરમાર સાહેબનું મુંગુ પ્રદાન યાદ આવે છે..




હસતો ચહેરો, નિખાલસ અભિવ્યક્તિ માર્મિક ટકોર હોય પણ હૃદયને ઘાત ન પહોંચે તેવી કોમળતાથી કરેલ વાત.. જવાબદારી સામેથી સ્વીકારવાની કોઈ કામથી ભાગવાની કે છટકવાની વૃત્તિ નહિ પણ એક કરતાં વધુ જવાબદારી સામેથી સ્વીકારવાની હમેંશા તત્પરતાં... નવી પેઢીને આ બધી બાબતોની કદાચ ખબર નહિ હોય એટલે વિસ્તારથી કહેવું પડે છે.. ટેક્નોલોજીમાં આપણે ખૂબ વિસ્તર્યા છીએ કોમ્પ્યુટરના યુગમાં અદ્યતન ટેક્નિકમાં અગ્રેસર થતા જઈએ છીએ પણ આપણી સમજણ અને જવાબદારી સ્વીકારવાનું વર્તુળ આપણે બહુ નાનુ થી નાનું કરતા જઈએ છીએ... સાર્વત્રિક જવાબદારીને આપણે જોઈ શકતા જ નથી.. પ્રસંગોમાં ઉપસ્થિત થવાનું ટાળીએ છીએ. સામાજિક બાબતોમાં સહભાગી થવાની માનસિકતા ઘટતી જાય છે. "કોઈનું દુઃખ કોઈનું - આપણે શું" એજ માનસિકતા વધતી જાય છે. વિચારવાનું જ આપણે બંધ કરી દીધું છે એવા વિષમ સંજોગોમાં બધાને સાથે લઈ ચાલવાનું અને દુઃખમાં ભાગીદાર બની જવાબદારી ઉપાડવાની જે લાક્ષણિકતા મુરબ્બી પ્રભાતસિંહભાઈ ધરાવતા હતા એ આજની પેઢીને ધ્યાને મુકવી જ પડે !!




આ તો ફક્ત ગાંધીનગર સમાજ માટે તેઓની કામગીરી અને કરેલ તર્પણની સામાન્ય ઝલક રજૂ કરી છે બાકી, એક સજ્જન વડીલ તરીકે પારિવારિક ક્ષેત્રે, મિત્રો સાથે ગાળેલ સ્નેહ સભર યાદગાર પ્રસંગો, પ્રેમાળ પિતા તરીકેની જાગૃત જવાબદારી, કુટુંબ માટે સોલાર રુફટોપ,કલર,મકાનની સુધારણા... પતિ તરીકે મિતાબાની સહૃદયી સારવારમાં સદાય સહકારભરી પ્રસન્ન દામ્પત્યની વાતો..!!


બેંકની નોકરી દરમ્યાન તેમણે ગુજરાતના સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને અમદાવાદ જેવા ઘણા શહેરોમાં નોકરી કરી તેના કારણે ઉપરોક્ત જિલ્લાના આપણા રાજપૂત સમાજના આગેવાનો અને ભાઈઓના સંપર્કમાં સદાય રહેતા તેના કારણે વિવિધ ક્ષેત્રોની રેહણી-કહેણી, રીત-રિવાજ, ખાન-પાન, વાણી-વર્તન, વેશ-પહેરવેશ, ધંધા-રોજગાર, સમાજની ધાર્મિક જગ્યાઓ, સામાજિક સંસ્થાઓ અને ઐતિહાસિક બાબતોનું ખુબજ ઊંડું જ્ઞાન ધરાવતા હતા.આ બાબતથી પ્રેરાઈને શ્રી ડો,બીપીનસિંહજી પરમાર સાહેબના નિમંત્રણને માન આપી રાજપૂત ઇતિહાસ પરિષદ ગ્રુપમાં સામેલ થયા ગ્રુપના વરિષ્ઠ વડીલ તરીકેની જવાબદારી ખુબજ સક્રિય રહી નિભાવી સારા માર્ગદર્શક તરીકે ઐતિહાસિક ખૂટતી કડીઓ મેળવી આપવા ખૂબ જ પ્રયત્નશીલ રહેતા તેમજ યુવાનોને કોઈ પણ જગ્યાએ ન મળતી બુક પ્રભાતસિંહજીદાદાને કહે એટલે સમય કાઢીને બુકસ્ટોલ કે લાઇબ્રરીમાં જાય અને બુક મેળવી આપેલ સરનામે કુરિયર કરી મોકલી પણ આપતા... ઘણું યાદ આવે છે..




મીઠપ વાળા માણસો, જગ છોડીને જાય,

કાગા એની કાણ, ઘરે ઘરે મંડાય. 


શુ કહીએ કુદરત આગળ આપણે સૌ લાચાર છીએ..  તમારું જીવન અમારી પ્રેરણા હતું. તમારા આદર્શો અમારા માર્ગદર્શક હતા. અમે તમારૂ જીંદાદિલી ભર્યું મૌન કાર્ય પ્રદાન, સરળ જીવન, ઉચ્ચ વિચારો, દયાળુ સ્વભાવ, જવાબદારી સભર સાહસિક વૃત્તિ, પ્રભાવિત આભા સભર આપનો હસતો ચેહરો ક્યારેય ભૂલીશું નહિ. આપની સ્મૃતિ અમારી સાથે સદાય રહેશે... રડતા હૃદયે આંખમાં આંસુ અને ધ્રુજતા હાથે આપને શબ્દોરૂપી પુષ્પાંજલિ અર્પી આપના આત્માને ચીર શાંતિ મળે તેવી હૃદયથી પરમકૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ..




હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ લાગીએ,

શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ,

જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો,

પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો....


 શાંતિ ૐ શાંતિ.

નારણસિંહ બી મકવાણા

ગાંધીનગર