ઉત્તરાખંડ ચુંટણી પહેલા રાજકારણ શરુ : ભાજપે ‘જય શ્રી રામ’ તો કોંગ્રેસે ‘જય શ્રી ગણેશ’ નારા સાથે રાજકારણ શરુ કર્યું
અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત દ્વારા બીજેપી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી રાજકીય લાભ માટે હિન્દુ શબ્દને હાઈજેક કરી શકતી નથી. પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ હવે જય શ્રી ગણેશનો નારો આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આવતા વર્ષની શરુઆતમાં ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. 2022 માટે ચૂંટણી અભિયાનની આગેવાની હરીશ રાવત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું છે કે, બીજેપીએ હિન્દુઓને માત્ર વોટ બેન્ક બનાવી લીધી છે. હું આ થવા દઈશ નહીં.
ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, અમે સનાતન ધર્મના અનુયાયી રહેલા છીએ, જે લોકો અને ધર્મો વચ્ચે સદ્ધભાવ અને શાંતિનો ઉદ્દેશ આપે છે. તેમ છતાં ભાજપ હંમેશા ધર્મ અને જાતિના નામ પર લોકો વચ્ચે મતભેદ ઉભા કરવાનો પ્રયાસ કરવાનું કામ કરે છે. જય શ્રી ગણેશનો નારો રાજ્યમાં પાર્ટીના ચૂંટણી અભિયાનને વેગ આપશે. તેની સાથે એ પણ જણાવ્યું કે, કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશને યાદ કરાય છે અને તેમની પૂજા પણ કરવામાં આવે છે તેના માટે અમારા દ્વારા આ નારો પસંદ કરવામાં આવ્યો છે. શ્રી ગણેશ એક નવી શરુઆતનો સંદર્ભમાં છે અને ભગવાન ગણેશને વિધ્નહર્તા તરીકે પણ ઓળખાય છે.
આ અગાઉ પણ રાવત દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસ તેના પાછલા કાર્યકાળના વિકાસ કાર્યોને ફરીથી શરૂઆત કરશે. અમારા દ્વારા મહિલાઓને એલપીજી સિલિન્ડર પર 200 રુપિયાની સબસિડી અને વિધવાઓ માટે પેન્શનની રકમ બમણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમારા દ્વારા રોજગારીની તકો ઉભી કરવાને લઈને મહત્વ આપવામાં આવશે. પાર્ટી દ્વારા 3 સપ્ટેમ્બરના રોજ પરિવર્તન યાત્રાની જાહેરાત કરવામાં આવી છે. આ યાત્રા ચાર તબક્કાઓમાં પૂરી કરાશે.