IPL માં ક્રિકેટ એપની બોલબાલા, એક એપ તો કમાય છે અધધ 3000 કરોડ
દેશભરમાં IPL ક્રિકેટની ધૂમ મચી રહી છે, ત્યારે ક્રિકેટ એપ પણ હાલ ટોપ-10 ડાઉનલોડ મામલે ધૂમ મચાવી રહ્યું છે. દેશમાં રોજ-બરોજ સૌથી વધુ ડાઉનલોડ થનારી ટોપ-10 એપોમાં સ્પોર્ટ્સે સ્થાન મેળવ્યું છે અને આ સ્પોર્ટ્સ એપ્સમાં સૌથી વધુ ક્રિકેટ એપ્સ જોડાયેલી છે. આવી ઘણી ક્રિકેટ સંબંધિત એપ્લિકેશનો હજુ પણ લોકોના મોઢે કે મગજમાં નથી, પરંતુ UAEમાં 19 સપ્ટેમ્બરથી IPL-2020 ટૂર્નામેન્ટ શરૂ થતાં જ ડાઉનલોડની દ્રષ્ટિએ આવી એપો ઝડપથી ટોચ પર આવી રહી છે. આ બાબત પરથી કહી શકાય કે, કોવિડ-19 અને ધ્યાન ભટકાવતી અન્ય વસ્તુઓ હોવા છતાં લોકોમાં રમત વિશે ખૂબ જ ઉત્સાહ છે.
હોટસ્ટાર ડિઝની પાસે IPL મેચની લાઇવ સ્ટ્રીમિંગના ડિજિટલ અધિકાર છે. ડાઉનલોડ રેન્કિંગ પર નજર રાખનાર સેન્સર ટાવરના ડેટા પ્રમાણે, આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ રેન્કિંગમાં ટૂર્નામેન્ટ શરૂ થવાના પાંચ દિવસ પહેલા 17મા ક્રમાંકે હતી, પરંતુ ટૂર્નામેન્ટ અહીંથી શરૂ થઈ અને 20 સપ્ટેમ્બરથી તે દરરોજ સૌથી વધુ ડાઉનલોડ થતી એપ્લિકેશન બની. હોટસ્ટાર 27 સપ્ટેમ્બરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં બીજા સ્થાને છે, જ્યારે 1 સપ્ટેમ્બરના રોજ તે 39માં ક્રમાંકે હતી.
ગયા વર્ષે, આશરે 30 કરોડ ગ્રાહકોએ હોટસ્ટાર પર IPL ટૂર્નામેન્ટ જોઇ હતી. આ સાથે જ ગત વર્ષે હોટસ્ટાર IPL ભારતમાં OTT પ્લેટફોર્મ પર સૌથી પ્રખ્યાત કાર્યક્રમ બની ગઈ હતી. ભારતમાં સ્ટાર અને ડિઝનીના અધ્યક્ષ ઉદય શંકરે કહ્યું હતું કે, પાછલા વર્ષોની જેમ આ વર્ષે પણ OTT અને TV પર વ્યુઅરશિપ વધશે. જાહેરાતથી 3,000 કરોડ રૂપિયાની આવક કરવામાં કંપની સફળ રહી છે. તેની લોકપ્રિયતાનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે, અહેવાલો અનુસાર પ્રથમ દિવસે ડિઝની હોટસ્ટાર પર કુલ દર્શકોની સંખ્યા 84 લાખ હતી. આ લક્ષ્ય હાંસલ કરનાર હોટસ્ટાર જ એકમાત્ર એપ્લિકેશન નથી. IPL પર લાઇવ સ્કોર્સ, વિશ્લેષણ અને સમાચાર આપતી ક્રિકબઝ 1 સપ્ટેમ્બરના રોજ ગૂગલ પ્લે ડાઉનલોડ્સમાં અને IPL શરૂ થઈ જે દિવસે 123માં ક્રમાંકે પહોંચી ગઈ. બીજા દિવસે જાણે જાદુ થયો હોય તેમ આ એપ્લીકેશન ડાઉનલોડ રેન્કિંગ મામલે પાંચમાં ક્રમાંકે પહોંચી ગઈ. હાલના સમયમાં આ એપ્લીકેશન ગૂગલ પ્લે પર સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ્લિકેશન્સમાં ચોથા ક્રમાંકે છે. અત્યાર સુધીમાં ક્રિકબઝને 10 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.