રાજકોટમાં નિર્માણ પામનાર AIIMS હોસ્પિટલના સદસ્ય તરીકે આ બે દિગ્ગજ નેતાને સ્થાન મળ્યું...
કેન્દ્ર સરકાર દ્વારા સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર એવા રાજકોટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની ફાળવણી તાજેતરમાં જ કરવામાં આવી હતી. જેમાં ચેરમેન સહિતના સદસ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે.
ચેરમેનપદે દિલ્હીના ડોક્ટર પ્રદીપ દવેની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.ના કુલપતિ પ્રો. ડો.નવીન શેઠ અને સાંસદ સભ્ય એવા મોહનભાઈ કુંડારીયા અને શ્રીમતી પૂનમબહેન મેડમની રાજકોટ એઈમ્સના સદસ્ય તરીકે કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂંક કરવામાં આવી છે. પ્રો. ડો. નવીન શેઠ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2008 થી 2011 સુધી મેડિકલ ફેકલ્ટીના સદસ્ય રહી ચૂક્યા છે.
આ ઉપરાંત હાલમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એજ્યુકેશન રેગ્યુલેશન કમિટીના ચેરમેન તથા ફાર્મસી બોર્ડ એઆઈસીટીના સભ્ય પદે પણ કાર્યરત છે. ઇન્ડિયન સોસાયટી ઓફ ફાર્મા કોગ્નોસીના પ્રેસિડેન્ટ પદને પણ તેઓ શોભાવી રહ્યા છે. મેડિકલ અને ફાર્મસી ક્ષેત્રે તેમના અભૂતપૂર્વ પ્રદાનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ એઈમ્સના સદસ્ય તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે.
આ અંગે પ્રોફેસર ડોક્ટર નવીન શેઠે જણાવતાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર એવા રાજકોટમાં એઈમ્સની ફાળવણી કરી છે, જે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુબજ આનંદની વાત છે. હેલ્થ સંબંધિત સમસ્યાઓને કારણે જે તકલીફો પડી રહી હતી , તે હવે ભૂતકાળ બનીને રહેશે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર વાસીઓને અમદાવાદ, દિલ્હી કે મુંબઈ સુધી ગંભીર બીમારીઓ માટે લાંબા થવું પડતું હતું, તે થવું પડશે નહીં અને તમામ પ્રકારની સારવાર રાજકોટ ખાતે મળી રહેશે. પ્રો. ડો. નવીન શેઠ સહિત પ્રો. વિજ્યાલક્ષ્મી સક્સેના , ડો. વિજય ચૌથાવાલે, ડો. જીતેન્દ્ર અમલાની , ડો. રાકેશ કોચર અને ડો. ઈલા દેસાઈની પણ નિમણૂક કરવામાં આવી છે.