રાજકોટ જિલ્લામાં સુજલામ-સુફલામ જળ અભિયાનના કામો સત્વરે ચોમાસા પહેલા પૂર્ણ કરવા તાકીદ કરતા કલેકટર સુશ્રી રેમ્યા મોહન અપાયેલી મંજૂરી
રાજકોટ તા.૨૭ મે - રાજકોટ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૦ અંતર્ગત જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા કામો હાથ ધરવા માટે સરકારશ્રી ગાઈડલાઈન મુજબ માસ્ટર પ્લાન બનાવવામાં આવેલ છે. જેમાં જિલ્લામાં કુલ ૪૮૫ કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આજરોજ જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમીક્ષા બેઠકમાં કલેકટરશ્રીએ આ યોજનામાં સંબંધિત વિભાગોના અધિકારીઓને જણાવ્યું હતું કે આગામી ચોમાસા પહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા તાકિદ કરી હતી.
આ તકે તેઓએ જનભાગીદારીવાળા કામો વધુ ને વધુ થાય તે માટે હિમાયત કરી હતી. કલેકટરશ્રી રમ્યા મોહને વધુમાં ઉમેર્યું હતું કે જે તે ગામમાં ચાલતાં ચેકડેમ તળાવો ઊંડા કરવાના કામોમાંથી નીકળતી માટી જે કોઈ ખેડૂતો સ્વખર્ચે લઈ જવા માંગતા હોય તો તે અંગે તેમણે ચેકડેમ માટે રાજ્ય સિંચાઈ યોજના વિભાગ તથા તળાવ માટે પંચાયત સિંચાઇ વિભાગ પાસેથી લેવાની થતી મંજુરી બાબતે સંબંધિત વિભાગોને તાલુકા કક્ષાએથી મંજૂરી આપવા સૂચનાઓ આપવામાં આવી છે.
આ ઉપરાંત, જિલ્લામાં આવેલી નગરપાલિકાના ચીફ ઓફીસરો પાસેથી સુજલામ સુફલામના કામો અંગેની માહિતી કલેકટરશ્રી રેમ્યામોહને વિડીયો કોન્ફરસીંગથી મેળવી જરૂરી સુચનો કર્યા હતા. આ યોજનાના નોડલ ઓફિસર અને કાર્યપાલક ઇજનેર શ્રી વિજયભાઈ વોરાએ કામગરીની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે હાલ જિલ્લામાં ૮૦ કામો પ્રગતિમાં છે જેમાં ૨૪ જેસીબી, ૧૦૮ ડમ્પર/ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જ્યારે ૬૨૫૧ જેટલા શ્રમિકો કામગીરી કરી રહ્યા છે. આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવસીયા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.કે.પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી પરિમલભાઈ પંડ્યા, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ આ યોજનાના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.