બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રકુલ પ્રીત સિંહ ઊંધા પગે હૈદરાબાદ પરત ફરી.

અભિનેત્રી રકુલ પ્રીત સિંહ છઠ્ઠી સપ્ટેમ્બરે મુંબઈ પહોંચી ત્યારે તેને જાણ થઈ કે તેનું સાતમી સપ્ટેમ્બરથી ૧૪મી સપ્ટેમ્બર સુધીનું શૂટિંગ શેડયુલ  રદ્દ થયું છે. રકુલ તેની સીમા પારની લવ સ્ટોરી રજૂ કરનારી ફિલ્મના શૂટિંગ માટે મુંબઈ આવી હતી. પણ અહીં આવી ત્યારે તેને ખબર પડી કે તેનો સહકલાકાર અર્જુન કપૂર કોવિડ-૧૯થી સંક્રમિત થયો છે તેથી તેનું એક અઠવાડિયાનું શૂટિંગ રદ્દ થયું છે. રકુલે કહ્યું હતું કે મારું વિમાન હજી રનવે પર હતું ત્યારે જ મને ફોન આવ્યો કે મારું એક સપ્તાહનું શૂટિંગ કેન્સલ કરી દેવામાં આવ્યું છે. જો મને અડધા કલાક પહેલા પણ તેની જાણ થઈ ગઈ હોત તો હું મુંબઈ આવવા વિમાન ન પકડત.

જોકે રકુલ પોતાનું આ અઠવાડિયું ફોગટ જવા દેવા નહોતી માગતી તેથી તેણે તરત જ તેના તેલુગુ ફિલ્મના દિગ્દર્શક કિશને ફોન કરીને પૂછયું હતું કે તેમની ફિલ્મનું જે શૂટિંગ ૧૫મી સપ્ટેમ્બરથી શરૂ થવાનું હતું તે તેઓ થોડું વહેલું કરી શકશે કે કેમ. અલબત્ત, દિગ્દર્શકે અન્ય કલાકારોની તારીખો પણ મેળવવી પડે તેમ હોવાથી તેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યાં અને ચાર- પાંચ દિવસ પછી તેનું શૂટિંગ શરૂ કરી દેવાયું. જોકે રકુલ નવમી સપ્ટેમ્બરે હૈદરાબાદ પરત ફરી ગઈ હતી.

વાસ્તવમાં રકુલ આ ફિલ્મના શૂટિંગ માટે ઓગસ્ટ મહિનાના અંત ભાગમાં માત્ર એક દિવસ માટે મુંબઈ આવી હતી અને તે વખતે બધા સાજાનરવા હતા પરંતુ શૂટિંગથી પહેલાં કરાવવામાં આવતા કોવિડ-૧૯ના ફરજિયાત પરીક્ષણ દરમિયાન અર્જુન કપૂર કોરોના પોઝિટિવ જણાયો હતો. અભિનેત્રી કહે છે કે અર્જુનનો રિપોર્ટ આવ્યો તેના એક દિવસ અગાઉ જ મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. હું જ્યારે હૈદરાબાદમાં શૂટિંગ કરી રહી હતી ત્યારે અર્જુન કોઈક સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યો હશે. સ્વાભાવિક રીતે જ હું તેના સંપર્કમાં નહોતી આવી.

રકુલ તેલુગુ ફિલ્મોદ્યોગ પરના વર્તમાન વાતાવરણ વિશે કહે છે કે ત્યાં પણ બધા ન્યુ નોર્મલ સાથે અનુકૂળ થવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બધા કોરોના વિષયક તકેદારીના પગલાં લઈ રહ્યાં છે. માત્ર કલાકારો સિવાય બધા માસ્ક પહેરી રાખે છે. ત્યાં નિયમિત રીતે બધાના ટેમ્પરેચર તપાસવામાં આવે છે અને અવારનવાર બધાના કોવિડ-૧૯ના પરીક્ષણ પણ કરાવવામાં આવે છે.

રકુલે વધુમાં કહ્યું હતું કે હાલના તબક્કે તેઓ વનમાં શૂટિંગ કરી રહ્યાં હોવાથી ત્યાં જ આવેલા એક રિસોર્ટમાં બધાને ઉતારો આપવામાં આવ્યો છે અને ભોજન પણ ત્યાં જ તૈયાર કરવામાં આવે છે. લગભગ ૫૦ જણનું તેમનું યુનિટ સલામત રીતે કામ કરી રહ્યું છે. તે ઉમેરે છે કે ઘણાંને એમ લાગે છે કે દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યાં હોવાથી હમણાં શરૂ કરવામાં આવેલા શૂટિંગ વહેલાસરના ગણાય. પરંતુ કોરોના ઝટ જવાનો નથી. તો કેટલા વખત સુધી લોકો ઘરમાં બેસી રહેશે?