પવિત્ર શ્રાવણ માસના આરંભ સાથે જ શિવભક્તોમાં મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. શિવાલયોમાં શિવભક્તો માટે પ્રવેશબંધી રાખવામાં આવી હોય શિવભક્તો ઘર બેઠાં જ પૂજા, ઉપવાસ, આરાધના કરી રહ્યા છે. એવામાં શ્રાવણ માસના આરંભે જ નાગપાંચમ, રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમના પવિત્ર દિવસોને લઇને અસમંજસની સ્થિતિ સર્જાઇ છે. તીથીના વિચિત્ર સંયોગને કારણે નાગપાંચમ, રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમ ક્યારે મનાવવી તે અંગે મૂંઝવણ પ્રવર્તી રહી છે.
દરમિયાન આવતી કાલે શનિવારે નાગપાંચમ અને રાંધણ છઠ્ઠ એક સાથે હોવાથી રવિવારે શીતળા સાતમની ઉજવણી કરવાનો મત જ્યોતિષીઓ આપી રહ્યા છે. જ્યોતિષીઓના નત પ્રમાણે ચાલુ વર્ષ શનિવારે 25 જુલાઇના રોજ નાગપાંચમ અને રાંધણ છઠ્ઠ એક સાથે હોવાથી સાથે જ રવિવારે શીતળા સાતમ મનાવવાની રહેશે.
શ્રાવણ સુદ પાંચમ શનિવારે 25 જુલાઇએ છે. આ દિવસે બપોર 12.02 વાગ્યા સુધી નાગપાંચમ છે. ત્યારબાદ રાંધણ છઠ્ઠ કરવાની રહેશે. પછીના દિવસે એટલે કે શ્રાવણ સુદ છઠ્ઠના રવિવારે 26 જુલાઇએ શીતળા સાતમ કરવાની છે. શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાની પ્રથા ગુજરાતમાં છે.
આગળના દિવસે એટલે કે રાંધણ છઠ્ઠના દિવસે રાંધીને ખાવાનું બનાવીને બીજે દિવસે સાતમના દિવસે ખાવામાં આવે છે. જો કે પાંચમ, છઠ્ઠ ભેગી હોવાથી શનિવારે બપોરે 12.20 વાગ્યા પછી રાંધણ છઠ્ઠ ગણવાની હોવાથી ત્યાર બાદ જ રાંધવાનું હોય છે.