શ્રમજીવીઓને રાહત: સુરતથી સૌરાષ્ટ્ર માટે 1600 વધારાની ST ટ્રિપનું આયોજન ₹150ના ભાડામાં વોલ્વો સેવા
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) એ સુરત માં રહેતા અને દિવાળીના તહેવાર દરમિયાન પોતાના વતન જવા ઈચ્છતા લાખો મુસાફરોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. GSRTC એ સુરત વિભાગમાંથી કુલ 40 નવી બસો નો પ્રારંભ કર્યો છે, જેમાં 5 આધુનિક વોલ્વો (Volvo) બસોનો પણ સમાવેશ થાય છે. આ વોલ્વો બસોનું ભાડું સામાન્ય ખાનગી બસોની સરખામણીમાં ઘણું ઓછું એટલે કે પ્રતિ કિલોમીટર ₹1.50 જેટલું રાખવામાં આવ્યું છે. આ નિર્ણય સુરતની હીરા અને કાપડ ઉદ્યોગમાં કાર્યરત શ્રમજીવીઓ ને મોંઘા ભાડામાંથી રાહત આપવા માટે લેવામાં આવ્યો છે.
નવી બસોના પ્રારંભની સાથે જ GSRTC એ દિવાળીના તહેવારની ભીડને ધ્યાનમાં રાખીને વધારાની બસ સેવાઓ નું આયોજન કર્યું છે. સુરત વિભાગ દ્વારા દિવાળી ના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર સહિત રાજ્યનાં અન્ય સ્થળો માટે કુલ 1600 વધારાની ટ્રિપો દોડાવવામાં આવશે. આ વધારાની ટ્રિપો ઓક્ટોબર 16 થી 19 દરમિયાન ચલાવવામાં આવશે, જેનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે વતન જઈ રહેલા કોઈ પણ મુસાફરને અસુવિધા ન થાય. મુસાફરોની માંગ વધશે તો નિગમ દ્વારા વધુ બસો પણ ફાળવવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
વધારાની બસોનું સંચાલન સુરતના વિવિધ વિસ્તારોમાંથી કરવામાં આવશે. સૌરાષ્ટ્ર તરફ જતી એક્સ્ટ્રા બસો રામચોક અને મોટા વરાછા જેવા મુખ્ય વિસ્તારોમાંથી ઉપડશે, જે સૌરાષ્ટ્રના લોકોની મોટી વસ્તીને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાત અને અમદાવાદ તરફની બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન થી ઉપડશે. આ ઉપરાંત, દાહોદ, ગોધરા, ઝાલોદ અને પંચમહાલ જેવા આદિવાસી વિસ્તારો તરફ જતી બસો સુરત સિટી બસ સ્ટેશન (સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે) અને રામનગર રાંદેર રોડ બસ સ્ટેશન થી ઉપડશે. આ વ્યવસ્થાથી મુસાફરોને બસ પકડવામાં સરળતા રહેશે.
GSRTC દ્વારા મુસાફરો માટે ગ્રુપ બુકિંગ ની ખાસ સુવિધા પણ જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ, જો મુસાફરોનું એક મોટું જૂથ આખી બસનું બુકિંગ કરાવે, તો GSRTC તેમને તેમની સોસાયટી અથવા રહેઠાણના સ્થળથી સીધા જ તેમના વતન સુધી પહોંચાડશે. આ "બસ આપના દ્વારે" યોજના શ્રમજીવી પરિવારો માટે મોટી રાહતરૂપ સાબિત થશે. એડવાન્સ બુકિંગની સુવિધા તમામ બસ સ્ટેશનો પર, GSRTCની ઓનલાઈન વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા પણ ઉપલબ્ધ છે. આ તમામ પગલાં ગુજરાત સરકારના પરિવહન મંત્રી હર્ષ સંઘવી ની દેખરેખ હેઠળ લેવામાં આવ્યા છે, જે રાજ્યમાં પરિવહનના માળખાને વધુ સુદ્રઢ બનાવવાના પ્રયાસોનો એક ભાગ છે.