સાણંદની ફેક્ટરીમાં લાગેલી આગ પર કાબુ મેળવવા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની સુચનાને પગલે એન.ડી.આર.એફ.ની ટીમ સાણંદ મોકલાઈ...
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની 'યુનીકેમ' કંપનીમાં આજે લાગેલી આગના પગલે જિલ્લા પ્રશાસને અગ્નિશમન તેમજ બચાવકાર્યના પગલાં તત્કાલ શરૂ કર્યા છે. અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે નિરાલા એ જણાવ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સીધી સૂચનાને પગલે એન.ડી.આર.એફ.ની ટુકડી મોકલવામાં આવી છે. એન.ડી.આર.એફની ટીમ બચાવ રાહત કામમાં જોડાઈ છે. ફેક્ટરીમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.
આઉપરાંત કલેકટર ના જણાવ્યા મુજબ અગ્નિશમન માટે 36 થી વધુ ફાયર ફાઇટર વાહન અને 270થી વધુ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળ પર રાહત કામગીરીમાં જોડાયા છે. ડાયપરનું ઉત્પાદન કરતી આ કંપની 80 એકરમાં ફેલાયેલી છે જ્યાં ૩૫ એકરમાં ઉત્પાદનની કામગીરી થાય છે.
જિલ્લા પ્રશાસન ઉક્ત કંપનીના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. હાલ કોઈ જ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. આગના પગલે થયેલા નુકશાનની વિગત આગ કાબુમાં આવ્યા બાદ જાણી શકાશે.આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાશે તેમ જિલ્લા કલેકટરશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.