સંસ્કૃતની મજાક ઉડાવવી પડી ભારે, આખરે સંદીપ મહેશ્વરીએ માફી માંગવી પડી
પ્રખ્યાત મોટીવેશનલ સ્પીકર અને યુટ્યુબર સંદીપ મહેશ્વરીને વિશ્વની પ્રાચીનભાષા સંસ્કૃતની મજાક ઉડાવી વિરોધ કરવાનું ભારે પડ્યું છે. સંદીપને સંસ્કૃત ભાષાની મહત્તા સમજાવવા દેશમાં સંસ્કૃત બોલનારાઓ અને સંસ્કૃત રસિકોની એક આખી ફોજ સામે આવી અને સંસ્કૃતના વિરોધ બદલ આખરે સંદીપે સોશિયલ પ્લેટફોર્મ પર સાર્વજનિક રીતે માફી માંગી છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ અને સંસ્કૃત
સંદીપ મહેશ્વરીએ સંસ્કૃતનો કરેલો વિરોધ આમ તો નવી શિક્ષણનીતિના અનુસંધાને જ હતો. નવી શિક્ષણનીતિમાં સંસ્કૃત અને ભારતીય ભાષાઓ પર વધારે ભાર મુકવામાં આવ્યો છે. અને આ સાથે જ ભારતીય ભાષાઓ અને તેના સાહિત્યને વિકાસ માટે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રેટેશન – IITI ની સ્થાપના કરવામાં આવનાર છે. ત્રીભાષા પદ્ધતિમાં સંસ્કૃતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધામાં સંસ્કૃતને મેઈનસ્ટ્રીમ ભાષા બનાવવાનો હેતુ છે. અને આથી જ સંસ્કૃત અને સંસ્કૃતિના વિરોધમાં એક આખી વામપંથી ગેંગ અને કહેવાતા તટસ્થ લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અને ટીવી ચેનલોમાં સંસ્કૃત અને નવી શિક્ષણનીતિનો એન-કેન પ્રકારે વિરોધ કરી વૈચારિક ઉલટીઓ કરી રહ્યા છે.
શું કહ્યું હતું સંદીપે ?
આપણા દેશને ૩૪ વર્ષ પછી નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ મળી છે જેમાં ભારતની સ્વતંત્રતા અને સંપ્રભુતાને આવરી લેવાઈ છે. આ નવી શિક્ષણનીતિ અને સંસ્કૃતનો વિરોધ સંદીપ મહેશ્વરીએ કર્યો હતો. એક વિડીયોમાં સંદીપ મહેશ્વરીએ કહ્યું હતું કે –
“મારે કોઈ સાથે સંસ્કૃતમાં વાત નથી કરવી. હું હિન્દી કે અંગ્રેજીમાં સંસ્કૃતના ગ્રંથો વાંચી લઈશ. શા માટે જબરદસ્તીથી સંસ્કૃત ભણાવવામાં આવે છે ? અહી મારો એક વિચાર રજૂ કરું છું કે સંસ્કૃતને ખતમ કરી દેવી જોઈએ જેથી એક ભાર હળવો થાય.” આવું કહી સંદીપે થોડાક સંસ્કૃત વાક્યો દ્વારા સંસ્કૃતનો મજાક ઉડાવ્યો.
સંસ્કૃત રક્ષકોની ફોજ ઉતરી આવી
સંદીપ મહેશ્વરીના વિરોધમાં સંસ્કૃત બોલનારાઓ અને સંસ્કૃત રક્ષકોની ફોજ ઉતરી આવી. સોશિયલ મીડિયામાં સંસ્કૃતમાં #क्षमा_याचस्व_संदीप અને હિન્દીમાં #क्षमा_मांगो_संदीप_माहेश्वरी ટ્રેન્ડ સાથે ધડાધડ પોસ્ટ અને ટ્વીટ થવા લાગી અને ટ્વીટર પર જોતજોતામાં 45,000 થી વધુ ટ્વીટ થઇ. સંસ્કૃત રક્ષકોએ સંદીપને જુદી જુદી રીતે સંસ્કૃતની મહત્તા સમજાવી અને પોતાની ભૂલનું ભાન કરાવ્યું. એક સંસ્કૃતજ્ઞએ તો ત્યાં સુધી લખ્યું કે આજે સમગ્ર વિશ્વ સંસ્કૃતમય બની રહ્યું છે, વિદેશોમાં પણ સંસ્કૃત શીખનારા અને બોલનારા લોકો વધતા જઈ રહ્યા છે, અને સંદીપ તેને અનાવશ્યક ગણાવે છે. સંસ્કૃતની મજાક ઉડાવનારા સંદીપ વિરુદ્ધ દેશમાં તો ઠીક, વિદેશમાંથી પણ પોસ્ટ અને ટ્વીટ થતા હતા. સંદીપનો વિરોધ કરવામાં ઘણા તો એના ફોલોઅર્સ હતા.
સંદીપ મહેશ્વરીએ માંગી માફી
સોશિયલ મીડિયામાં ચોતરફ વિરોધ થતા પોતાની પ્રસિદ્ધિ ખરડાઈ હોવાનું માલુમ થતા સંદીપે પોતે કરેલી સંસ્કૃતની મજાક પર આખરે માફી માંગી છે. સંદીપે ટ્વીટર પર એક ટ્વીટ લખીને સાર્વજનિક રીતે માફી માંગી છે. સંદીપે લખ્યું “મારી માફી સ્વીકાર કરો. મેં અજાણતા જ ઘણા સંસ્કૃત રસિકોની લાગણીઓએ ઠેસ પહોચાડી છે. મારો એવો કોઈ ઈરાદો ન હતો. હું દિલગીર છું”