બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

“સંસ્કૃત ભાષા અઘરી છે એ ભ્રમ છે, સંસ્કૃત જનસામાન્યની ભાષા છે”, સંસ્કૃત ભારતી ગુર્જરપ્રાંતનું ઓનલાઈન યુવા સંમેલન યોજાયું

સંસ્કૃત ભારતી અખિલ ભારતીય અને વૈશ્વિક સંગઠન છે જે દેવભાષા સંસ્કૃતના પ્રચાર, પ્રસાર માટે કામ કરે છે. સંસ્કૃત ભારતી ગૌરવપરીક્ષા, પત્રાચાર દ્વારા સંસ્કૃત, સંસ્કૃત સંભાષણ શિબિર અને આવાસીય વર્ગ દ્વારા વિનામૂલ્યે સંસ્કૃત સંભાષણ શીખવાડે છે. વિશ્વના 49 દેશોમાં સંસ્કૃત ભારતીએ સંસ્કૃત સંભાષણ વર્ગો ચલાવ્યા છે અને ભારત સહીત ૨૦ જેટલા દેશોમાં તો નિયમિત કાર્ય ચાલી રહ્યું છે. ૫ જૂન ને રવિવારે સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું ઓનલાઈન યુવા સંમેલન યોજાયું હતું. આ  ઓનલાઈન યુવા સંમેલનમાં સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય સંગઠન મંત્રી દિનેશ કામત અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે મુખ્ય ઉદબોધન કર્યું હતું. 




હું વિજ્ઞાનનો વિદ્યાર્થી, સંસ્કૃત ભારતીથી સંસ્કૃત બોલતા શીખ્યો : દિનેશ કામત


સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય સંગઠન મંત્રી દિનેશ કામતે જણાવ્યું હતું કે સંસ્કૃત વિશ્વની પ્રાચીન અને વૈજ્ઞાનિક ભાષા છે એવું વિશ્વભરના ભાષાવિજ્ઞાની જણાવી રહ્યા છે. સંસ્કૃતના વૈજ્ઞાનિક સ્વરૂપનો લોકોને પરિચય કરાવવો જોઈએ. જે બોલાય છે તે ભાષા. ભાષાશિક્ષણનો વૈજ્ઞાનિક ક્રમ છે, શ્રવણ, ભાષણ, પઠન, અને લેખન. સંસ્કૃત શિક્ષણ અંગે પોતાના અનુભવો જણાવતાં તેમણે કહ્યું હતું કે હું વિજ્ઞાનનો વિદ્યાર્થી રહ્યો છું, ક્યારે પણ સંસ્કૃત શીખ્યો ન હતો પણ સંસ્કૃત ભારતીમાં પ્રવેશ પછી ભાષા શિક્ષણની આ પદ્ધતિથી સંભાષણ દ્વારા સંસ્કૃત શીખ્યો. 


સંસ્કૃત ભાષા અઘરી છે એ ભ્રમ છે, સંસ્કૃત જનસામાન્યની ભાષા છે : દિનેશ કામત

 

સંસ્કૃત ભાષા અધરી છે એ ભ્રમ છે એવું જણાવતા દિનેશ કામતે કહ્યું કે આજે શાળા અને કોલેજોમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ પ્રમાણે વ્યાકરણ અને અનુવાદ દ્વારા સંસ્કૃત શીખવવામાં આવે છે. પરિણામે જનમાનસમાં એવો ભ્રમ ફેલાયો છે કે સંસ્કૃત મૃતભાષા છે, કઠિન છે અને વિશેષ વર્ગની ભાષા છે. આ લોક અપવાદને દૂર કરવો પડશે. જે સંસ્કૃત સંભાષણ દ્વારા જ શક્ય છે. સંસ્કૃત ખરેખર જન સામાન્યની ભાષા હતી અને છે. તેમણે પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે જર્મન દેશની જર્મની ભાષા, ફ્રેન્ચ દેશની ફ્રેન્ચ ભાષા, ઇંગ્લેન્ડની અંગ્રેજી તો ભારતદેશની એક ભાષા કેમ નહીં?




સંસ્કૃતને લોકભોગ્ય બનાવવાની જવાબદારી શિક્ષકો અને અધ્યાપકોની પણ  : કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ


ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સંસ્કૃતને લોકભોગ્ય બનાવવાની જવાબદારી શિક્ષકો અને અધ્યાપકોની પણ છે. અમારી યુનિવર્સિટીના અધ્યાપકો એ વર્ગખંડમાં 15 મિનિટ સુધી સંસ્કૃતમાં ભણાવવાનું નક્કી કર્યું છે. અમારી યુનિવર્સિટી એડેન કોર્સ પણ શરૂ કરવા જઇ રહી છે.  સમાજના પ્રબુદ્ધ લોકોએ પણ સંસ્કૃત શીખવું જોઈએ.


સંસ્કૃતમાં લોકોની રૂચી વધી, ૬૦૦૦ કુટુંબોની વ્યવહાર ભાષા બની સંસ્કૃત, હજારો લોકો સીખી રહ્યા છે સંસ્કૃત


સંસ્કૃત ભાષામાં લોકોની વધી રહેલી રૂચી વિષે જણાવતા દિનેશ કામતે કહ્યું કે લોકો સંસ્કૃત સંસ્કૃત માધ્યમથી શીખવા માગે છે તેનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે આઈ.આઈ.ટી. રુરકીએ ઓનલાઇન સંસ્કૃત સંભાષણ વર્ગનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કર્યો છે જેમાં દેશ-વિદેશના ૧૩૫૦૦ લોકો સંભાષણ દ્વારા સંસ્કૃત શીખી રહ્યા છે.  જે.એન.યુ. દિલ્હી એ સંભાષણ નો ડિપ્લોમા કોર્સ શરૂ કર્યો છે. ત્રણ દિવસમાં જ ૫૩૦૦ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ભારતમાં ૬૦૦૦ કુટુંબોમાં સંસ્કૃત વ્યવહારની ભાષા બની છે.




સંસ્કૃત ભારતીના અધ્યક્ષ કૃષ્ણપ્રસાદ નિરૌલાએ ઓનલાઈન સંસ્કૃત સંમેલનમાં પોતાના સમાપન ભાષણમાં જણાવ્યું હતું કે દેશની પ્રાણશક્તિ યુવાનો છે, અને આત્મશક્તિ સંગઠનમાં રહેલી છે. સંગઠિત યુવાનો જ આ દેશનું ભવિષ્ય નક્કી કરશે. આ સમગ્ર સંમેલનનું સંચાલન નિતેશ ઉપાધ્યાય અને પૂજા ઝાલાએ કર્યું હતું, જ્યારે આભાર દર્શન જાગૃતીબેન બારોટે કર્યું હતું.