ગુગલ પર શુભમન ગીલની વાઈફ સર્ચ કરતા નામ આવ્યું....સચિનની પુત્રી સારાનું
ગૂગલ સર્ચ ભાન ભૂલી ગયું હોય તેમ લાગી રહ્યું છે. તેને સવાલ કંઈક કરો અને તે જવાબ કોઈ બીજો જ આપે છે. IPLમાં કોલકાતા નાઈટરાઈડર્સ અર્થાત KKR માટે રમી રહેલા શુભમન ગિલે ગત મહિને 21 વર્ષ થવા પર સેલિબ્રેટ કર્યું હતું હવે ગૂગલે તેના લગ્ન પણ કરાવી લીધા છે. તે પણ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરની દીકરી સારાથી. ગૂગલની ભૂલનો આ કોઈ પ્રથમ કેસ નથી.
ગત અઠવાડિયે ગૂગલે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની એક્ટ્રેસ અનુષ્કા શર્માને અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાનની પત્ની જણાવી હતી. લોકોએ આ વાતનો ખૂબ મજાક પણ ઉડાવ્યો હતો. શું ખરેખર ગૂગલ સર્ચ પોતાનું ભાન ભૂલ્યું છે? તે શા માટે જવાબ આપવામાં ભૂલો કરી રહ્યું છે? શું ગૂગલ પર સાચા જવાબો માટે ભરોસો ન કરવો જોઈએ? આવો આ સવાલોના જવાબ શોધીએ...
જવાબ આપવામાં ગૂગલ ભૂલો શા માટે કરે છે?
સૌ પ્રથમ એ સમજવું પડશે કે, જવાબો આપવા માટે ગૂગલ પાસે તેની કોઈ સિસ્ટમ નથી. SEO એક્સપર્ટ આલોક રઘુવંશી જણાવે છે કે, ગૂગલ પોતે કોઈ સવાલનો જવાબ આપતું નથી. તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ટૂલ્સનો ઉપયોગ કરે છે. બેસ્ટ જવાબ આપનાર વેબપેજને દર્શાવે છે. જો તમે ગૂગલને જ્ઞાની માનીને કશું પૂછી રહ્યા છો તો તે યોગ્ય નથી. તે તરસ્યાંને કૂવા સુધી લઈ જવાનું કામ જરૂર કરે છે, પરંતુ તેને એ ખબર નથી હોતી કે તે કૂવાનું પાણી પીવાલાયક છે કે કેમ. તેનો નિર્ણય યુઝરે કરવાનો હોય છે.