બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સંવેદનશીલ CM રૂપાણી તમે કેમ ચૂપ છો ? : જનતા મરે તો ભલે મરે.. રાજકારણની દુકાન ચાલવી જોઈએ !

ગુજરાત ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે માથાનો દુખાવો બનતા જાય છે, કોરોના મહામારી વચ્ચે માત્ર મુખ્યમંત્રીના શહેર રાજકોટમાં જ નહીં પરંતુ રાજ્યભરમાં કોરોનાના નિયમની ઐસીતૈસી કરી કાયદો તોડી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના આ બન્ને નેતાઓ કોરોના સંક્રમણને વેગ આપી રહ્યા છે. પહેલા ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સૌરાષ્ટ્રમાં મોટી રેલી કરીને કોરોનાના નિયમોને અવગણતા ભાજપના અનેક નેતા કોરોનાનો શિકાર બન્યા છે. તેમાં બાકી રહ્યું હોય તેમ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ આજે રાજકોટ પહોંચી ગયા. તેઓએ પણ કોરોનાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું. 


 નિર્દોષ જનતાનું જે થવું હોય તે થાય પરંતુ પોતાની રાજકારણની દુકાન ચાલવી જોઈએ તેવી માનસિકતા ધરાવનાર આ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે, પરંતુ રૂપાણી સરકાર માત્ર હાથ ઉપર હાથ રાખીને બેઠી રહી છે, રૂપાણી સરકારે પકડ ગુમાવી હોય તેમ આ બન્ને નેતાઓ સામે એક પણ કેસ કે કાર્યવાહી કરી નથી. તેથી લોકોમાં રૂપાણી સરકારનો વહીવટ દિન-દહાડે ટીકા પાત્ર બનતો જાય છે. 
ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ભાજપના  પાટીલ અને કોંગ્રેસના હાર્દિક પોતાની દબંગાઈ  દેખાડવામાં કોરોના સંક્રમણને વેગ આપી રહ્યા છે, મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવા, માસ્ક ન પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવું, આ તમામ બાબતો સરકારના નિયમોનું ઉલ્લંઘન જ છે, ત્યારે શું આ નિયમ માત્ર જનતા માટે છે ? તે સવાલ છે. નેતાઓ કે મંત્રીઓ આ નિયમથી પર છે ? નિયમ તોડનાર નેતા સામે કોઇ કાર્યવાહી  કેમ નહીં ?  રૂપાણી સરકાર કેમ ચૂપ છે ? બીજી રીતે જોઈએ તો રૂપાણી સરકાર આ નેતાઓ સામે મૌન રહી કોરોના સંક્રમણ ને ફેલાવનારાઓ ને ખુલ્લેઆમ છાવરે છે. 


રૂપાણી સરકાર કોરોના ફેલાતો રોકવામાં નિષ્ફળ જણાય રહી છે. સરકારની મસમોટી જાહેરાતો, જાગૃતિ અભિયાનનો, સલાહ સૂચનો અને કાયદાઓ માત્ર નામના છે. સૌરાષ્ટ્ર પછી હવે ઉત્તર ગુજરાતનો રાજકીય પ્રવાસ શરૂ છે ત્યારે આજ સુધી નિયમો તોડનારા નેતા સામે મુખ્યમંત્રી રૂપાણી એક શબ્દ પણ બોલ્યા નથી.!  તે બતાવે છે કે રૂપાણી સરકાર નેતાઓને છાવરી રહી છે. રાજ્યભરમાં લોકો દ્વારા ટીકા, સોશ્યલ મીડિયામાં  જબરો વિરોધ અને અખબારો તથા ટીવી ચેનલોમાં સરકારના ધજાગરા ઉડી રહ્યા છે છતાં પણ સંવેદનશીલ ગણાતા મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂપ છે.!