શંકરસિંહ વાઘેલાએ NCPમાંથી આપ્યું રાજીનામું, પ્રજા શક્તિ મોરચાના નામે બનાવ્યો નવો પક્ષ...
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસ નેતા એવા શંકરસિંહ વાઘેલાએ એનસીપીમાંથી રાજીનામું આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ NCP ના જનરલ સેક્રેટરીના પદેથી રાજીનામું આપ્યુ હોવાની માહિતી તેમણે ટ્વિટ કરીને આપી છે. શંકરસિંહે પાર્ટીના સક્રિય સભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે. શંકરસિંહ વાઘેલાના રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલની શક્યતાઓ જોવા મળી રહી છે.
પોતાના પત્રમાં તેણે શરદ પવાર પોતે પ્રફુલ પટેલ સાથે ગુજરાત આવીને એનસીપીમાં સામેલ કરવા માટે શરદ પવારનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું હતું કે, તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં એનસીપીના કાર્યકર્તાઓની હાજરી મજબૂત કરી છે. આ ઉપરાંત તેમણે લખ્યું છે કે, પરંતુ મારા અધ્યક્ષતામાં થયેલા બદલાવ અને તાજેતરની રાજનીતિક પ્રગતિના પગલે આખી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ અને તાલુકા-જિલ્લાના નેતાઓમાં નિરાશા ભરાઈ હતી. તેમણે પોતાના પત્રમાં આ જ કારણે પાર્ટી છોડી હોવાનો ઉલ્લેખ કર્યો છે.
મહત્વનું છે કે અગાઉ 4 જૂને શંકરસિંહ વાઘેલાએ NCP ના પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવા મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે હું સત્તા વિહોણી પાર્ટીમાં જોડાયો હતો. જો મારે સત્તા માટે જોડાવું હોત તો કોંગ્રેસમાં જ રહ્યો હોત. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે મને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવાને લઇને અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. આ બાદ જ બાપુ પાર્ટીમાંથી રાજીનામું આપશે તેવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી.