હાથરસ ખાતે SITની ટીમ તપાસ માટે પહોંચી, 'નિર્ભયા'ને ન્યાય અપાવનાર સીમા કુશવાહા લડશે કેસ.
સમગ્ર દેશને હચમચાવી નાખરનારા હાથરસ ગેંગરેપ કાંડની તપાસ માટે યુપી SIT ટીમ હાથરસ પીડિતાના પરિવારને મળવા પહોંચી ગઈ છે. 3 સભ્યોની આ ટીમમાં અનુસૂચિત જાતિના મહિલા અધિકારી પણ સામેલ છે. આ બાજુ માનવાધિકાર આયોગે પણ આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને ડીજીપીને નોટિસ ફટકારી છે. SITએ 7 દિવસની અંદર પોતાનો રિપોર્ટ રજુ કરવાનો રહેશે.
સ્થિતિની ગંભીરતા જોતા યુપી સરકારે તપાસ માટે ગૃહ સચિવની અધ્યક્ષતામાં 3 સભ્યોની વિશેષ તપાસ ટુકડીની રચના કરી હતી. જલદી ન્યાય સુનિશ્ચિત કરવા માટે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. આ મામલા સંલગ્ન એક અરજી પર આજે અલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થઈ શકે છે. એવા અહેવાલ છે કે હાથરસ પીડિતાનો કેસ નિર્ભયાને ઈન્સાફ અપાવનારા વકીલ સીમા કુશવાહા લડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સીમા આજે હાથરસ જઈને પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી શકે છે. દિલ્હીના નિર્ભયાકાંડમાં સીમા કુશવાહાના પ્રયત્નોને કારણે જ દોષિતોને સજા મળી. આથી જો આ કેસ તેઓ હાથમાં લે છે તો હાથરસ પીડિતાને ન્યાય મળવાની આશા વધી જશે.