બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

મારી નજરે મારું વતન સોમનાથ

હું મારી જાતને હંમેશાંથી ભાગ્યશાળી માનું છું કે મારું વતન પ્રભાસ પાટણ – સોમનાથ છે. સોમપુરા બ્રાહ્મણ સમાજમાં જન્મ હોવાના કારણે કૌટુંબિક આંબા અને અમારી કુળ ઉત્પત્તિમાં મને અન્ય કોઈ પણ કુળોત્પત્તિ કરતાં હંમેશાં વિશેષ રસ રહે એ સ્વાભાવિક છે. વિશ્વના ખૂણે-ખૂણેથી લોકો પ્રથમ જ્યોતિર્લિંગ - સોમનાથના દર્શને આવે છે એ સોમનાથ પ્રભાસ પાટણ કે દેવ પાટણમાં જ અમારા કુળ જ નહીં, પણ જ્ઞાતિ ઉત્પત્તિની વાતો – વાયકા વડવાઓના મોઢે મેં સાંભળી છે. પછી એ ગઝની સાથેની લડાઈમાં જીવ દેવાની ગાથા હોય કે પછી સરદાર પટેલે નવા સોમનાથનું બાધકામ કેવી રીતે કરાવ્યું એ વાત હોય.


મુખ્યત્વે સોમનાથ મહાદેવની સેવા - પૂજા અને દેવ પાટણમાં હીરણ (હિરણ્ય), કપિલા અને સરસ્વતી નદીના સંગમ તીર્થના અમે કર્મકાંડી સોમપુરા બ્રાહ્ણણ. નાનપણમાં વેકેશન્સમાં મોસાળ વેરાવળ કે સોમનાથ જવાનું અને પ્રાચી  - શીતળા સુધી જુદી જુદી જગ્યાએ વનભોજન આધુનિક ભાષામાં કહું તો પિકનિક કરવાનો લહાવો મને મળતો જ રહ્યો છે. સોમનાથ હોઈએ ત્યારે પણ ‘આયાં દેહોત્સર્ગ જાતા આવીએ જરા’... ‘તારા કાકા કે મામા તો યાં ગીતા મંદિરે કે ત્રિવેણી ગ્યા છે’ જેવું કાનમાં પડે. આ જગ્યાઓ મારા માટે એકદમ ઓળખીતી, સાવ બાજુની ગલીએ, શેરીએ આંટો મારી આવતા હોઈએ જેવી. પાંડવ ગુફા કે હિંગળા માતા કે કાલી મંદિર કે ગીતા મંદિર કે દોહોત્સર્ગ અમે રમતાં રમતાં પહોંચી જતા. ત્યાં જવાની મજા આવે બસ એથી વિશેષ કોઈ ગતાગમ નહીં. હવે મોટા થયા પછી આ જગ્યાએ જવાનો અહોભાવ બદલાયો છે.


ધીમે ધીમે ઉંમર વધતી ગઈ તેમ તેમ આ જગ્યાનો ઈતિહાસ અને મહત્ત્વ વધુ ને વધુ આકર્ષણ જન્માવે છે કે ભવ્ય વારસાની ભૂમિ એ મારું વતન છે.




સોમનાથ મંદિર અને તેના પરિસરના ઝાકઝમાળ, ભુંગળામાં વાગતા મંત્રોચ્ચાર કે આધુનિકીકરણ - વિકાસને કે દરિયો બાંધીને પાંચ – દસ રૂપિયા ટિકિટથી કૃત્રિમ દરિયા કિનારાની મજાથી પરે આ જ દેવ પાટણના આ પાંચેક કિ.મી.ના વિસ્તારમાં બીજાં પણ ઐતિહાસિક – પૌરાણિક સ્થળ ભવ્ય ભૂતકાળ સાચવીને બેઠાં છે.


આટલું આધુનિકીકરણ શા માટે? એ સવાલ થયા જ કરે છે. દેવ પાટણને મૂળે તો ત્રણ ઐતિહાસિક દરવાજા હતા. આ દરવાજાના સ્તંભો પર સુંદર કોતરણી. મહમદ ગઝનીએ આ દરવાજા તોડી અને પ્રભાસ પાટણ ગામમાં પણ પ્રવેશ કર્યો હતો. એવા પુરાવા મળે છે. આ ત્રણ દરવાજાઓ સિવાય પણ આટઆટલું ભવ્ય બાંધકામ – સિક્યુરિટી અને ભોળાને આટલો ભપકો કેમ એ સમજાતું નથી.


ભોળાને ભપકેદાર બનાવ્યા છે એની આજુબાજુ પણ કેટલીય એવી જગ્યાઓ છે જે ખરેખર રિસ્ટોરેશન માગે છે. આ લખી રહી છું એનો આશય ક્યાંક ને ક્યાંક એવો પણ છે કે આવા ઐતિહાસિક સ્થળમાં શાંતિથી પળ બે પળ પસાર કરવી હોય તો ચોક્કસ જજો.


સોમનાથ જવું એટલે અત્યારે જે ભોળા ભગવાનને સોને અને વિકાસથી મઢી દેવાયા છે એ જ ભગવાનના દર્શન આ નવા સોમનાથની બાજુમાં જ આવેલા જૂના સોમનાથમાં કરવા એ વણલખાયેલું છે અમારા માટે. આ ભોળો ભગવાન ખરેખર તો પહેલાં અહીં બિરાજેલો કહેવાય છે.  


પહેલાં કહ્યું તેમ અમારા માટે રમતાં રમતાં પહોંચવાની જગ્યા પાંડવ ગુફામાં બહુ ઝાઝો ફેરફાર  નથી. બહુ ઝાકઝમાળ નહીં, પણ પુરાતત્ત્વ વિભાગ દ્વારા અહીં રિસ્ટોરેશન તો થવું જોઈએ. આ પૌરાણિક જગ્યાઓ પાંડવ ગુફા, હિંગળાજ માતા મંદિર અને સૂરજ મંદિર એના પરિસર સાવ નજીક નજીક છે. આપણે કહીએ ને એક દિવાલે એવું જ સમજો. આ પરિસરમાં આદિ શંકરાચાર્યએ એક નાનકડી સાંકળી ગુફામાં વર્ષો સુધી ધ્યાન ધર્યાનું પણ કહેવાય છે.


પાંચ પાંડવ ગુફા અને હિંગળાજ માતા ગુફા માટે કહેવાય છે કે પ્રભાસ પાટણ – લાલઘાટી એટલે કે લાલ માટી ધરાવતા કોતરોના સૂરજ મંદિર નજીકના વિસ્તારમાં બનેલું છે. પાંડવ ગુફાનો ઈતિહાસ વર્ણવાય છે કે પાંડવોના વનવાસ દરમિયાન તે અહીં આવ્યા હતા અને આ ગુફામાં રહીને શિવજીને પ્રભાવિત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. પાંડવોએ અહીં શિવજી સાથે હિંગળાજ માતાની ભક્તિ પણ કરી હોવાની વાયકા છે. વર્ષ 1949માં નારાયણદાસ બાપુએ આ ગુફાઓ વિશે વધુ માહિતી આપી અને ગુફા વિકસાવી. થોડા ટેકરીયાળ વિસ્તારમાં આ હિંગળાજ માતાનું જૂનું મંદિર આશરે ૧૫મી સદીમાં બન્યું હોવાનું કહેવાય છે.


ભરઉનાળે પણ આ મંદિરની ગુફામાં સાહજિક શીતળતા કુદરતી રીતે હોય એ નવાઈ છે. સૂરજ મંદિરનો પણ સોમનાથ મંદિર જેટલો જ ભવ્ય વારસો હોવાનું ગણાય છે. ત્રિવેણી મંદિરથી ઉત્તરમાં આવેલા આ મંદિરનું સ્થાપત્ય અદભુત છે.




કામનાથ મહાદેવ મંદિર અને શારદા પીઠ

પાંડવ ગુફાની ગલીને અડાઅડ જ અને ત્રિવેણી સંગમની સામે જ કામનાથ મહાદેવ મંદિર અને શારદાપીઠ છે. રાજા મયૂરધ્વજે આશરે 200 વર્ષ પહેલાં આ મંદિર બંધાવ્યાનું કહેવાય છે. આ મંદિર પરિસરમાં જ દુધિયા તળાવ, ગંગવો કૂવો અને મહાદેવ કુંડ છે. રક્ત પિત્ત, ગળતો કોઢ કે કૃષ્ઠ રોગથી પીડાતો મયૂરધ્વજ રોગનિવારક કૂવામાં કલાકો રહેતો એવી વાયકા છે.


અહીં કામનાથ મંદિર પરિસરમાં મોટાભાગે શિવજીની અને બાકી દેવી-દેવતાઓની નાની નાની ઘણી દેરીઓ છે. આ મંદિર પરિસરમાં નાનકડી અને લાંબી ગુફાઓ પણ છે.


અહીં નજીકમાં જ બલરામજીની ગુફા કે જેને દાઉજીની ગુફા કહેવાય છે એ પણ છે.


બ્રહ્મ કુંડ અને સરસ્વતી દેવી મંદિરઃ

સોમનાથ મંદિરની નજીકમાં અને દેવ પ્રભાસમાં શાંત ગણાતી જગ્યા એટલે બ્રહ્મ કુંડ અને સરસ્વતી દેવી મંદિર દરિયાઈ પત્થરોથી બનેલા આ મંદિરમાં ઠંડક અને શાંતિ વર્તાય.


ત્રિવેણી ઘાટ તરફ જતાં રસ્તાની ડાબી બાજુ અને રુદ્રાલય મહાદેવ કે રુદ્રેશ્વર મંદિર પણ ઈસાની ૧૧મી કે ૧૩મી સદીમાં બંધાયેલું છે.


દૈત્યસુદન કે દૈત્યુસુદન મંદિરઃ

આ મંદિરમાં ઈસાની સાતમી સદીનું ભગવાન વિષ્ણુનું ચિત્ર છે. આ મંદિર સોમનાથ મંદિરની નજીક ચંદ્રપ્રભા સ્વામી જૈન મંદિરને અડીને જ છે.


કાલી મંદિરઃ

ત્રિવેણી ઘાટના પશ્ચિમ છેડે, પરશુરામજી મંદિરની પાછળ, ત્રિવેણી બંધ-પાળા તરફ જતા રસ્તા પરના આ મંદિરની બાંધણી પણ સુંદર છે.


મહાકાળી મંદિરઃ

ઈંદોરનાં મહારાણી અને શિવભક્તા અહલ્યાબાઈ હોલકરે સોમનાથ મંદિરની નજીક જ ઈ.સ. ૧૭૮૩માં આ મંદિર બંધાવ્યું હતું. આ મંદિર પરિસરમાં કાપરડી વિનાયક મંદિર અને હનુમાન મંદિર તથા વલ્લભઘાટ છે.


દેહોત્સર્ગ – ગીતા મંદિરઃ

ભગવાન શ્રી કૃષ્ણને તીર વાગ્યું અને ભાલકા તીર્થથી ચારેક કિ.મી. દૂર સુધી લોહી નીંગળતા પગે તે દેહોત્સર્ગ પહોંચ્યા અને પ્રાણત્યાગ કર્યાની ગાથા છે. દેહોત્સર્ગમાં કૃષ્ણના પગલાં છે. ગીતા મંદિરનું બાંધકામ પણ એટલું સુંદર છે કે તેમાં તમારા અવાજના પડઘા પડે. કૃષ્ણ ભજનો અને સ્ત્રોત્રોનો જ્યારે ઈકો સાઉન્ડ થાય ત્યારે અદભુત વાતાવરણમાં હોવાનો ભાસ થાય. હીરણના કાંઠે આવેલું લક્ષ્મીનારાયણ મંદિર પણ એટલું જ સુંદર છે.




કાશી વિશ્વનાથ મંદિર – આ નાનું પણ પ્રાચીન મંદિર લક્ષ્મી નારાયણ મંદિરની બાજુમાં સ્થિત છે.


શ્રી મહાપ્રભુજી બેઠકજીઃ

આ બેઠક ગીતા મંદિર પાસે જ આવેલી છે. અહીં દેહોત્સર્ગ તીર્થ પર શ્રી વલ્લભાચાર્યએ સાત દિવસ સુધી શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રવચન કર્યું હતું અને આ સ્થાન મહાપ્રભુજીની ૮૪ બેઠકમાંની ૬૫મી બેઠક છે.


ભીમનાથ મહાદેવઃ

ગીતા મંદિરથી નજીક જ આવેલા આ નાના પણ પ્રાચીન મંદિરમાં પણ ભૂતકાળમાં મુસ્લિમ શાસકોએ લૂંટફાટ કરી હતી. આ મંદિરનું સાદું પણ ઐતિહાસિક બાંધકામ છે.


ગૌરીકુંડ કે બાણગંગાઃ

અહીં અમારા કુળદેવી અજાપાલેશ્વરીનું સ્થાનક. મારાં મમ્મી અને પપ્પાના કુળદેવી એક જ અજાપાલેશ્વરી કે અજયાપાલેશ્વરી. એટલે નાતીલા કે કૌટુંબિક પ્રસંગોમાં આ ગૌરીકુંડમાં અમારો મેળાવડો જામે. નાનપણથી. અહીંની ચીકુડીમાંથી ચીકુ ન તોડવાની સૂચના જો ફોલો ન થાય તો વઢથી લઈને વડીલોનો માર પણ પડે. વિશ્વની કોઈ પણ શાંત જગ્યા કરતાં અહીં વધુ શાંતિ અનુભવાય છે એવું મને લાગે છે, પણ જો કોઈ પ્રસંગ ન હોય તો બાકી તો માતાજીના હોમ - હવન વખતે કે કોઈ કૌટુંબિક પ્રસંગે અહીં ધમાચકડી હોય. આ જગ્યાનું મહત્ત્વ પુરાણોમાં પણ અંકિત છે.


સ્કંદ પુરાણના ૬૮માં અધ્યાયમાં પ્રભાસકુંડ – ગૌરીકુંડનો ઉલ્લેખ છે. તેમાં જણાવાયું છે કે ભગવાન શંકરે પાર્વતીજીને એક વખત કહ્યું હતું કે તમે શ્યામવર્ણા (કાલી) છો તો પાર્વતીજીએ અહીં પ્રભાસમાં તપસ્યા કરીને ગૌર થવાનું નક્કી કર્યું. પાર્વતીજીના તપ પછી મહાદેવે તેમને સંબોધન કર્યું ગૌરી. એ પછી પાર્વતીજીએ આ સ્થળને ગૌરીશ્વર નામ સાથે વરદાન આપ્યું કે જે પણ પોતાની ઈચ્છા લઈને આવે તે ઈચ્છા પૂર્ણ થાય. અહીં ગૌરીકુંડ અને વાવ પણ છે. શિવજીની નાની મોટી દેરીઓ છે. એક ગુફામાં ૧૨ શિવલિંગ છે અને ગુફાની ઠંડક તો ઓહો...


બાકી સોમનાથ માટે તો જગજાહેર સત્યો – વાયકાઓ સૌ જાણે જ છે.


શિવજીના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં છે. ભગવાન સોમનાથ સત્‍યુગમાં ભૈરવેશ્વર, ત્રેતાયુગમાં શ્રવણીકેશ્વર અને દ્વાપર યુગમાં શ્રીગલેશ્વર નામે ઓળખાય છે.


-       સુવર્ણ સોમનાથ મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ અને લોક ધર્માંતરણના ઈરાદે અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારોએ સોમનાથ પર હુમલા કર્યાં છે. મંદિર પર જ્યારે હુમલા થયા, મંદિર ખંડિત થયું એ પછી તેને ફરી બાંધવામાં આવ્યું છે.


-       ૨૦૦૦ વર્ષ પહેલાં સોમનાથ મંદિર અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જિર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યાનો ઈતિહાસ છે.


-       ૭૨૫ની સાલમાં સિંધના આરબ શાસક જુનાયદે (જુનૈદે) દરિયાઈ રસ્તે સેના સાથે મંદિર પર હુમલો કર્યો અને મંદિર ધ્વસ્ત કર્યું હતું. એ પછી મંદિર પુનર્નિર્માણ માટે પ્રયત્નો આદરાયા.


-       પ્રતિહાર રાજા નાગ ભટ્ટ – દ્વિતીયએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતિયા પથ્થર)ના ઉપયોગથી મંદિરનું નિર્માણ કરાવ્યું.


-       ૧૦૨૬ની સાલમાં મહંમદ ગઝનવી કે મહંમદ ગઝનીએ મંદિરના કિંમતી ઝવેરાત અને મિલકતની લૂંટ કરી હતી. લૂંટ પછી એ પ્રભાસ ગામમાં પણ ઘૂસ્યો હતો અને કતલેઆમ મચાવી હોવાનું કહેવાય છે. સોમપુરા વિપ્રો અને રાજપૂતોએ ગઝની સામે લડત આપી હતી, પણ ગઝની ઝનૂની હતો. તેણે મંદિર પરિસરમાં અસંખ્ય યાત્રાળુઓનો પણ જીવ લીધો હતો. ગઝની દ્વારા મંદિરને સળગાવી હોવાનું પણ કહેવાય છે.


-       ૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવ ચોથાએ આ મંદિરનું પુનર્નિર્માણ કરાવ્યું.


-       સુલતાન અલાઉદ્દીન અને મોહંમદ બેગડાએ પણ સોમનાથ પર આક્રમણ કર્યું હતું. ગુજરાત પર મરાઠા શાસન આવ્યું તે સમયે શિવભક્તા અહલ્‍યાબાઇ હોલકરે સોમનાથ મંદિરનું નવનિર્માણ કરાવ્યું હતું.


-       ૧૨૯૯ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે ફરી સોમનાથનો વિનાશ થયો.


-       ૧૩૯૪માં મંદિરનો ફરીથી વિનાશ થયો. ૧૭૦૬ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે પણ મંદિર તોડી પાડ્યું હતું.


-       સોમપુરા શિલ્પી કારીગરો દ્વારા બંધાયેલું વર્તમાન સોમનાથ મંદિર ચાલુક્ય શૈલીનું બાંધકામ છે. આ ‘કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર’ જેવા મંદિરનું વિશ્વમાં ક્યાંય છેલ્લા ૮૦૦ વર્ષમાં નિર્માણ થયું નથી.


-       મંદિર પરિસરમાં સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ છે.


-       ભારતના પહેલા નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. વર્તમાન સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યાએ કુલ સાત વખત નિર્માણ થયું છે. આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે સરદાર વલ્લભભાઈ જીવિત નહોતા. ૧૯૫૧માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા વિધિ કરીને મંદિર લોકાર્પિત કર્યું હતું. ૧૯૯૫માં મંદિરનો મોટાપાયે જિર્ણોદ્ધાર થયો હતો.


- શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું અને આ ટ્રસ્ટ દ્વારા મંદિરની અને પ્રભાસ પાટણની આસપાસના કેટલાય ઐતિહાસિક – ધાર્મિક સ્થળની ‘દેખરેખ’ કરાય છે.