સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ વિરોધી ટીમને ધબધબાવી નાખી ટીમ ઇન્ડિયાની સદીની લીડ સાથે મેચ પર મજબૂત પકડ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે રમાઈ રહેલી મહત્વપૂર્ણ ટેસ્ટ મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાની આક્રમક બેટિંગથી મેચનું ચિત્ર બદલી નાખ્યું છે. રવિન્દ્ર જાડેજા ક્રિકેટ જગતમાં તેના વતન સૌરાષ્ટ્રમાં અને ચાહકોમાં 'બાપુ'ના હુલામણા નામથી જાણીતા છે તેમણે વિરોધી ટીમના બોલરો પર આક્રમક પ્રહાર કરીને ટીમ ઇન્ડિયાની લીડને 100 રનને પાર પહોંચાડી દીધી છે. એક સમયે જ્યારે ભારતીય ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહી હતી ત્યારે જાડેજાએ પોતાની ધમાકેદાર બેટિંગથી તેમાં ગતિ આપી હતી.
જાડેજાએ જે બોલરને નિશાન બનાવ્યો તેની એક જ ઓવરમાં બે ગગનચુંબી સિક્સર ફટકારીને સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોને ઝૂમવા માટે મજબૂર કર્યા હતા. તેમની આક્રમકતા જોઈને ડ્રેસિંગ રૂમમાં બેઠેલા ભારતીય ખેલાડીઓએ પણ ઉભા થઈને તાળીઓનો ગડગડાટ કર્યો હતો. તેમની સિક્સરની આ ધબધબાટીએ માત્ર સ્કોરબોર્ડને જ ઝડપ આપી નહોતી પરંતુ વિરોધી ટીમના ખેલાડીઓના મનોબળને પણ તોડી પાડ્યું હતું. જાડેજાની આ ઇનિંગ્સ એ દર્શાવે છે કે તેઓ માત્ર બોલિંગ અને ફિલ્ડિંગમાં જ નહીં પરંતુ બેટિંગમાં પણ ક્રમશઃ વધારે ભરોસાપાત્ર અને મેચ વિનિંગ પ્રદર્શન કરનારા ખેલાડી બન્યા છે.
આ મેચમાં ભારતીય ટીમે વિરોધી ટીમને પ્રથમ ઇનિંગ્સમાં ઓછા સ્કોરે ઓલઆઉટ કર્યા બાદ બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ઓપનર કે એલ રાહુલના લાંબા સમયથી રાહ જોવાતા સદીના પ્રદર્શન બાદ જાડેજાએ આવીને આક્રમક ભૂમિકા ભજવી હતી. જાડેજા અને વિકેટકીપર ધ્રુવ જુરેલની અડધી સદીની ભાગીદારીએ ભારતીય ટીમને મેચમાં સંપૂર્ણપણે મજબૂત પકડ અપાવી દીધી છે. જાડેજાની ઇનિંગ્સના કારણે ભારતીય ટીમની લીડ 100 રનના લક્ષ્યાંકને પાર કરી ગઈ છે જે હવે મેચમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે ત્રીજા દિવસની શરૂઆતમાં આ લીડ ભારતીય ટીમને મેચ પર વધુ મજબૂત પકડ બનાવવા માટે પૂરતી છે. બાપુની આ તોફાની ઇનિંગ્સ બાદ અમદાવાદના દર્શકોમાં ટીમ ઇન્ડિયાની જીતનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો છે.