બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

નાસાના પર્સેવરેન્સ રોવરનું મંગળ પર સફળ ઉતરાણ, મંગળ પરથી પહેલી તસવીર જાહેર.

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના પર્સેવરેન્સ રોવરે ગુરૂવારે રાતે મંગળ ગ્રહ પર સફળ ઉતરાણ કર્યું હતું. નાસાએ ટ્વીટરના માધ્યમથી પર્સેવરેન્સ રોવરે મંગળ ગ્રહની સપાટી પર સફળ ઉતરાણ કર્યું હોવાની માહિતી આપી હતી. રોવરના સફળ લેન્ડિંગના કારણે નાસાના વૈજ્ઞાનિકો અને કર્મચારીઓમાં આનંદની લહેરખી વ્યાપી ગઈ હતી. હકીકતે નાસાનો આ પ્રયત્ન લાલ ગ્રહ પર મનુષ્યને વસાવવાની અભિલાષાને લઈ ખૂબ જ મહત્વનું પગલું છે. 

પર્સેવરેન્સ રોવરે મંગળ પર સફળ લેન્ડિંગ કર્યું ત્યાર બાદ કાર્યકારી સંચાલક સ્ટીવ જફર્જીએ પોતાની ટીમને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ ટીમે કોરોના વાયરસ સહિતની તમામ મુશ્કેલીઓનો સામનો કરીને ખૂબ સારૂં કામ કર્યું હોવાની પ્રશંસા કરી હતી. 

પર્સેવરેન્સ રોવરને 30 જુલાઈ, 2020ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોવર મંગળ ગ્રહની સપાટી પર સૂક્ષ્મજીવી જીવનના સંકેતોની શોધ કરશે અને સાથે જ તૂટેલી પહાડીઓ, ધૂળના નમૂના એકત્રિત કરશે. આ નમૂનાઓને આગામી સમયમાં વધુ એક અભિયાન દ્વારા ધરતી પર લાવવામાં આવશે. જાણવા મળ્યા મુજબ બીજા અભિયાન દ્વારા આ નમૂનાઓને 2031ના વર્ષમાં ધરતી પર લાવવામાં આવશે. પર્સેવરેન્સ રોવર મંગળ ગ્રહ પર ભૂવિજ્ઞાન અને જળવાયુની શોધ કરશે અને તે નાસાનું પાંચમું રોવર છે. 

રોવરની ઝડપ ઘટાડવા પેરાશૂટની મદદ લેવાઈ
નાસાએ 220 કરોડ ડૉલરના ખર્ચે તૈયાર થયેલા કાર જેવા આકારના સ્પેસક્રાફ્ટના લેન્ડિંગનું સજીવ પ્રસારણ કર્યું હતું. 12,000 મીલ પ્રતિ કલાકની ઝડપે સફર કરી રહેલા આ રોવરની ઝડપ ઘટાડવા એક સુપરસોનિક પેરાશૂટનો ઉપયોગ કરાયો હતો. આ ઝડપે માત્ર 15 મિનિટમાં લંડનથી ન્યૂયોર્ક પહોંચી શકાય છે. 

જો નાસાની યોજના પ્રમાણે બધું હેમખેમ પાર પડે તો આ પર્સેવરેન્સ રોવર જેજેરો (Jezero) નામના એક 820 ફૂટ ઉંડા ક્રેટરના તળને અડશે. વૈજ્ઞાનિકોના મતે જેજેરો પહેલા એક સરોવર હતું અને આશરે 350 કરોડ વર્ષ પહેલા તેમાં પાણી હતું.