ભારતમાં સૌથી વધુ કોરોના કોણે ફેલાવ્યો ??? સંશોધનમાં આવ્યું બહાર
દેશમાં સપ્ટેમ્બર મહિનામાં જ કોરોનાના 42 ટકા કેસ નોંધાયા છે. એવામાં ભારતમાં કોરોનાના પ્રસાર માટે સુપરસ્પ્રેડર્સ સૌથી મોટું માધ્યમ હોવાનો અને કોરોનાના પ્રસારમાં બાળકોની ભૂમિકા પણ મહત્વની હોવાનો એક અભ્યાસમાં દાવો કરાયો છે.
સાયન્સ જર્નલમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ પર એક અભ્યાસ પ્રકાશિત થયો છે. આ અભ્યાસ હાથ ધરનારા સંશોધકોમાં આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ સરકારના સંશોધકોનો સમાવેશ થાય છે.
આ અભ્યાસ મુજબ 84,965 કન્ફર્મ કેસોના સંપર્કમાં આવેલા 5,75,071 લોકોમાં બીમારીના સંક્રમણની રીતનું આકલન કરાયું હતું. આ અભ્યાસ કહે છે કે કોરોના વાયરસ સંક્રમિતોનો દસમો ભાગ સુપર સ્પ્રેડર છે. તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં તેમના કારણે જ 60 ટકા કેસ વધ્યા છે.
તેમાં જણાયું છે કે દેશમાં કોરોનાના 70 ટકાથી વધુ દર્દીઓએ તેમના સંપર્કમાં આવનાર વ્યક્તિમાં ચેપ ફેલાવ્યો નથી જ્યારે આઠ ટકા સંક્રમિતો 60 ટકા લોકોમાં ચેપ ફેલાવા માટે જવાબદાર છે. વોશિંગ્ટનના સેન્ટર ફોર ડીસીસ ડાયનામિક્સ, ઈકોનોમિક્સ એન્ડ પોલિસીસના ડિરેક્ટર રમનન લક્ષ્મીનારાયણનના નેતૃત્વમાં આ અભ્યાસ હાથ ધરાયો હતો.
આ અભ્યાસમાં જણાયું છે કે વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં 40થી 69 વર્ષના વયજૂથમાં કોરોના વાઈરસના સંક્રમણના વધુ કેસ સામે આવ્યા છે અને મૃતકોમાં પણ આ વયજૂથના વધુ લોકો સામેલ છે. અભ્યાસમાં જણાયું છે કે મૃતકોમાં 63 ટકા લોકો એવા છે, જે પહેલાથી જ કોઈ ગંભીર બીમારીથી પીડિત હતા અને 36 ટકા લોકોને પહેલાથી બે આૃથવા વધુ બીમારીઓ હતી. મૃતકોમાં 45 ટકા લોકો ડાયાબીટીસથી પીડિત હતા.
કોઈપણ ચેપી રોગને સૌથી વધુ ફેલાવનારા લોકોને સુપર સ્પ્રેડર કહેવાય છે. અનેક લોકોના સંપર્કમાં આવનારા કોરોનાગ્રસ્ત દર્દીઓ અજાણતા જ વાયરસના કેરિયર્સ બની જાય છે. દેશમાં 30મી જાન્યુઆરીએ કોરોના વાઈરસનો સૌપ્રથમ કેસ નોંધાયાના આઠ મહિનામાં સપ્ટેમ્બર મહિનો ભારત માટે સૌથી જોખમી સાબિત થયો છે.
એકલા સપ્ટેમ્બર મહિનામાં જ કોરોનાના 26,21,418 કેસ નોંધાયા છે, જે દેશમાં કોરોનાના કુલ કેસમાંથી 41.53 ટકા જેટલા થાય છે. ગયા મહિને કોરોનાના કારણે કુલ 33,390નાં મોત નીપજ્યાં છે, જે કોરોનાના કુલ 98,678 મોતના 33.84 ટકા જેટલા છે. સપ્ટેમ્બર મહિનામાં કોરોનાના 24,33,319 દર્દીઓ સાજા થયા છે, જે કુલ 52,73,201 રિકવર કેસના 46.15 ટકા જેટલા છે.