બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સુરતમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા રાજ્ય સરકારનું સમગ્ર ફોકસ સુરત પર, સુરતને આપવામાં આવશે 100 કરોડની સહાય...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે હવે અમદાવાદના બદલે સુરત રાજ્યનું નવું હોટસ્પોટ બનતું જઈ રહ્યું છે જેથી રાજ્ય સરકારની સમગ્ર ટીમ સુરતમાં કોરોના વાયરસને નિયત્રણમાં રાખવા માટે કામે લાગી ગઈ છે. આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સુરતની મુલાકાતે ગયા હતા, જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે સુરતમાં વધતા જતા કોરોના કોવિડ ૧૯ના સંક્રમણને નિયંત્રણમાં રાખવા રાજ્ય સરકારે સુરત શહેર પર સમગ્ર ફોકસ કર્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી કહ્યું કે છેલ્લાં થોડા દિવસથી સુરત શહેરમાં કોરોના સંક્રમણ વધતાં સરકારે વધુ સઘન વ્યવસ્થાઓ ગોઠવીને આરોગ્ય અગ્રસચિવ સહિતના ચાર જેટલા વરિષ્ઠ સચિવોને સુરત કેમ્પ કરી સ્થિતિ નિયંત્રણના પ્રયાસો કર્યાં છે.વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર રોજે રોજ સાંજે વિડીયો કોન્ફરન્સ યોજીને સુરતની કોરોના સંક્રમણ સ્થિતિની માહિતી મેળવે છે અને વિશ્લેષણ કરી યોગ્ય દિશા નિર્દેશો પણ આપે છે.




મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સાથે સુરત પહોંચીને સુરતમાં જિલ્લા અને શહેર વહિવટીતંત્રના અધિકારીઓ, આરોગ્ય સેવાના તબીબો, IMA પ્રતિનિધિ તબીબો અને જિલ્લાના સાંસદ-ધારાસભ્યો સાથે અલગ અલગ વિસ્તૃત બેઠક યોજી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તેમણે સુરત શહેરમાં કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર ઉપચાર માટે જે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યાં છે તેની વિગતો પણ નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આપી હતી.




મુખ્યમંત્રીએ કહ્યું કે સુરત શહેરમાં નિર્માણાધિન ૮૦૦ બેડની કિડની હોસ્પિટલ અને ૬૦૦ બેડની સ્ટેમસેલ હોસ્પિટલને ઝડપથી કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવા રૂ. ૧૦૦ કરોડ રાજ્ય સરકાર આપશે. સ્ટેમસેલ હોસ્પિટલ આગામી ૮ થી ૧૦ દિવસમાં અને કિડની હોસ્પિટલ ૧ મહિનામાં ઝડપથી કાર્યરત થઈ જાય તે માટેની આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવા તંત્રવાહકોને સૂચનાઓ આપી છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.




આ ઉપરાંત વિજય રૂપાણીએ સુરત માટે વધારાના ૨૦૦ વેન્ટિલેટર ફાળવવાની જાહેરાત કરતાં કહ્યું કે આ વેન્ટિલેટર રવિવાર સુધીમાં સુરત પહોંચી જશે. તેમજ સ્પષ્ટપણે કહ્યું કે સુરતમાં ખાસ કરીને ડાયમંડ અને ટેક્સ્ટાઇલ ઉદ્યોગોને કારણે કેસોની સંખ્યા વધી છે ત્યારે તેને અટકાવવાના ઉપાયો રૂપે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરતા હોય તેવા ઉદ્યોગોને જ સરકાર ચાલુ રાખવા દેશે.