હવે ભારતે બનાવેલ સલમા ડેમ પર તાલિબાને કર્યો કબજો, 2016 માં ભારતે સોંપ્યો હતો અફઘાન સરકારને
ભારતે બાંધેલા સલમા ડેમને તાલિબાનોએ કબજે કરી લીધો છે. તાલિબાનના પ્રવક્તા યુસુફ અહમદીએ આ માહિતી આપી છે. આ સાથે કાબુલ નદી પર શાહતૂત ડેમ બનાવવાની ભારતની યોજનાને મોટો આંચકો લાગ્યો છે.
તાજેતરના દિવસોમાં સલમા ડેમને અનેક વખત નિશાન બનાવવામાં આવ્યો
4 ઓગસ્ટના રોજ તાલિબાન આતંકવાદીઓએ સલમા ડેમ પર હુમલો કર્યો હતો, જેને અફઘાન સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો હતો. અફઘાન સંરક્ષણ મંત્રાલયે આ હુમલા વિશે જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે અને તાલિબાનને ઘણું નુકસાન થયું છે. જુલાઈમાં પણ તાલિબાનોએ સલમા ડેમને ઉડાડવાનો પ્રયાસ કર્યો હતો. તાલિબાનોએ રોકેટથી ડેમને નિશાન બનાવ્યો હતો પરંતુ રોકેટ ડેમ નજીક પડ્યા હતા અને ડેમને નુકસાન થયું ન હતું.
સલમા ડેમ વિશે જાણો
સલમા ડેમ એટલે કે અફઘાનિસ્તાન-ઈન્ડિયા ફ્રેન્ડશીપ ડેમ. હેરાતના ચેશ્તે શરીફ જિલ્લામાં આવેલ સલમા ડેમ અફઘાનિસ્તાનના સૌથી મોટા ડેમોમાંનો એક છે. આ ડેમમાંથી વિસ્તારના હજારો પરિવારોને સિંચાઈનું પાણી અને વીજળી મળે છે. સલમા ડેમની જળ સંગ્રહ ક્ષમતા 640 મિલિયન ક્યુબિક મીટર છે. સલમા ડેમ તાજેતરના વર્ષોમાં અફઘાનિસ્તાનમાં ભારતનો સૌથી મોંઘો પ્રોજેક્ટ છે. 4 જૂન 2016 ના રોજ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે પીએમ નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. સલમા બંધને અફઘાનિસ્તાન-ભારત મિત્રતા બંધ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પ્રોજેક્ટ 1700 કરોડ રૂપિયામાં બન્યો છે. જે હેરાત વિસ્તારમાં રણનૈતિક રીતે ખુબ જ મહત્વપુર્ણ જગ્યા છે. આ ડેમને ચિસ્તી શરીફ નદી પર બનાવવામાં આવ્યો છે. જેનાથી 42 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે, સાથે જ 75 હજાર હેક્ટર ખેતીની જમીન પર સિંચાઈ પણ થાય છે.