બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

અમરેલીના આંબરડી સફારી પાર્કને એશિયાટિક લાયનના દર્શનીય સ્થળ તરીકે વિકસાવાશે

અમરેલીના આંબરડી સફારી પાર્કને વર્લ્ડ ક્લાસ પ્રવાસન સુવિધાઓ સાથે વિશ્વ પ્રવાસન નકશે એશિયાટિક લાયનના દર્શનીય સ્થળ તરીકે  ચમકાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આંબરડી સફારી પાર્કમાં ૨૫.૬૭ કરોડના વિવિધ યાત્રી વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત વીડિયો કોન્ફરન્સથી સંપન્ન કરતાં મુખ્યમંત્રી...

ગાંધી ટુરિસ્ટ સર્કિટ-બૌદ્ધ ટુરિઝમ સર્કિટ-કચ્છ ઈન્ટરનલ ટુરિઝમ સર્કિટ-યાત્રાધામ પ્રવાસન સર્કિટ અને બોર્ડર ટુરિઝમના પ્રવાસન નજરાણાથી ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખા પ્રસ્થાપિત કરવું છે 
જેના ભૂમિ પૂજન અમે કરીએ તેના લોકાર્પણ અમે જ કરીએ તેવું સમયબદ્ધ કાર્ય આયોજન વિકસાવ્યું છે
આંબરડી સફારી પાર્કથી ધારી પ્રવાસન પ્રવૃત્તિથી ધમધમતુ થશે-ટ્રાવેલ, ટેક્સી, હોટલ-ખાનપાન વ્યવસાયને બળ મળતા સ્થાનિક રોજગારીની વ્યાપક તકો ખુલશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આંબરડી સફારી પાર્કમાં વર્લ્ડ ક્લાસ વ્યવસ્થાઓ ઊભી કરી વિશ્વના પ્રવાસન નકશા પર એશિયાટિક લાયનના દર્શનીય સ્થાન તરીકે ચમકાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગીરના સાવજ માટે કુદરતી વાતાવરણમાં વિહાર કરવાની જે સુવિધા છે તેવી સુવિધા સાથે અમરેલીના ધારી નજીકના આંબરડી સફારી પાર્કને પ્રવાસનધામ તરીકે વિકસાવવું છે.

મુખ્યમંત્રીશ્રીએ આંબરડી સફારી પાર્કમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂ. ૨૫.૬૭ કરોડના ખર્ચે હાથ ધરાનારા યાત્રી વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા. પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા તેમજ અમરેલી જિલ્લાના પદાધિકારીઓ આંબરડી ખાતેથી તેમજ પ્રવાસન રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહીર ગાંધીનગરથી આ ઈ-ખાતમૂર્હત અવસરના સાક્ષી બન્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ વન્ય પ્રાણીસૃષ્ટિના સંવર્ધનની રાજ્ય સરકારની કામગીરીના પરિણામે રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં ૨૯ ટકાનો વધારો થયો છે અને ગીર વિસ્તાર બહાર હવે આંબરડીમાં પણ સિંહ દર્શનનો લાભ પ્રવાસીઓને મળશે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.

શ્રી વિજયભાઈ રૂપાણી ઉમેર્યું કે ગુજરાતમાં ગાંધી ટુરિસ્ટ સર્કિટ અન્વયે મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદરથી શરૂ કરીને તેમના અભ્યાસ સ્થળ રાજકોટ, સાબરમતી આશ્રમ અને દાંડી સોલ્ટ મ્યુઝિયમની પ્રવાસન સુવિધા વિકસાવી છે. એટલું જ નહીં બૌદ્ધ ટુરીઝમ સર્કિટ અને કચ્છની ઇન્ટરનલ ટુરિઝમ સર્કિટમાં ભૂકંપના મૃતાત્માઓની સ્મૃતિમાં તૈયાર થયેલું સ્મૃતિ વન, અંજારમાં વીર બાળ ભૂમિ, માતાના મઢ, નારાયણ સરોવર અને ધોળાવીરાની ટુરિઝમ સર્કિટ પણ વિકસાવવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતમાં અપાર પ્રવાસન વૈવિધ્ય છે. સોમનાથ, દ્વારકા, પાવાગઢ, અંબાજી, પાલીતાણા જેવા યાત્રા તીર્થધામો સાથોસાથ શિવરાજપુર બીચ સહિત સમુદ્ર કાંઠે પ્રવાસન પ્રવૃતિ અને પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા નડાબેટમાં સીમા દર્શન થી બોર્ડર ટુરીઝમ પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
તેમણે કહ્યું કે આ બધા જ પ્રવાસનધામોને સુવિધા સભર બનાવવા સાથે ગિરનાર રોપ-વે, ઉપરકોટ કિલ્લો, જુનાગઢ, સાસણ, સોમનાથ અને હવે આંબરડી પણ ભવ્ય વિરાસત બને તેવી આપણી નેમ છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ જણાવ્યું કે આવા સર્વગ્રાહી પ્રવાસન ટુરીઝમ વ્યવસ્થાપનથી આપણે 'ગુજરાત નહી દેખા તો કુછ નહી દેખા' પ્રસ્થાપિત કરવા માગીએ છીએ. તેમણે આંબરડીમાં ખાતમુહૂર્ત થયેલા યાત્રિક સુવિધા કામો બે વર્ષમાં પૂર્ણ કરવાની તાકીદ કરતાં કહ્યું કે, જેના ભૂમિપૂજન અમે કરીએ છીએ તેના લોકાર્પણ અમે જ કરીએ તેવું સમયબદ્ધ કાર્ય આયોજન  સરકારે વિકસાવ્યું છે.

તેમણે એવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી કે આ આંબરડી સફારી પાર્ક કાર્યરત થતાં ધારી પ્રવાસન પ્રવૃત્તિથી ધમધમતુ થશે એટલું જ નહીં ટ્રાવેલ, ટેક્સી, હોટલ અને ખાનપાન વ્યવસાયને પણ નવું બળ મળતા સ્થાનિક રોજગારીની વ્યાપક તકો ખુલશે. તેમણે  આંબરડી આસપાસ માં દીપડાની મોટી સંખ્યા છે તે સંદર્ભમાં ભવિષ્યમાં આ વિસ્તારમાં દીપડા સંરક્ષણ  સંવર્ધન નું નવું નજરાણું વિકસાવવા ની નેમ પણ દર્શાવી હતી.

પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડાએ આંબરડી સફારી પાર્ક લોક લાગણી અને માંગણી મુજબ અદ્યતન  ઢબે વિકસાવવાની નેમ દર્શાવતા કહ્યું કે આ આખોય પાર્ક મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને વિઝનમાં વિકસાવવામાં આવી રહ્યો છે. તેમણે ગીરના સિંહ દર્શનની સાથે હવે પ્રવાસીઓને આંબરડી પણ સિંહ દર્શનનો નજારો પૂરો પાડશે તેમ ઉમેર્યું હતું.

પ્રવાસન રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહિરે રાજ્યમાં સર્વગ્રાહી પ્રવાસન વિકાસથી ગુજરાત દેશ-વિદેશના ટૂરિસ્ટ માટે બેસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે તેમ જણાવ્યું હતું. પ્રવાસન નિગમના એમ.ડી શ્રી જેનું દેવને સૌનું સ્વાગત કરતા આ સફારી પાર્કની સુવિધાઓની માહિતી આપી હતી.