બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ધ કૉલ ઑફ ધ વાઈલ્ડ: કૂતરાંની વફાદારી.

 આ ફિલ્મમાં બીજું આકર્ષણ ઈન્ડિયાના જોન્સ ફેઈમ હેરિસન ફોર્ડ છે, જેમણે જોનનો રોલ કર્યો છે. તો ફિલ્મમાં દેખાતો કૂતરો એ કમ્પ્યુટરની કમાલ છે.  ૧૯ મી સદી પૂરી થવામાં હતી એ વખતે કેનેડાનો યુકાન પ્રાંત અચાનક ચર્ચાસ્પદ બન્યો. કારણ કે ત્યાં સોનુ મળી આવ્યું. સોનામાં તો કોને રસ ન પડે? એટલે જે હાથ લાગ્યું એ સાધન-સામગ્રી-હથિયાર લઈને લોકો નીકળી પડયા યુકાન જવા. વર્ષનો ઘણોખરો સમય બરફથી છવાયેલો રહેતો એ પ્રાંત અચાનક લોકોના પદરવથી ધમધમી ઉઠયો. જ્યાં કોઈ જતું ન હતું એવા પ્રાંતમાં જન-સમુદાય ઉમટી પડયો એટલે વચ્ચે વચ્ચે નાના-નાના ગામ-વિરામ ઉભા થવા લાગ્યા. સૌથી મોટી ડિમાન્ડ મજબૂત કૂતરાંઓની ઊભી થઈ હતી કેમ કે બર્ફીલા પ્રાંતમાં ચાલીને જવાનું શક્ય ન હતું. કૂતરાં-ગાડી દ્વારા જવાનો જ વિકલ્પ ઉપલબ્ધ હતો. 

તો એ સમયની આ કથા છે. 

બક નામનો સેન્ટ બર્નાર્ડ પ્રજાતિનો કૂતરો અમેરિકાના કેલિફોર્નિયામાં જજ મિલર સાથે રહેતો હતો. જજને ત્યાં રહેતો હતો એટલે ઊછેરમાં કોઈ કમી ન હતી. ઊછેરમાં કોઈ કમી ન હતી એટલે એ આછકલો થઈ ગયો હતો. એક દિવસ રાતે બકની ચોરી થઈ ગઈ. ચોરે તેને વેચી નાખ્યો અને પહોંચાડી દીધો યુકાન. અત્યાર સુધી પાલતુ રહેલો બક હવે વેચાઈ ગયો હતો એટલે એની સાથે વ્યવહાર પણ અન્ય કૂતરાની જેમ સોટી વાગે ચમ ચમ.. પ્રકારનો થવા લાગ્યો. 

અહીં કૂતરો પેરોલ્ટના હાથમાં આવ્યો, જેનું કામ એ વિસ્તારની ટપાલોની ડિલિવરી કરવાનું હતું. પેરોલ્ટ અને તેની સાથી કર્મચારી ફ્રાન્સવા એ કામ કરતાં હતા. તેમની પાસે ઘણા કૂતરાં હતાં પરંતુ એમાં ઘટ પડી એટલે બકનો ઉમેરો થયો. કૂતરાં-ગાડી ખેંચવા માટે ખાસ આવડત જોઈએ. બક માટે આ દુનિયા જ સદંતર નવી હતી. વળી બક તો ઘરેલું કૂતરો હતો, અહીં તો જંગલમાં ઉછરેલા બરફનો અનુભવ ધરાવતા કૂતરાં જ ચાલી શકે. પરંતુ વેેચાઈ ગયા પછી શું? સદ્ભાગ્યે પેરોલ્ટ સારો માણસ હતો.

એક દિવસ કાફલો રવાના થયો. સ્પિત્ઝ નામનો કૂતરો એ બધાનો આગેવાન હતો. શરૂઆતમાં થોડી મુશ્કેલી પછી બક પણ બરફમાં દોડતો થયો, જે બરફ પર તેણે અગાઉ જિંદગીમાં ક્યારેય પગ મુક્યો ન હતો. સફર ૮૦૦ કિલોમીટર જેટલી લાંબી હતી, રસ્તામાં અનેક રોકાણ આવતા હતા. આવા વિરામ દરમિયાન બક સાથી કૂતરાં અને તેના બન્ને માલિકોમાં લોકપ્રિયતા મેળવતો ગયો. એક દિવસ તો ફ્રાન્સવા બરફમાં ફસાઈ ગઈ તો જીવના જોખમે બકે તેને ઉગારી. એ પછી કૂતરાં ટીમના નેતૃત્વનો પ્રશ્ન ઉભો થયો. એક ટીમના બે નેતા કેવી રીતે હોઈ શકે? સ્પિત્ઝ નામના કૂતરાંને એ મુદ્દે બક સાથે વાંધો પડયો, બન્ને વચ્ચે જંગ થયો અને છેવટે સ્પિત્ઝ ટીમ છોડીને જતો રહ્યો.

બક માટે આ ભૂમિ તો અજાણી હતી, પરંતુ તેના હજારો-લાખો વર્ષ પૂર્વેના પૂર્વજો જાણે તેનું માર્ગદર્શન કરતાં હતા. કેમ કે ક્યારેક ક્યારેક રાત્રીના અંધકારમાં બકને કદાવર વરૂ દેખાતું હતું. એમાંથી જ બકને પ્રેરણા મળતી રહેતી હતી. બકની લિડરશીપનો ફાયદો એ થયો કે એ ઝડપી હતો, બીજા કૂતરાંને પણ તેણે ઝડપથી દોડાવ્યા. એટલે ઘણા વર્ષો પછી ટપાલો સમયસર મળતી થઈ. એક ટપાલ જોન થોર્ટોન નામના દાદાની હતી. વધેલી દાઢી, લઘર-વઘર દેખાવ ધરાવતા જોન સાથે બકની અગાઉ અલપ-ઝલપ મુલાકાત થઈ હતી. સવારે ટપાલ-ગાડી રવાના થવાના ટાઈમે જોન જરા મોડા પડયા, પરંતુ બકે તેમના આગમન સુધી ગાડી રોકી અને તેમની ટપાલ લીધી. બક કૂતરો હોવા છતાં મનુષ્યની લાગણી સમજતો થયો હતો.

થોડા સમય પછી સરકારે સૂચના આપી કે હવે કૂતરાં-ગાડીની જરૂર નથી, બધા કૂતરાં વેચી નાખો. એ વિસ્તારમાં ટેલિગ્રાફ સિસ્ટમ નંખાઈ રહી હતી. ટપાલ સિસ્ટમ બંધ થતી હતી. રોલ્ટે ભારે હૈયે બકને વેચ્યો. બકનો નવો માલિક હલ હતો, જે પૈસાદાર હતો, પણ અક્કલ ઓછી હતી. તેને એવું લાગતું હતું કે માત્ર ચાબૂક મારવાથી કૂતરાં ચાલવા માંડે. હલ અને તેના બે સાથીદાર સોનુ શોધવા જતા હતા. ગાડી પર તેમણે અઢળક સામાન ગોઠવ્યો હતો. એ સામાન સાથે કૂતરાં દોડવા માંડે એવી હલની ઈચ્છા હતી. પરંતુ કૂતરાં આગળ વધતા ન હતા. એ વખતે બરાબર જોન ત્યાંથી પસાર થયા અને સમજાવ્યું કે આ વજન વધારે પડતો છે. વળી ગાડીમાં કંઈક ભરાયેલું હતું, જે દૂર કરતાં પણ હલને આવડતું ન હતું. જોને એ સરખુ કરી દીધું એટલે ગાડી રવાના થઈ.

સોનુ શોધવા જનારા સૌ કોઈના રસ્તામાં બરફની એવી ભૂમિ આવતી હતી જ્યાં નદીઓ જામી જતી હતી. એવા બરફ પરથી પસાર થવું જોખમી હતું. બકે ગાડી ત્યાં અટકાવી દીધી, પણ અક્કલવગરના હલને સમજ ન પડી. તેણે ધરાર ગાડી બરફમાં ઉતારી.. બક તો બેહોશ થઈ ગયો અને એ વખતે ત્યાંથી પસાર થઈ રહેલા જોને તેને બચાવી લીધો. હવે બક જોન પાસે હતો. હલની ટીમ એ સિવાયના કૂતરા સાથે બરફમાં ઉતરી અને હલ સિવાયના બે સાથીદાર, બધો સામાન પાણીમાં તણાઈ ગયો. હલ એટલું સમજ્યો કે આ બધા પાછળ બક અને જોન જવાબદાર છે. માટે તેને ઠાર કરવા રહ્યાં.

આ તરફ બકને લઈને જોન પોતાના ગામથી ખાસ્સા દૂર ટેકરી પર આવેલા એક ઓરડાના મકાનમાં આવી ગયા. જોન એકલા રહેતા હતા, પત્ની દૂર હતી અને દીકરો મૃત્યુ પામ્યો હતો. મોટે ભાગે આમ-તેમ ભટકવું અને દારૂ પીધા કરવા સિવાય તેને કોઈ કામ ન હતું. એમાં બક આવ્યો એટલે બન્નેની મૈત્રી વધી. એક દિવસ જોને બકને કહ્યું કે મારા દીકરાની ઈચ્છા જંગલમાં આડા-અવળા ફરતાં રહેવાની હતી. ચાલો આપણે પણ નકશામાં ન દોરેલા હોય એવા સ્થળે ઉપડીએ. આમ પણ બન્ને પાસે કામ ન હતું. રવાના થયા.

નદી કાંઠે એક ખાલી પડેલું મકાન હતું, ત્યાં રોકાયા. એ નદીમાં વળી સોનાના થોડાક કણો હતો. એ એકઠા કર્યા. જોને જોયું કે પોતાની જરૂરિયાત કરતાં તો વધારે સોનુ છે, માટે બાકીનું નદીમાં પાછું ફેંકી દીધું. અહીં જંગલમાં બકની મુલાકાત વરૂ ટોળી સાથે થઈ. શરૂઆતમાં ઘૂરકિયા કર્યાં પછી વરૂ અને બકની દોસ્તી જામી. એટલું જ નહીં વરૂની ટોળીમાં માદા હતી, જેની સાથે બકની નિકટતા વધી. જોને પણ બકને કહ્યું કે તું એની સાથે ગમે ત્યાં ફર, રાતે પરત આવતો રહેજે.

હલ પગેરું દાબતો દાબતો આ બન્ને સુધી પહોંચી ગયો હતો. એક રાતે બક હતો નહીં ત્યારે જ હલે જોન પર હુમલો કર્યો. દૂર રહેલા બકને ગોળીબારનો અવાજ સંભળાયો અને એ આવી પહોંચ્યો. તેણે વફાદારી દેખાડી અને હલને ત્યાં જ ખતમ કરી દીધો. ગોળી વાગવાથી જોનનું પણ મોત થયું. એ પછી બક ફરીથી વરૂ ટોળી સાથે પોતાના અસલ વન-વતનમાં જતો રહ્યો...

જેક લંડને લખેલી આવી જ એક કથા 'વ્હાઈટ ફેંગ' પણ વરૂ અને કૂતરાંના બાળકની કથા છે. એ કથા આ વાર્તાનો બીજો ભાગ છે, જે ૧૯૦૬માં લખાઈ હતી. 'ધ કૉલ ઑફ ધ વાઈલ્ડ' પણ બેસ્ટ સેલર રહી છે અને ગુજરાતી સહિત જગતની અનેક ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. અગાઉ પણ વાર્તા પરથી ફિલ્મો-સિરિયલો બની છે. આ ફિલ્મ એ ૧૯૩૫માં આવેલી અને ક્લાર્ક ગેબલ જેવા હોલિવૂડના શરૂઆતી સુપર સ્ટારને ચમકાવતી ફિલ્મની રી-મેક છે. 

આ ફિલ્મમાં બીજું આકર્ષણ ઈન્ડિયાના જોન્સ ફેઈમ હેરિસન ફોર્ડ છે, જેમણે જોનનો રોલ કર્યો છે. તો ફિલ્મમાં દેખાતો કૂતરો એ કમ્પ્યુટરની કમાલ છે. જેક લંડન પર્યાવરણ અને કુદરતના પ્રેમી હતા માટે જ આવી કથા લખી. પરંતુ તેમના પર્યાવરણ પ્રેમના આદર આપવા સમગ્ર શૂટિંગ દરમિયાન પ્લાસ્ટીકની બોટલ કે અન્ય બીનજરૂરી પ્લાસ્ટીકનો ઉપયોગ કરાયો ન હતો.