ગુજરાતી સાહિત્યકાર જયંત પાઠકની જન્મ શતાબ્દીની ગોઠ ગામે ઉજવણી કરવામા આવી
ગોધરા: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગોઠ ગામમાં કવિ જયંત પાઠકનો જન્મ થયો હતો.તેમણે પચાસથી વધુ પુસ્તકની રચના કરી છે.તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયા છે.તેમનું વતન ઘોઘંબા તાલુકાનું ગોઠ ગામ છે.તેમની જન્મ શતાબ્દી પુરા ગુજરાતમાં માનભેર ઉજવાઈ રહી છે.ત્યારે પંચમહાલ જિલ્લાના સર્જકો દ્વારા તેમના વતન ગોઠ ગામે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી.આ સર્જકની કૃતિઓ પાઠ્યપુસ્તકો તેમજ યુનિવર્સિટી કક્ષાના અભ્યાસક્રમમાં છે. તેમના ઉપર એમ.ફિલ અને પીએચ.ડી કરનારા અનેક વિધાર્થીઓ છે.
કવિ જયન્ત પાઠક ૧૯૪૭થી ‘જન્મભૂમિ’ અને ‘હિન્દુસ્તાન’ દૈનિકમાં પત્રકાર. ૧૯૫૩થી નિવૃત્તિપર્યંત એમ.ટી.બી. આર્ટસ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. ૧૯૫૭નો કુમારચંદ્રક. ૧૯૭૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૨-૧૯૮૩નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. ૧૯૭૪માં સોવિયેટ દેશ નહેરુ એવોર્ડ. ૧૯૭૯માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવોર્ડથી સન્માનિત કરાયા હતા તથા ૧૯૯૦-’૯૧ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહી ચૂક્યા હતા.
સર્જક જયંત પાઠકના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ઉજવણી થઈ રહી છે.ત્યારે પંચમહાલ જિલ્લાના સર્જકો દ્વારા તેમના વતન ગોઠ ગામે જિલ્લાના સર્જકો દ્વારા તેમના જન્મ દિવસે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રાષ્ટ્રીય યુવા પુરસ્કાર વિજેતા ડૉ રાજેશ વણકરે તેમના જીવન અને સર્જનનો પરિચય આપ્યો હતો.પરિવેશના સંપાદક વિનુ બામણીયાએ તેમનું સ્મૃતિ મંદિર ગામમાં બને એ માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો જે ગામના પ્રતિનિધિઓએ વધાવી લીધો હતો.અને તે માટે રજુઆતો કરીને આ સંકલ્પ સાકાર થાય તે માટે જાગૃત નાગરિક તરીકે મહેન્દ્ર પટેલ તથા રાજુ ભાઈ પટેલે અને લક્ષ્મણ ભાઈએ સંકલ્પ કર્યો હતો.
આ કાર્યક્રમનું સમગ્ર આયોજન,સંકલન અને સંચાલન માટીની મહેકના સંયોજક કવિ પ્રવીણ ખાંટ અને કવિ શૈલેષ ચૌહાણ'' વિસ્મય''દ્વારા કરવામાં આવ્યું હતું.અહીં કવિ શ્રી જયંત પાઠકના કાવ્યોનું પઠન કરવામાં આવ્યું હતું.''થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં''કવિતાનો સમૂહપાઠ કરવામાં આવ્યો હતો.તમામ સર્જકોએ કવિ જયંત પાઠકને પ્રિય એવા વનવગડાની,પ્રકૃતિ પ્રેમની,અને તળપદની કવિતાઓનો પાઠ કરીને વાતાવરણમાં જયંત પાઠકની સ્મૃતિને જીવંત કરી હતી.સર્જકોએ જયંત પાઠકની જન્મ ભૂમિની મુલાકાત લીધી હતી.
તેમના ''વનાંચલ'' સ્મૃતિકથામાં આવતી કરાડ નદી, મોરડીયો ડુંગર,વૃક્ષો, ખેતરો,વગડો,ધરો,ડેમ વગેરેની મુલાકાત લઈ જયંત પાઠકના જીવન અને સર્જનને માણ્યું હતું. સર્જક જયંત પાઠકની જન્મ શતાબ્દી નિમિત્તે તેમના નામ પર માર્ગનું નામ અપાય,તેમના નામે પુસ્તકાલય બને,તેમનું સ્ટેચ્યુ ગામમાં મુકાય તેવી પ્રતિબદ્ધતા સૌએ વ્યક્ત કરી હતી.કાર્યક્રમના અંતે તમામ બૃહદ પંચમહાલના કવિઓ ડૉ રાજેશ વણકર,વિનુ બામણીયા, પ્રવીણ ખાંટ, નરેન્દ્ર જોશી,બાબુ સંગાડા, શૈલેષ ચૌહાણ,વિજય વણકર દિલીપસિંહ પુવાર વગેરેએ પોતાની પ્રકૃતિ વિશેની રચનાઓનો પાઠ કરી વાતાવરણ મંત્રમુગ્ધ કરી દીધું હતું.