બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશને પાકિસ્તાનના હટવાની પુષ્ટિ કરી હવે નવી ટીમને આમંત્રણ અપાશે

પાકિસ્તાનની જુનિયર હોકી ટીમે ભારતમાં યોજાનારા મેન્સ એફઆઈએચ હોકી જુનિયર વર્લ્ડ કપ ૨૦૨૫ માંથી સત્તાવાર રીતે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન FIH દ્વારા આ અંગેની પુષ્ટિ કરવામાં આવી છે અને તેઓ ટૂંક સમયમાં પાકિસ્તાનનું સ્થાન લેનારી નવી ટીમની જાહેરાત કરશે આ ટુર્નામેન્ટ નવેમ્બર ૨૮ થી ડિસેમ્બર ૨૮ દરમિયાન ભારતના ચેન્નઈ અને મદુરાઈ માં યોજાવાની છે. પાકિસ્તાન હોકી ફેડરેશન PHF ના આ નિર્ણય પાછળ ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય અને સુરક્ષા સંબંધોમાં આવેલો તણાવ મુખ્ય કારણ છે.


પાકિસ્તાન હોકી ફેડરેશન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે દેશમાં પ્રવર્તમાન રાજકીય તણાવ અને સુરક્ષાના જોખમોને ધ્યાનમાં રાખીને તેમણે સરકાર અને સ્પોર્ટ્સ બોર્ડની સલાહ લીધી હતી અને ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે પાકિસ્તાને એફઆઈએચને વિનંતી પણ કરી છે કે તે જુનિયર વર્લ્ડ કપમાં પાકિસ્તાનને તેની મેચો રમવા માટે તટસ્થ સ્થળ ની વ્યવસ્થા કરે PHF સચિવ રાણા મુજાહિદે જણાવ્યું હતું કે મોટી ઇવેન્ટ્સ ભારતમાં યોજાવાને કારણે ચૂકી જવાથી તેમના યુવા ખેલાડીઓના વિકાસને નુકસાન થઈ રહ્યું છે. તેમણે ભારતીય ખેલાડીઓના અન્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરવાના તાજેતરના બનાવોનો પણ ઉલ્લેખ કર્યો હતો જે બે દેશો વચ્ચેના વણસેલા રમતગમત સંબંધોને દર્શાવે છે.


મહત્વનું છે કે પાકિસ્તાને આ વર્ષે ભારતમાં યોજાયેલી બીજી એક મોટી હોકી ઇવેન્ટ મેન્સ એશિયા કપ માંથી પણ નામ પાછું ખેંચ્યું હતું જે બાદ હવે જુનિયર વર્લ્ડ કપમાંથી પણ ખસી જવાનો નિર્ણય લેવાયો છે આ નિર્ણયથી ભારતમાં યોજાનારી ટુર્નામેન્ટમાં હરીફાઈની તીવ્રતા પર અસર પડશે પાકિસ્તાની ટીમ જુનિયર વર્લ્ડ કપમાં પૂલ બી માં ભારત, ચિલી અને સ્વિટ્ઝર્લેન્ડ સાથે સામેલ હતી હવે એફઆઈએચ ટૂંક સમયમાં અન્ય કોઈ ક્વોલિફાઇડ ટીમને પાકિસ્તાનના સ્થાને સમાવશે. હોકી ઇન્ડિયાના સેક્રેટરી જનરલે જણાવ્યું હતું કે તેમને સત્તાવાર રીતે પાકિસ્તાનના હટવા અંગેની કોઈ માહિતી નથી પરંતુ યજમાન તરીકે તેમની ફરજ શ્રેષ્ઠ ટુર્નામેન્ટનું આયોજન કરવાની છે અને તેઓ એફઆઈએચના આગામી નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. પાકિસ્તાનના આ પગલાથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ઐતિહાસિક હોકી હરીફાઈના ચાહકો નિરાશ થશે.