ભારતમાં ચૂંટણી લડનારા પ્રથમ મહિલાની કહાની
વર્ષ હતું 1930નું. કમલાદેવી ચટ્ટોપાધ્યાયની ઉંમર ત્યારે 27 વર્ષની હતી. તેમને ખબર મળ્યા કે મહાત્મા ગાંધી દાંડીયાત્રા કાઢીને મીઠાનો સત્યાગ્રહ કરશે. તે પછી દેશભરમાં સમુદ્ર કિનારે સૌ લોકો મીઠું બનાવશે. આ આંદોલનથી મહિલાઓ દૂર રહેશે. મહાત્મા ગાંધીએ આ આંદોલનમાં મહિલાઓની ભૂમિકા ચરખા કાંતવા માટે અને દારૂની દુકાનોની ઘેરાબંધી કરવા માટેની નક્કી કરી હતી. કમલાદેવીને આ વાત ખટકી.
પોતાની આત્મકથા 'ઇનર રિસેસ, આઉટર સ્પેસીઝ'માં કમલાદેવીએ આ મુદ્દાની ચર્ચા કરી છે.
તેમણે લખ્યું છે કે, "મને લાગ્યું કે મહિલાઓની ભાગીદારી નમક સત્યાગ્રહમાં હોવી જોઈએ અને આ બાબતમાં મહાત્મા ગાંધી સાથે વાત કરવાનો નિર્ણય કર્યો."
મહાત્મા ગાંધી તે વખતે ટ્રેનમાં પ્રવાસમાં હતા અને એટલે કમલાદેવી એ ટ્રેનમાં જ પહોંચી ગયાં.
ટ્રેનમાં જ મહાત્મા મહાત્મા ગાંધી તેમની નાનકડી મુલાકાત થઈ. પણ એ નાની મુલાકાત ઇતિહાસ બનાવવા માટે પૂરતી હતી.
પહેલાં તો મહાત્મા ગાંધીએ તેમને પોતાની વાત મનાવવાની કોશિશ કરી, પણ કમલાદેવીના તર્ક સાંભળ્યા બાદ મહાત્મા ગાંધી નમક સત્યાગ્રહમાં સ્ત્રીઓ અને પુરુષોને સમાન ભૂમિકા આપવા માટે તૈયાર થઈ ગયા. મહાત્મા ગાંધીનો આ ઐતિહાસિક નિર્ણય હતો.
આ નિર્ણય પછી મહાત્મા ગાંધીએ દાંડીયાત્રાની શરૂઆત કરી ત્યારે મુંબઈથી નમક સત્યાગ્રાહ માટે સાત સભ્યોની ટુકડી બનાવી હતી. તે ટુકડીમાં કમલાદેવી અને અવંતિકાબાઈ ગોખલેને સમાવવામાં આવ્યાં હતાં.
તેઓ પરિવર્તન માટે રાજકારણમાં હતાં. 1927-28માં તેમને અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિમાં પણ સભ્ય તરીકે લેવાયાં. તેમણે બાળવિવાહ સામે કાયદો કરાવવામાં, લગ્નની ઉંમર વધારવામાં અને રજવાડાંમાં ચાલતાં આંદોલનોમાં કૉંગ્રેસની ભૂમિકા શું હોય તે બાબતમાં નીતિ નક્કી કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.