ગુજરાતના આદિવાસીઓ ગુજરાતની સંસ્કૃતિનું આગવું પ્રતિનિધિત્વ કરે છે.
“ગુજરાતમાં લોકસંસ્કૃતિની પૂર્વેની સંસ્કૃતિ આદિવાસીઓની ગણાય છે આ વિધાન આદિવાસી સંસ્કૃતિની પ્રાચીનતા સૂચવે છે. બાકી આદિવાસીઓની સામાજિક અને ધાર્મિક કાર્યોની એક આગવી સંસ્કૃતિની કથાગાથા છે. જે અન્ય સમાજથી અનોખી છે. એમની મૌખિક કથા વાદ્યો સાથે જોડાયેલી છે.
પ્રકૃતિમાંથી જ આદિકાળથી વિકસિત થયેલા સંગીતનાં કેટલાક વિશિષ્ટ પ્રકારના આદિવાસી વાંજિત્રોનો ઉપયોગ પ્રસંગ કે તહેવારે થતો આવ્યો છે.
આદિવાસીઓના સંગીત અને નૃત્ય વિશે ઊંડાણપૂર્વકનું કાર્ય જૂજ મળે છે, પણ આદિવાસી વિસ્તારમાં ભરાતા લોકમેળા અને અન્ય ઉત્સવોમાં એમનાં વાદ્યોનો સૂર સાંભળીને કે નૃત્ય જોઈને જોવાવાળાની આકાંશાઓ વધશે.એમણે સંગીત, લોકનૃત્ય તથા વાદ્યની કલાકારીગરીનું જ્ઞાન ક્યાંથી મેળવ્યું હશે? એવો સહજ પ્રશ્નો ઉદ્ધવશે. એમના મૌખિક સમૃદ્ધ પરંપરા સાથે વાદ્યો જોડાયેલા છે, જે આપણને કલા જગતમાં ખેંચી જાય છે.આદિવાસી સંસ્કૃતિમાં કલા છે જ જે એમનું જીવનને જોતાં તપાસતાં ખ્યાલ મળશે. દક્ષિણ ગુજરાત વલસાડ, નવસારી અને ડાંગના આદિવાસીઓના પ્રમુખ વાદ્યોમાં તારપું, ઘાંઘળી, કાળિયા, ઢાક, તૂર, મોહવર, થાળ, માદળ, દેરા, કીરચી, ઢોલ વગેરેનો સમાવેશ કરી શકાય. એમાનું એક ‘તારપું” વાદ્ય વિશે જાણીએ.આસો માસમાં કપરાડા,ધરમપુર, વાંસદા અને ડાંગ વિસ્તારમાં તારપાનો ગુંજારવ ગ્રામ-દેશમાં સંભળાવા લાગે છે.તારપાવાદક આ માસમાં તારપાનું સમારકામની શરૂઆત કરી દેતા હોય છે. એ સાથે તારjના સૂર આસપાસ ગૂંજી ઊઠે છે. એ મધુર સૂરે આદિવાસીઓની જીવન રીતિને જીવંત રાખયું છે.
તારપું અન્ય આદિવાસી સુષિરવાદ્યો- કાળી (શરણાઈ), પાવી (વાંસળી) અને મોહવર વગેરેમાં અત્યંત નિરાળું વાદ્ય છે. એના સૂર સૂમસામ રાત્રીના વાતાવરણને રસમય બનાવે છે. એ તારપાને ભૂલાઈ ? તારપાનું સર્જનહાર આજે પણ આદિવાસી કલાકારો જ રહ્યાં છે. ઊભીને ઉપર સહેજ વળેલ સુકવેલી દુધીમાં પોલાણ કરી, તેના નીચેના ભાગે બે વાંસની પોલી નળી પર ચાર-પાંચ કાણાં પાડી તેની સાથે વળાંક આપવા મૃત ગાય કે બળદનાં શિંગડાનો પહોળો ભાગ ખૂલ્લો રહે એ રીતે મધમાંથી બનાવેલ “મેણ” દ્વારા ચોટાડવામાં આવે છે. તારપાવાદકની જાણકારી પ્રમાણે તારપાની બનાવટમાં આજે શિંગડાનો ઉપયોગ નહીંવત થઈ રહ્યો છે.તારપાની માથે મોરપીંછ કે એની સળીઓમાંથી બનાવેલ માળા લટકતી હોય છે.
નીચે પોલા ભાગને તાડના પાનની ચીપ ગોળગોળ વીંટાળીને ભૂંગળું બનાવવામાં આવે છે. દૂધીના પાછળના ભાગે ફૂંક મારવા ગોળ કાણું પાડી, કાંઠાના ભાગને મેણથી સુંવાળું કરાય છે.આ રીતે તારપાનું સર્જન થાય.નાના તારપાને ‘પાવરી’થી પણ ઓળખાય.આસોમાં નવરાત્રી પછી ધરમપુર- કપરાડામાં માવલીમાતાની પૂજાવિધિમાં તારપું ગુંજી ઊઠે છે. માવલીની પૂજા અર્ચના કરવા ગામ લોકો ભેગા થાય તેને સ્થાનિક બોલીમાં ‘રવાલ' કહે છે. તારપાના સૂરે પુરુષો ધૂણે માવલીની પૂજા સમૂહમાં પૂજવાની આદિવાસીઓમાં પરંપરા રહી છે.એ પૂજા માટે આ દિવસોમાં તારપું વગાડવામાં આવે છે.
કહી શકાય માવલી માતાનું વાદ્ય એટલે તારપું.માવલીની પૂજા ભગત કરે છે,ત્યારે ઘાંઘળીવાદક ઘાંઘળી પર ‘તુંબય’ તુંબય’ના મધુર નાદ રેલાવી માવલીમાતાની ‘કાહની' (કથા) કરે છે. થોડા થોડા સમયે તારપાવાદક તારપું વગાડે ત્યારે કેટલાક પુરુષોને માવલીની અલૌકિક શક્તિ આવે ત્યારે હાથમાં ‘ઘોળ’, ‘ઘોળકાઠી’ કે ‘સાંઠ’ લઈ જૂથમાં ધૂણતા હોય છે. તારપાના સૂરે નૃત્ય સાથે દેવી શક્તિ આવે ત્યારે બળબળતા અંગારા ખાવાનો પ્રયાસ કરવો, સાંઠથી પોતાની પીઠની પાછળ જોરથી મારવું, એ જોતા તારપું દેવી શક્તિ માટે વાતાવરણ પૂરું પાડે છે.
દેવી શક્તિનો માહોલ રચાય ત્યારે પ્રત્યક્ષ દ્રશ્ય જોવાય તો માવલીમાતાની શક્તિની અનુભૂતિ સૌ કોઈને જરૂર થશે.દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ તારપાનો ઉપયોગ પ્રાચીન સમયથી કરે છે. વલસાડ નવસારી ડાંગ તાપી અને થાણા નાશિક નંદરબાર ધુલિયા તથા પાલઘર (મહારાષ્ટ્ર) તેમજ દાદરાનગર હવેલીમાં આ વાદ્ય વગાડવામાં આવે છે. આ વાદ્ય કુંકણા, વારલી, નાયકા, કોટવાળિયા તથા ભીલ વગેરે
જાતિના લોકો વગાડે છે.
ખાસ કરીને દિવાળીના દિવસોએ માવલીદેવી, ડુંગરદેવ, વાઘદેવ, જેવા ધાર્મિક પ્રસંગોમાં પૂજા માટે આ વાદ્ય વગાડવામાં આવે છે. દશેરા, વાઘબારસ, ધનતેરસ જેવા દિવાળીના ઉત્સવ તથા દેવદિવાળીના પર્વે પણ વગાડવામાં આવે છે. દિવાળીના દિવસોમાં તારપાના સૂર આદિવાસી વિસ્તારમાં અચૂક માણવા મળશે. ધાર્મિક, સામાજિક, અને મનોરંજન માટે આજે પણ પરંપરાગત તારપાનો ઉપયોગ થાય છે. આ વાદ્યની ખાસિયત એ છે કે અલગ-અલગ સૂરથી પ્રસંગ અનુસાર વગાડવામાં આવે છે.
આદિવાસી પૂર્વજો તારપાનો ઉપયોગ આદિકાળથી કરતા આવ્યા છે. એ સંદર્ભ તેને આદિવાસીઓનું પ્રાચીન વાદ્ય ગણવું પડે. આદિવાસી સંસ્કૃતિ જોડાયેલી છે. તારપું આદિવાસી સમાજમાં બરકરાર રહે એ માટે તારપું અને કલાકારોને માનસન્માન આપી બિરદાવીએ એ સમાજના હિતમાં છે.