ચેન્નઈ સુપર કિંગ્સની ડેડીઝ આર્મીને યુવા જોડીએ માત આપી
મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ એટલે IPLની ડેડીઝ આર્મી. લીગની સૌથી અનુભવી ટીમ. અનુભવ બજારમાં વેચાતો મળતો નથી, એ જ સમયે ઉંમરને ક્રિકેટ સાથે કોઈ નિસબત નથી. આ બે ક્લીશ વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ સ્લો-મોશનમાં સાપસીડીની રમત માફક ચાલતી રહી.
ટોસ હાર્યા બાદ પ્રથમ ફિલ્ડિંગ કરતાં ચેન્નઈએ 11 ઓવરમાં માત્ર 69 રન આપીને હૈદરાબાદના ટોપ-4: ડેવિડ વોર્નર, જોની બેરસ્ટો, મનીષ પાંડે અને કેન વિલિયમ્સનને આઉટ કર્યા. મેચ ખિસ્સામાં આવી ગઈ હોય અને ત્યાર બાદ ધોની મેચ હારે, આ વાત સાંભળવી કે વિચારવી ગળા નીચે ઊતરતી નથી, પણ આવું થયું!
69 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ અભિષેક શર્મા અને પ્રિયમ ગર્ગની જોડીએ ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢવા હાથ મિલાવ્યા. એ જોડી ક્રિઝ પર ભેગી થઈ એ સમયે ચેન્નઈના રવીન્દ્ર જાડેજની 4, ડ્વેન બ્રાવોની 3, પીયૂષ ચાવલા અને શાર્દુલ ઠાકુરની 2, જ્યારે દીપક ચહરની 1 ઓવર બાકી હતી. ધોની પાસે વિકલ્પોની કમી નહોતી, પણ કંઈક અંશે તે નવા નિશાળિયાઓની તાકાત અને નબળાઈ વિશે જાણતો નહોતો. પ્રિયમ અને અભિષેકની જોડીએ 7 ઓવરમાં 77 રન ફટકારીને મેચનું રૂપ બદલી નાખ્યું. તેમણે 11ની રનરેટે કઈ રીતે રન માર્યા એ અંગે વાત કરીએ.