આજે વર્લ્ડ ટુરિઝમ ડે, જાણો કોરોના મહામારીના કારણે કેવી અસર પડી છે ટુરિઝમ ક્ષેત્રમાં..
લૉકડાઉન અને કોરોના મહામારીને લીધે ઠપ થઈ ચૂકેલ પર્યટન ઉદ્યોગ ધીમે ધીમે ફરી પાટે ચઢવા માંડ્યો છે. પર્યટન રાજ્ય હિમાચલની સરહદો ખોલાતા જ 20 સપ્ટેમ્બરથી મનાલીમાં પર્યટકોની હાજરી વધી છે, જ્યારે 23 તારીખથી ઉત્તરાખંડે પણ પર્યટકો પરથી પ્રતિબંધ હટાવી લીધો હતો. યુપી સરકારે પણ 21 સપ્ટેમ્બથી તાજમહલ ખોલી દીધો. પુડ્ડુચેરીમાં ક્વૉરન્ટીન નિયમોમાં રાહત અપાતા પર્યટન શરૂ થવા લાગ્યું છે. ગોવામાં ફક્ત હોટલ બુકિંગ બતાવતાં જ પ્રવેશ અપાય છે.
આ સૌની વચ્ચે હોટલોના ભાડામાં જોરદાર ઘટાડાથી ટુર એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓએ પેકેજના ભાવ અડધા કરી દીધા છે. હોટલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશન અનુસાર હાલ હોટલ ટેરિફનો મતલબ જ નથી. અમે તો 40 ટકામાં પણ રૂમ બુક કરી રહ્યાં છીએ. સ્થિતિ એવી છે કે તાજ અને મેરિયટ જેવી હોટેલ 75 ટકા સુધીના ડિસ્કાઉન્ટે બુક થઇ રહી છે. જ્યારે બીજી બાજુ ઉત્તરાખંડ ટુરિઝમ વિભાગના અધિકારી પ્રદીપ ચૌહાણ અનુસાર આ વખતે ચારધામ યાત્રામાં અત્યાર સુધી કુલ 35 હજાર લોકો યાત્રા કરવા આવ્યા હતા. ભારતમાં મનાલી અને ચારધામનું યાત્રા પેકેજ પણ ગત વર્ષથી 40 ટકા સસ્તું છે, કેમ કે હાલ પર્યટક ઘરેથી બહાર નીકળતાં ખચકાય છે.
પહેલાં 35 હજાર યાત્રી રોજ ચારધામ જતા હતા, આ વખતે કુલ 35 હજાર આવ્યા
કોરોનાના કારણે 64% લોકો આ વખતે દેશમાં જ પર્યટન પર જવા ઈચ્છે છે
હોટલ એન્ડ રેસ્ટોરાં એસો. નોર્ધન ઈન્ડિયાના બોર્ડ મેમ્બર પ્રવીણ શર્મા જણાવે છે કે હિમાચલમાં હાલ 45 ટકા ટુરિસ્ટ પહોંચી ગયા છે. ઉત્તરાખંડમાં પણ ઈન્ક્વાયરી આવી રહી છે અને ઓક્ટોબરનું બુકિંગ પણ છે. 20 ટકા ટ્રાવેલ્સના માધ્યમથી અને 80 ટકા લોકો જાતે બુકિંગ કરાવી રહ્યા છે. ગત 7 મહિનાના નુકસાનની ભરપાઈ તો નહીં થાય પણ ઓક્ટોબરનો ખર્ચ વ્યવસાયથી કાઢી શકાશે. ઈન્ડિયન એસોસિયેશન ઓફ ટુર ઓપરેટરના અધ્યક્ષ પ્રણવ સરકાર કહે છે કે અમે ટુરિસ્ટ ડે કેવી રીતે સેલિબ્રેટ કરીએ.