દેશનું અનોખુ લાઠી વિલેજ... જેની લાકડીઓ વખણાય છે
એક જમાનો હતો જયારે લાઠી અને લઠૈતોના જોરે કોઇ પણ વ્યકિતને ઝૂકાવી શકાતી હતી, પણ આધુનિકતા આ સમયમાં બધુ બદલાતા લાઠીઓ પણ વિતેલા જમાનાની ચીજ બનતી ગઇ. જો કે કૌશાંબી જીલ્લાનું એક ગામ એવું છે કે, આજે પણ તે પોતાની લાઠીઓ માટે વિખ્યાત છે.
અહીંની લાઠીઓ યુપીના કેટલાય જીલ્લાઓમાં વેચાય છે. તેની સાથે મોટી સંખ્યામાં લોકોની રોજીરોટી સંકળાયેલી છે. આ જ કારણ છે કે આ ગામને લાઠીઓના મોહલ્લા તરીકે ઓળખવામાં આવે છે. કૌશાંબી જીલ્લાના મૂરતગંજમાં છેલ્લા પાંચ દાયકાથી લાઠી બનાવવાનો ધંધો ચાલે છે. આ ગામમાં લગભગ બે ડઝન પરિવારો લાઠી બનાવવાનું કૌશલ્ય ધરાવે છે. વાંસની બહેતરીન લાકડીઓમાંથી સુંદર નકશીદાર લાઠીઓ બનાવવામાં આવે છે.
લાઠી બનાવતા બુઝર્ગ કારીગર ઘનશ્યામદાસ કહે છે કે જયારે પણ કોઇ મેળો હોય તેમાં લાઠીઓનું વેચાણ વધારે થાય છે. એટલે કોઇ પણ મોટા મેળા પહેલા કારીગરો તેના માટે લાઠીઓ તૈયાર કરવામાં લાગી જાય છે. લાઠીના કેટલાય વેપારીઓએ આ કામ માટે યુવાનોને નોકરી પર પણ રાખ્યા છે જેમને ૩૦૦થી ૪૦૦ રૂપિયા રોજ ચૂકવાય છે. તૈયાર લાઠીની કિંમત ૧૦૦થી માંડીને ર૦૦ રૂપિયા જેટલી હોય છે.
કેવી રીતે બને છે??
લાઠી લાઠી બનાવનારા રમેશકુમાર અનુસાર ખાસ પ્રકારનું તૈયાર વાંસ લાઠી બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. વાંકાચુકા વાંસને આગની ધીમી ઝાળમાં રાખીને તેને સીધું કરવામાં આવે છે. વાંસને આગમાં રાખીને તેના પર દબાણ આપીને સીધુ કરાય પછી તે લાઠીનું રૂપ ધારણ કરે છે. આગથી ધીમી ઝાળથી જ લાઠીઓમાં ડીઝાઇન પણ બને છે. એક લાઠી બનાવવામાં લગભગ અર્ધો કલાક લાગે છે. એક કારીગર દિવસમાં લગભગ ર૦થી રપ લાઠી તૈયાર કરે છે. લાઠી બન્યા પછી તેના પર નકશી કામ કરવામાં આવે જેના લીધે લાઠી સુંદર દેખાય છે.