બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ઊંઝાના ધારાસભ્ય આશા પટેલનું નિધન, અમદાવાદ ઝાયડસમાં લઇ રહ્યાં હતા સારવાર

કોણ હતા ઊંઝાના ધારાસભ્ય (MLA) ડાૅ. આશાબેન પટેલ

ડાૅ. આશાબેન પટેલ મહેસાણા જિલ્લાની ઊંઝા બેઠકના  ધારાસભ્ય. મૂળ કોંગ્રેસી પણ 2019માં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા ડાૅ. આશાબેન પટેલને દિલ્હી ખાતે આદર્શ યુવા ધારાસભ્ય તરીકેનો એવાર્ડ અને સન્માન પ્રાપ્ત થયા છે. સામાન્ય છાપ એવી છે કે રાજકારણમાં ઓછું ભણેલા પ્રવેશે છે. આ માન્યતાને ડાૅ. આશાબેન પટેલે ખોટી ઠેરવી. ડાૅ. આશાબેન પટેલે M.Sc., B.Ed., Ph.D સુધીનો અભ્યાસ કર્યો છે. 44 વર્ષીય આશાબેન પટેલનું જીવન વિવિધતા સભર રહ્યું છે. અભ્યાસ પરત્વે પહેલેથી જ નાતો રહ્યો. વિવિધ પ્રવૃત્તિઓ થકી તેઓ સ્વ-બળે પોતાનું વ્યક્તિત્વ અને કારકિર્દી રચી અનેકોને પ્રેર્યા. આશાબેન ઉમિયા માતાજી સંસ્થાનના કારોબારી સભ્ય રહ્યા હતા. સાથે તેઓ વુમન્સ લીગ ફોર પીસ એન્ડ ફ્રીડમ સાથે સંકળાયેલા હતા. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના NSSના સલાહકાર રહ્યા હતા. 


2019માં કોંગ્રેસ છોડી, ભાજપી બન્યા હતા  ડાૅ. આશાબેન પટેલ 

2017ની વિધાનસભા ચૂંટણી ડાૅ. આશાબેન પટેલ માટે નિર્ણાયક સાબિત થઈ. 2017માં  કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી સતત પાંચ ચૂંટણી જીતનાર ભાજપના દિગ્ગજ નેતા નારાયણ  લલ્લુદાસ (નારાયણ કાકા)ને   19,529 મતોએ હરાવી સૌને ચોંકાવી નાંખ્યા હતા. પણ કોંગ્રેસના  આંતરિક ખટરાગના કારણે પક્ષમાંથી રાજીનામું આપી 2019માં ભાજપનો કેસરી ખેસ ધારણ કર્યો. જેના કારણે ઊંઝા ખાતે પેટા ચૂંટણી યોજવી પડી. જેમાં ભાજપ તરફથી ડાૅ. આશાબેન પટેલે ચૂંટણી લડી અને કોંગ્રેસના કાંતિ પટેલને 23,072 મતોએ હરાવી ધારાસભ્ય બન્યા હતા. 


વ્યક્તિ વિશેષ : ડો. આશાબેન પટેલ 

 ડો. આશાબેન પટેલ ધારાસભ્ય હોવા છતાં સારા વાંચન માટે સમય ફાળવતા. સમાજ સેવા અને જન સંપર્ક તેમનો પ્રાથમિક શોખ રહ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ડાૅ. આશાબેન પટેલે દુબઈ ખાતે પ્રવાસ કર્યો હતો. પોતાના વ્યવસાય તરીકે ડાૅ. આશાબેન પટેલ ખેતીને ગણાવતા સાથે સમાજ સેવા ગણાવતા. પોતાની ઈચ્છાથી તેઓ પ્રાધ્યાપિકા તરીકે નિવૃત થયા અને ઊંઝાના સક્રિય રાજકારણ સાથે જોડાયા. 


આશાબેન પટેલ સાથે વિવાદો પણ જોડાતા રહ્યાં

ઊંઝા ધારાસભ્ય આશાબેન પટેલ માટે એક વખતે એવું કહેવાતું કે તેઓને  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનાવે અથવા તો 2019ની લોકસભા ચૂંટણીમાં મહેસાણાથી ભાજપ ઉમેદવાર બનાવે. એક સમયે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવા માટે રુ. 20 કરોડની ઓફર અંગે પણ અફવા વહેતી થઇ હતી. 2019ના જુન માસમાં મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય સંકુલમાં આશાબેન પટેલ અને નારાયણ કાકા વચ્ચે પાંચ મિનિટ જાહેરમાં શાબ્દિક બોલાચાલી થઈ હતી. 2019ની પેટા ચૂંટણીમાં આશાબેનને હરાવવા સ્થાનિક ભાજપના એક જુથે પ્રયાસ કર્યો હતો એ  હંમેશાથી વિવાદ રહ્યો છે. જૂન-2021માં ઊંઝા APMC સેસ કૌભાંડ બાબતે અમદાવાદના પ્રવિણ પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં આશાબેન પટેલ વિરુદ્ધ અરજી આપી હતી.  APMC કૌભાંડ બાબતે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધવા ઊંઝા કોર્ટે આદેશ કર્યા હતા. ઊંઝા APMC સેસ કૌભાંડનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં ગયો છે. એવું કહેવાય છે ઊંઝા ભાજપના જ બે જુથો APMC સેસ કૌભાંડ મામલે એક બીજા પર આક્ષેપ કરી વિવાદોને વધુ ચગાવતા.