ઉન્મુક્ત ચંદે ૨૮ વર્ષની ઉમરમાં ભારતીય ક્રિકેટથી લીધી નિવૃત્તિ, ભારતને જીતાડ્યો હતો અન્ડર-૧૯ વર્લ્ડ કપ
2012 માં ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન ઉન્મુક્ત ચંદ દ્વારા 28 વર્ષની ઉમરે ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરવામાં આવી છે. પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવેલ એક પોસ્ટમાં ઉન્મુક્ત ચંદે જણાવ્યું છે કે, તે ભારતીય ક્રિકેટને અલવિદા કહી રહ્યા છે અને વિશ્વમાં તે નવી તકોને શોધશે.
ઉન્મુક્ત ચંદ અંડર-19 સ્તર પર ઘણા શાનદાર ખેલાડી રહ્યા છે. 2012 માં અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં તેમના દ્વારા ઓસ્ટ્રેલિયા સામે અણનમ 111 રનની મેચ વિનિંગ ઈનિંગ્સ રમવામાં આવી હતી, જેના કારણે તેમને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ઉન્મુક્ત ચંદે હાયર લેવલ પર પણ સારી શરૂઆત કરી હતી પરંતુ વધુ આગળ વધી શક્યા નહોતા. તે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્યારેય ભારતનું પ્રતિનિધિત્વ કરી શક્યા નહોતા.
તેની સાથે તેમણે જણાવ્યું છે કે, હું જાણતો નથી કે મને કેવુ લાગવું જોઈએ, પ્રમાણિકતા મુજબ કહું તો હું પણ તેને શોધી રહ્યો છું. હું મારા દેશ માટે રમી શકીશ નહીં તેવો વિચાર આવતા જ થોડા સમય માટે મારા હ્રદયના ધબકારા બંધ થઈ જાય છે. ભારતમાં મારી ક્રિકેટ કારકિર્દીમાં ઘણી શાનદાર પળો આવી હતી. ભારત માટે અંડર-19 વર્લ્ડ કપ જીતવો મારા જીવનની સૌથી યાદગાર પળ રહી છે. સુકાની તરીકે વર્લ્ડ કપ જીતવો અને વિશ્વભરના ભારતીયોને ચહેરા પર ખુશી લાવવી એક ખાસ લાગણી રહી હતી. હું તે લાગણીને ક્યારેય ભૂલી શકું તેમ નથી. આ સિવાય વિવિધ પ્રસંગોએ ઇન્ડિયા એ ટીમની આગેવાની કરવી અને વિવિધ દ્વિપક્ષીય અને ત્રિકોણીય શ્રેણીઓને જીતવી મને હંમેશા યાદ રહેશે.
ઉન્મુક્ત ચંદે ભારત માટે 67 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે જેમાં તેમણે 31.57 ની એવરજ સાથે 3379 રન બનાવ્યા છે. જ્યારે લિસ્ટ એ મેચમાં તે ઘણા શ્રેષ્ઠ ખેલાડી હતા. તેમણે 120 લિસ્ટ એ મેચમાં 41.33 ની એવરજથી 4505 રન બનાવ્યા હતા. જ્યારે 77 ટી20 મેચમાં તેણે 1565 રન બનાવ્યા હતા.