UPSC: પ્રીલીમ પરીક્ષા તા.04-10-2020 ના રોજ અમદાવાદના કુલ-81 પરીક્ષા પેટા-કેન્દ્રો ખાતે યોજાશે
યુનિયન પબ્લીક સર્વિસ કમિશન,નવી દિલ્હી દ્વારા સિવિલ સર્વિસ પ્રીલીમ પરીક્ષા-2020, તા. 04-10-2020 ના રોજ અમદાવાદના કુલ -81 પરીક્ષા પેટા-કેન્દ્રો ખાતે યોજાશે. આ સંદર્ભે અમદાવાદના નિવાસી અધિક કલેક્ટરશ્રી હર્ષદ વોરાએ જણાવ્યું છે કે, પરીક્ષા દરમિયાન કોવીડ-19ની ગાઈડલાઈનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ અનુસાર દરેક સેન્ટરનો એન્ટ્રી ગેટ પરીક્ષાના સમયથી એક કલાક પહેલા (પેપર-1, 08-30 કલાકે, પેપર-2 – 1-30 કલાકે) ખોલવામાં આવશે. તેથી પરીક્ષાર્થીઓએ સેન્ટર પર વહેલા પહોંચવાનું રહેશે અને સીધા જ પરીક્ષાના રુમ કે હોલમાં તેમની નિર્ધારીત જગ્યાએ બેસવાનું રહેશે. પરીક્ષાકેન્દ્રમાં પ્રવેશ, પરીક્ષા સમયના 10 મિનિટ પહેલા ( પેપર-1, 9-30 કલાકે, પેપર-2, 2-20 કલાકે) બંધ કરી દેવાશે, જેની પરીક્ષાર્થીઓએ ખાસ નોંધ લેવી.
તમામ પરીક્ષાર્થીઓએ માસ્ક પહેરીને આવવું ફરજિયાત છે. સંદેશા વ્યવહારનો ઉપયોગ થઈ શકે તેવા કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ-ડિવાઈસ – મોબાઈલ ફોન, લેપટોપ તેમ જ લાઈટર, માચીસ વગેરે સાથે પ્રવેશ કરી શકાશે નહીં. તેમજ કોઈપણ મૂલ્યવાન ચીજવસ્તુઓ રાખી શકાશે નહીં. આવી ચીજવસ્તુઓ ગુમ થવા કે ચોરાઈ, ખોવાઈ જવા અંગે યુ.પી.એસ.સી જવાબદાર રહેશે નહીં, તેની સંબંધકર્તાઓએ નોંધ લેવી.
આથી સિવિલ સર્વસિસ પ્રીલીમનરી પરીક્ષા -2020 આપનાર તમામ ઉમેદવારોને પરીક્ષા સ્થળ ઉપર કોલલેટરમાં દર્શાવેલ સૂચનાઓનું પાલન કરવા તાકીદ કરાઈ છે. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે શરુ કરવામાં આવેલા યુ.પી.એસ.સી કંટ્રોલ રુમનો ફોન નંબર- 7016986507 ) છે.