નાના અને મધ્યમ ઉદ્યોગો માટે બજેટને ધ્યાનમાં રાખીને યોગ્ય નિષ્ણાતની પસંદગી કરવાની રીત અને વિચારવા યોગ્ય મુદ્દા
વ્યવસાય વધારવા માટે યોગ્ય માર્ગદર્શન અને સહાય મેળવવી ઘણી કંપનીઓ માટે મહત્વપૂર્ણ બને છે. એવામાં ઘણી વખત ઉદ્યોગપતિઓ સામે પ્રશ્ન ઉભો થાય છે કે તેમને બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ રાખવો જોઈએ કે બિઝનેસ કન્સલ્ટન્ટ. બંનેની ભૂમિકા અલગ છે, પરંતુ હેતુ એ જ છે બિઝનેસને આગળ વધારવો. યોગ્ય પસંદગી માટે બંને વચ્ચેનો ફરક સમજવો જરૂરી છે.
બિઝનેસ સ્ટ્રેટેજિસ્ટ સામાન્ય રીતે લાંબા ગાળાના દિશા-નિર્ધારણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ બજારની પરિસ્થિતિ, સ્પર્ધા અને ઉદ્યોગના ભવિષ્યનું વિશ્લેષણ કરીને કંપની માટે સ્ટ્રેટેજી તૈયાર કરે છે. સ્ટ્રેટેજિસ્ટ એ નક્કી કરે છે કે કંપની કઈ દિશામાં આગળ વધે, કયા ક્ષેત્રમાં રોકાણ કરે, નવા પ્રોડક્ટ કે સર્વિસ લોન્ચ કરવાની યોગ્યતા છે કે નહીં. તેઓ મોટા ચિત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સંસ્થા માટે “રોડમેપ” તૈયાર કરે છે.
બીજી બાજુ, બિઝનેસ કન્સલ્ટન્ટ સામાન્ય રીતે ખાસ સમસ્યાઓનું ઉકેલ લાવવા માટે જોડાય છે. જો કંપનીને સપ્લાઈ ચેઇન મેનેજમેન્ટમાં મુશ્કેલી હોય, નફો ઘટતો હોય, કે ટેક્નોલોજી અપગ્રેડ કરવાની જરૂર હોય તો કન્સલ્ટન્ટની મદદ લેવામાં આવે છે. તેઓ વ્યવહારુ ઉકેલ આપે છે, પ્રક્રિયાઓ સુધારે છે અને તાત્કાલિક અમલ કરી શકાય તેવા પગલાં સૂચવે છે. કન્સલ્ટન્ટનો અભિગમ વધારે ઓપરેશનલ હોય છે.
અથાર્ત, સ્ટ્રેટેજિસ્ટ તમને બતાવે છે કે ક્યાં જવું છે, જ્યારે કન્સલ્ટન્ટ તમને બતાવે છે કે ત્યાં કેવી રીતે પહોંચવું. ઘણી વખત કંપનીઓને બંનેની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ સ્ટાર્ટઅપને લાંબા ગાળાની વૃદ્ધિની દિશા જોઈએ હોય તો સ્ટ્રેટેજિસ્ટ યોગ્ય રહેશે. પરંતુ જો એ જ સ્ટાર્ટઅપને નફો વધારવા માટે પ્રોસેસ સુધારવાની જરૂર હોય તો કન્સલ્ટન્ટ ઉપયોગી સાબિત થાય છે.
યોગ્ય પસંદગી કરવા માટે કંપનીએ પોતાનો હેતુ સ્પષ્ટ રાખવો જોઈએ. જો પડકારો વ્યૂહાત્મક સ્તરે છે અને સંસ્થા નવા બજારમાં પ્રવેશવા કે બ્રાન્ડ પોઝિશનિંગ મજબૂત બનાવવા ઈચ્છે છે તો સ્ટ્રેટેજિસ્ટની પસંદગી શ્રેષ્ઠ છે. પરંતુ જો સમસ્યાઓ ઓપરેશનલ સ્તરે છે જેમ કે ખર્ચ ઘટાડો, ટીમ મેનેજમેન્ટ કે માર્કેટિંગ કેમ્પેઇન સુધારવા, તો કન્સલ્ટન્ટ યોગ્ય સાથીદાર બની શકે છે.
ઘણા મોટા સંગઠનો બંને પ્રકારના નિષ્ણાતોને સાથે રાખે છે, કારણ કે વ્યૂહરચના અને અમલ હાથમાં હાથ ધરીને ચાલે ત્યારે જ લાંબા ગાળે સફળતા મળે છે. નાના અને મધ્યમ ઉદ્યોગો માટે બજેટને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જરૂરિયાત મુજબ પસંદગી કરવી વધુ સારું રહે છે.