કેન્દ્રએ પશ્ચિમ બંગાળમાં રાહત કાર્યો અને પુનઃસ્થાપન કામગીરીની સમીક્ષા કરી
પશ્ચિમ બંગાળમાં અમ્ફાન ચક્રાવાતથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત માટે સંકલનના પ્રયાસો અને પુનઃસ્થાપનના પગલાં સતત ચાલુ રાખતા, કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (NCMC)ની આજે પાંચમી બેઠક યોજાઇ હતી.
પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત માટે લેવામાં આવેલા પગલાંનું હવાઇ નિરીક્ષણ કર્યા પછી તેમણે કરેલી જાહેરાત અનુસાર, રૂપિયા 1000ની આર્થિક સહાય પહેલાંથી જ રાજ્ય સરકારને આપી દેવામાં આવી છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવે રાજ્યમાં રાહત કાર્યો અને પુનઃસ્થાપન કામગીરી માટે કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી આ આર્થિક સહાય માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં ચક્રાવાતથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી અને ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પુનઃસ્થાપનનની કામગીરીને પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવામાં આવી છે. મોટાભાગના વિસ્તારોમાં ટેલિકોમ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત થઇ ગઇ છે જ્યારે, સ્થાનિક વીજ વિતરણ નેટવર્કને ભારે નુકસાન થયું હોવાથી કેટલાક વિસ્તારોમાં વીજળીના વિતરણની કામગીરી સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં અસર પડી છે. કેન્દ્રીય એજન્સીઓને આસપાસના રાજ્યોમાંથી આ વિસ્તારોમાં પુનઃસ્થાપનના પ્રયાસો માટે મદદરૂપ થવા નિયુક્ત કરવામાં આવી છે.