સુશાંતસિંહના વિસેરા રિપોર્ટમાં શું મળ્યુ AIIMS ની ટીમને...જાણો
CBIને 8 દિવસ મોડો આપ્યો AIIMSની ટીમે સુશાંત સિંહનો વિસેરા રિપોર્ટ
સુશાંત સિંહ રાજપૂત કેસમાં AIIMSના પાંચ ડૉક્ટર્સની ટીમે CBIને વિસેરા રિપોર્ટ આપ્યો છે. આ રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે અને સૂત્રોના મતે, સુશાંતને ઝેર આપવામાં આવ્યું નહોતું. AIIMSના ડૉક્ટર્સને સુશાંતના શરીરમાંથી કોઈપણ પ્રકારનું ઓર્ગેનિક ઝેર મળ્યું નથી. AIIMSની ટીમ 20 સપ્ટેમ્બરના રોજ રિપોર્ટ સોંપવાની હતી, પરંતુ આઠ દિવસનું મોડું થયું છે.
કૂપર હોસ્પિટલને ક્લીન ચિટ નહીં
ન્યૂઝ ચેનલ આજ તકના અહેવાલ પ્રમાણે, CBIએ હજી સુધી કૂપર હોસ્પિટલના ડૉક્ટર્સને ક્લીન ચિટ આપી નથી. કૂપર હોસ્પિટલના રિપોર્ટને વિગતવાર જોવાની જરૂર હોવાનું કહેવામાં આવ્યું છે. કૂપર હોસ્પિટલ હજી પણ શંકાના ઘેરામાં છે. AIIMSના રિપોર્ટમાં એ વાત તરફ ઈશારો કરવામાં આવ્યો છે કે કૂપર હોસ્પિટલે સુશાંત કેસમાં લાપરવાહી દાખવી હતી. ઉલ્લેખનીય છે કે કૂપર હોસ્પિટલના ડૉક્ટર્સે સુશાંતની ઓટોપ્સી કરી હતી. આ ઓટોપ્સી પર અનેક સવાલો કરવામાં આવ્યા છે. સુશાંતના ગળા પરના નિશાન અંગે રિપોર્ટમાં કંઈ જ કહેવામાં આવ્યું નથી. સુશાંતના મોતનો સમય પણ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યો નહોતો.
CFSLએ CBIને રિપોર્ટ આપ્યો
બાન્દ્રા ફ્લેટમાં ક્રાઈમ સીનના રિક્રિએશન પછી CFSLને જાણવા મળ્યું છે કે સુશાંતનું મોત ફાંસી લગાવવાથી થયું હતું. CFSLએ CBI ટીમને રિપોર્ટ આપી દીધો છે. જોકે તેની સત્તાવાર જાહેરાત ટૂંક દિવસમાં કરાય તેવી સંભાવના છે.
માત્ર 20 ટકા વિસેરાના આધારે રિપોર્ટ બન્યો. AIIMSએ માત્ર 20 ટકા વિસેરાના આધારે રિપોર્ટ તૈયાર કર્યો છે. મુંબઈ પોલીસે સુશાંતના 80 ટકા વિસેરાનો ઉપયોગ પોતાની તપાસમાં કર્યો હતો.