બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

દરેક વ્યક્તિની અનન્યતા શું સિદ્ધ કરે છે?

જગતના જનકે દરેક વ્યક્તિને કોઈ ખાસ પ્રયોજન (હેતુ)થી જ પૃથ્વી પર મોકલેલ છે, આ સનાતન સત્યથી આપણે સૌ અવગત જ છીએ. એટલે કે આપણો જન્મ નિયતિનું ચોક્કસ વિધાન છે એમ કહીએ તો પણ કંઈ ખોટું નથી. દરેક વ્યક્તિ કોઈને કોઈ અમુક ચોક્કસ જ કામ માટે બનેલી છે. વ્યક્તિ માત્ર કામને પાત્ર હોય જ છે, પણ દરેક વ્યક્તિ દરેક કામને માટે હોતી જ નથી. ટૂંકમાં દરેક વ્યક્તિ માટે દરેક કામ બન્યાં જ નથી હોતાં. અમુક વ્યક્તિ માટે અમુક ચોક્કસ જ કામ નક્કી હોય છે.  ઈશ્વરે દરેક વ્યક્તિને અલગ-અલગ બનાવ્યા છે તેનો અર્થ એતો છે કે તેને કોઈ અલગ-અલગ કામ કરવાનું છે. આપણે જાણીએ જ છીએ કે દરેક માણસ એક બીજાથી ભિન્ન અને અનન્ય છે. આથી આપણે બધા એક બીજાથી જુદા છીએ અને એટલે આપણે બધાએ અલગ-અલગ પ્રકારનું કામ કરવાનું છે.


આમ આ પ્રમાણે વ્યક્તિ એકબીજાથી જુદી હોવાને કારણે, તેનું કામ અને કાર્યક્ષેત્ર પણ અલગ-અલગ જ હોવાનું. આથી અહીં એ હંમેશા યાદ રાખવા જેવું છે કે કોઈ માણસ એક બીજાથી ઉતરતો કે ચઢીયાતો હોતો જ નથી. આપણો અને તેમનો રસ્તો અલગ છે, બન્ને જુદા જુદા પથના મુસાફરો છીએ.

અમુક કામ નાનું અને અમુક કામ મોટું એવી ખોટી માન્યતામાં રહેવું જ નહીં. દુનિયાનું કોઈપણ કામ નાનું કે મોટું હોતું જ નથી. જો આપ નાનામાં નાના ગણાતા કામને પણ અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડો છો તો તે પરિણામ અવશ્ય ઐતિહાસિક ઉદાહરણરૂપ બની જશે. આમ નાનું ગણાતું કામ પણ આદર્શો સ્થાપિત કરી શકે છે. ટૂંકમાં કોઈ પણ પ્રકારના ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ ઈતિહાસ રચી શકે છે.


ઈશ્વરે આપણને બધાને એક ખાસ પેકેજ આપ્યું છે. પ્રભુએ આ પેકેજમાં વિચારો, ગુણો, આવડતો, કૌશલ્યો, શક્તિઓ, મર્યાદાઓ વગેરેનો અમુક ચોક્કસ જ સમૂહ આપણને ભેટમાં આપ્યો છે. દરેક વ્યક્તિ પાસે આ બધું ઓછો-વત્તા પ્રમાણમાં હોય જ છે. જો આપણે એક સિદ્ધિ મેળવી લઈએ તો આપો આપ બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જ જાય છે. આપણને મળેલ ભેટ સમૂહને અનુરૂપ જ આપણે જે તે ક્ષેત્રમાં આગળ વધી શકીએ છીએ. અેટલે કે આપણું કાર્યક્ષેત્ર પણ આપને અનુરૂપ જ હોવાનું. આપણી શક્તિઓ અને મર્યાદાઓને અનુલક્ષીને જ આપણું જીવનકર્મ નક્કી હોય છે.


દરેક વ્યક્તિ પાસે બધુંજ કરવા માટેનું સામર્થ્ય બળ હોતું જ નથી. આ સત્યને બરાબર રીતે જેટલું વહેલું સમજી લઈએ તેટલું વધારે સારું. આપણો વિકાસ તે જ ક્ષેત્રમાં સંભવ છે જેને માટે આપણે બન્યા હોઈએ છીએ. આપણને કુદરત દ્વારા મળેલ ભેટ સમૂહમાં અમુક મર્યાદાઓ પણ હોય જ છે. એટલે જ તો આપણી પાસે દરેક ક્ષેત્રમાં સફળ થવા માટેના બધાજ ગુણો ઉપલબ્ધ નથી.


ટૂંકમાં અહીં એ સિદ્ધ થાય છે કે હું અને તમે આ દુનિયામાં કંઈક અલગ નવું કરવા માટે અવતર્યા છીએ તો ચાલો આપણને મળેલ ઉત્તરદાયિત્વને પૂર્ણ કરીએ.


ડૉ. અતુલ ઉનાગર
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ