“ટ્વિંકલ- ટ્વિંકલ લિટલ સ્ટાર” માંથી “હાથી ભાઈ તો જાડા” ભણાવવાનું હવે આપણને ક્યારે ફાવશે !!
શિક્ષણ સુધારણાના સરકારના આ નિર્ણયમાં આપણી માસીભાષા “અંગ્રેજી” ને થોડે ઘણે અંશે ઓછી કરી આપણા બાળકને પાયાનું “માતૃભાષા” નું શિક્ષણ આપી શકીશું ખરા !!
એક બાળક હતું. ત્રણ વર્ષનું થયું ત્યારે તેના ત્યારે તેના માતા- પિતાએ વિચાર્યું. અત્યારે તો ગુજરાતી મીડીયમ માં ભણવાનો તો ક્રેઝ નથી. આપણે તેને ઈંગ્લીશ મીડીયમમાં બેસાડીયે તે ઈંગ્લીશ મીડિયમમાં ભણવા ગયું. તે તેના કાર્યકાળ દરમ્યાન અભ્યાસમાં નબળું જ રહ્યું. માંડ- માંડ તેણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું અંતે તેને 1 થી 5 ધોરણ ભણાવવાની શહેરની ખ્યાતનામ સ્કૂલમાં નોકરી મળી. તે છેલ્લા દસ વર્ષથી આ સ્કૂલમાં ભણાવતું હતુ. હવે આ નિર્ણય આવવાથી તે શું કરશે ! જેણે ગુજરાતીમાં ક થી જ્ઞ સુધીની બારખડી એના જીવનમાં કદીય શીખી નથી એ શું ધોરણ 1 થી 5 ના વિષયો ગુજરાતીના લેશે ખરા !
આ તો થઈ વાત અંગ્રેજી માધ્યમમાં ભણેલા શિક્ષકોની. પણ હવે વાત કરીયે શુદ્ધ ગુજરાતીમાં જ ઘરમાં અને બહાર બોલતા આવા કેટલાય નાના-નાના ટબુડીયાઓ ના વાલીઓની. તો તેઓ નાનપણથી જ બાળકને આપણા દેશના રાષ્ટીય પ્રાણી કે રાષ્ટીય પક્ષીને ગુજરાતીને બદલે અંગ્રેજીમાં જ બોલાવવાની ટેવ પડાવે છે . જાણે બાળકને નામ આવડતા જ હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમીશન ન મળી જવાનું હોય ? છોકરાઓ જો ભૂલથી પણ કોઈ વસ્તુનું નામ ગુજરાતીમાં બોલી દે, કે તરત જ એને ટો’ કે ‘તારે ઈંગ્લીશ મીડિયમમાં ભણવાનું છે, ગુજરાતી માં નહીં' એનો મતલબ એમ કે તારે હંમેશ માટે માસી (અંગ્રેજી) પાસે રહેવાનું છે 'માં' (ગુજરાતી) ને ભૂલી જ જવાની છે ! દેશની માતૃભાષા કે રાષ્ટ્રભાષા પસંદ નહિ કરીને આપણે અત્યારે આપણી માસીભાષા અંગ્રેજી પસંદ કરી લીધી છે. હમણાં જ થોડા દિવસો પહેલા જ એક પત્રકારે ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સાઇટમાંથી ગુજરાતીની ઉડીને આંખે વળગે એવી અસંખ્ય ભૂલો કાઢી બતાવી ! આ પરથી વિચાર આવે કે ગુજરાતીના શિક્ષણવીદ્યો જ જો આવી ભૂલો કરે તો બાકીનાઓનું તો કહેવું જ શું?
ચાણક્યએ તેના પુસ્તક "ચાણક્ય નીતિ" માં ઉલ્લેખ્યું છે કે "કોઈપણ દેશની સફળતાનો આધાર એ દેશની ભાષા પર રહેલો છે". તેઓની કહેલી કેટલીય વાતો આજે પણ બોધપાઠ લેવાં જેવી છે જરા વિચારીએ કે ચીન, અમેરિકા, ઇંગ્લેન્ડ વગેરે જેવા દેશો આટલા સમૃદ્ધ કેમ છે? કદાચ તેઓની ભાષાને કારણે જ ! જયારે આપણે આપણી ભાષા સમૃદ્ધ હોવા છતાં પણ ખોટા દેખાવો કરવા આપણે પરદેશી ભાષા તરફ આકર્ષાય છીએ આપણે પરદેશી રીતભાતથી એટલા અંજાઈ ગયા છીએ કે આપણી માતૃભાષાનું ગૌરવ લેવાનું જ કયાંક આપણને તુચ્છ લાગવા માંડ્યું છે !
અનેક સંશોધનોમાં એ પ્રમાણિત થયું છે કે બીજા અનેકો દેશની ભાષા કરતા આપણી ભાષા પ્રમાણમાં અઘરી છે. કોઈપણ દેશની ભાષા બોલવામાં એ મજા નથી જેટલી આપણા દેશની ભાષાઓ બોલવામાં છે.
આજે વિશ્વ ટેક્નોલોજીની દ્રષ્ટિએ આગળ વધતું જાય છે અને અંગ્રેજી આ વધતા વિકાસના પાયામાં છે. તો ભારતની ગુજરાતી કે હિન્દી પણ કઈ ઓછી ઉતરતી નથી ! આજે વિશ્વની ચોથી અજાયબી પ્રત્રકારત્વ ભારત દેશની ટેક્નોલોજીની દ્રષ્ટિએ ભારતીય ભાષાઓથી મજબૂત રીતે વરેલી છે જ ને! આજે સ્પષ્ટ રીતે આપણી ભાષાનું ગૌરવ લેતા દરેક વ્યક્તિને સમાજમાં સમ્માનજનક સ્થાન મળે જ છે ને ! હવે તો સ્પોટ્સ ચેનલોવાળાઓએ પણ આપણી આ ભાષાઓના ગુણગાન ગાવાના ચાલુ કરી જ દીધા છે. તો આપણે ક્યારે આ પરદેશી મદ ભાષાના વ્યર્થ અહંકાર માંથી મુક્ત થઈશું !
હવે સરકારના આ નિર્ણય પછી તો ફરજીયાત 1 થી 5 ધોરણ માતૃભાષામાં ભણાવવાનું છે તો જોવાનું રહ્યું કે આપણે બાળકોને સાચા માતૃભાષાના પાઠ ભણાવી શકીશું કે નહીં !!
મંતવ્ય
પ્રણવ પરીખ