ગુજરાતમાં આગામી 5 દિવસમાં ક્યાં પડશે વરસાદ, વેઘર વોચ ગૃપની બેઠક યોજાઈ
- ગાંધીનગર ખાતેથી વેધર વૉચ ગ્રૃપની બેઠક યોજાઈ
- છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે આ વર્ષે ખરીફ પાકોનું ૧૦૧.૮૭ ટકા વાવેતર થયુ
- ગુજરાતની જીવાદોરી સમાન
સરદાર સરોવર જળાશયમાં કુલ સંગ્રહ શકિતના ૯૧.૦૭ ટકા
જળ સંગ્રહ
- આગામી પાંચ દિવસમાં ગુજરાત રીજીયનમાં કયાંક કયાંક હળવો વરસાદ થઇ શકે છે
રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. આ વેબીનારમાં આગામી પાંચ દિવસમાં ગુજરાત રીજીયનમાં કયાંક કયાંક હળવો વરસાદ થઇ શકે છે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તે ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે આ વર્ષે ખરીફ પાકોનું ૧૦૧.૮૭ ટકા વાવેતર થયુ હોવાનું કૃષિ વિભાગના અધિકારીએ કહ્યુ છે.
વેધર વોચ ગૃપના વેબીનાર અંગે વિગતો આપતા રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી ૨૫ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૭૮ મીમી સુધી વરસાદ નોંધાયો છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકામાં સૌથી વઘુ ૭૮મીમી વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી તા.૨૯/૦૯/૨૦૨૦ અંતિત ૧૧૧૮.૩૦ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની સરેરાશ ૮૩૧ મીમી ની સરખામણીએ ૧૩૪.૫૭ ટકા છે.
IMDના અધિકારીશ્રી દ્વારા આ બેઠકમાં જણાવાયુ છે કે, આગામી પાંચ દિવસમાં ગુજરાત રીજીયનમાં કયાંક કયાંક હળવો વરસાદ થઇ શકે છે. તે સિવાય રાજયમાં અન્ય જગ્યાએ વરસાદ થવાની શક્યતા નહિવત છે.
બેઠકમાં કૃષિ વિભાગ દ્વારા જણાવાયું હતું કે, ચાલુ વર્ષે તા.૨૮/૦૯/૨૦૨૦ સુધીમાં અંદાજીત ૮૬.૪૯ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૮૬.૨૦ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૧૦૧.૮૭ % વાવેતર થયુ છે.
સિંચાઇ વિભાગ દ્વારા આ બેઠકમાં જણાવાયું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં હાલ ૩,૦૪,૨૩૨ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૯૧.૦૭ ટકા છે. રાજયનાં ૨૦૫ જળાશયોમાં ૫,૩૨,૩૮૭ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૯૫.૫૭ ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ - ૧૭૭ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૫ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર ૦૫ જળાશય છે.
વિપુલ ચૌહાણ/ભરત ગાંગાણી