બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ઈશ્વરે સૌને આપેલી કઈ ભેટ આપણી જીવનયાત્રાને અર્થપૂર્ણ બનાવી શકે?

એકવાર એક યાત્રિકે એક વૃદ્ધને માર્ગ પૂછતાં કહ્યું આ રસ્તો ક્યાં જાય છે? વૃદ્ધે સામે સવાલ કર્યો કે આપને ક્યાં જવાનું છે? મુસાફરે કહ્યું યાત્રાનું કોઈ ખાસ પ્રયોજન નથી. પછી પેલા વૃદ્ધે જવાબ આપ્યો કે તો પછી આપ કોઈપણ રસ્તે જશો કંઈ જ ફરક નથી પડતો. અહીં વૃદ્ધે એ સમજાવ્યું છે કે મંજિલ વગરની મુસાફરી નકામી છે. ખરેખર તો મુસાફર જે યાત્રા માટે પ્રયાણ કરી રહ્યોં હોય છે, તે તો પોતાના પ્રયાણ પહેલાં જ જ્યાં પહોંચવાનું છે તે અંતિમ ગન્તવ્યનો નિર્ણય કરી લે છે. મુસાફર તે બરાબર જાણતો હોય છે કે તે ખરેખર ક્યાં પહોંચવા ઈચ્છે છે.

 

કોઈ પણ મુસાફરને અંતિમ ગંતવ્ય સ્થાનની ખાતરી કરવી અત્યંત જરૂરી છે. જે ધ્યેયના અંતિમ બિંદુ પર પહોંચવું છે તે લક્ષ્યનું દર્શન થયેલું હોવું જોઈએ. જીવન પર્યન્ત તનતોડ પરિશ્રમ કરીને જે ફળ પ્રાપ્ત થવાનું છે તે ખરેખર તમે ધારેલું છે તે તેવું જ શ્રેષ્ઠતમ છે કે નહીં તેની સંપૂર્ણ સ્પષ્ટતા થવી જરૂરી છે. 


જીવનભર પુરુષાર્થ કરીને જિંદગીનો બધોજ સમય જેને માટે ખર્ચ્યો હોય તે મળેલ ફળ એટલું બધું સંતોષકારક સાબિત ના થાય તો? જીવનનો ઉપયોગ કલ્પેલા કામમાં નથી થયો એવું અંતિમ ધ્યેય પર પહોંચીને ખબર પડે તો? વિચાર કરો... કેવો પસ્તાવાનો વારો આવે? અને પછી જીવનને અંતે કશું જ સુધારવું શક્ય બનશે નહીં આથી કાર્યનો આરંભ કરતાં પહેલાં અંતિમ લક્ષ્યના ફળનું દર્શન થઈ જાય તો કેવું રૂડું?


અંતિમ પરિણામનાં દર્શન પછી ખરેખર આપણને નક્કી કરેલા પરિણામથી પરમ સંતોષની અનુભૂતિ થવી જરૂરી છે. અંતિમ પરિણામનાં દર્શન જે આપણી જીવન સાધના છે તે દેશ - દુનિયાને ઉપયોગી સાબિત થતી જોવી જરૂરી છે. આ દર્શનથી થયેલ અન્તર્આત્માના આનંદની અનુભૂતિને જીવનભર નજર સમક્ષ રાખીને જીવન કાર્ય કરવાનો આનંદ જ અનેરો હોય છે. આ દર્શન જ આપણા ઉત્સાહમાં સતત વધારો કરવા માટે શક્તિમાન બની રહેશે.


શું એવું બને કે આજે જ એટલે કે કામના આરંભ પહેલાં જ આપણું નિશ્ચિત ગન્તવ્ય સ્થાનનું દર્શન આપણને થઈ જાય? હા, એવું સંભવ છે કે આપણા પ્રસ્થાન પહેલા જ અંતિમ ફળથી અવગત જરૂર થઈ શકાય છે. ઈશ્વરે સૌને આપેલી ''કલ્પનાશક્તિ'' નામની ભેટ આપણી જીવનયાત્રાને અર્થપૂર્ણ બનાવી શકે છે. વિચારથી પરિણામ સુધીની યાત્રા દરમિયાન ક્રિયા ત્રણવાર સંપન્ન થતી હોય છે. એક ઉદાહરણ લઈએ તો વધારે સ્પષ્ટ થશે. કોઈ ભવન નિર્માતા સૌ પ્રથમ ભવનનું નિર્માણ મનમાં કાલ્પનિક રીતે જ ખડું કરશે, ત્યાર બાદ તે કલ્પેલા ભવનને કાગળ પર ચિત્રાત્મક રીતે ઉતારશે, ત્યારબાદ ત્રીજા ક્રમે ભૂમિ પર તેનું વાસ્તવિક નિર્માણ કરશે. આ ક્રમથી જ કોઈ પણ ક્રિયા ત્રણવાર થતી હોય છે. પણ અહીં એ પ્રશ્ન ઊભો થાય છે કે યાત્રાની શરૂઆત પહેલાં જ અંતિમ મંજિલનું દર્શન કેવી રીતે થઈ શકે? આનો પણ ઉત્તર અહીં મળી જશે.


કલ્પનાસૃષ્ટિ એ એક અનોખી દિવ્ય શક્તિ છે. આ શક્તિથી આપણે આપણા જીવનકાર્યને કાલ્પનિક જગતમાં ચોકસાઈ પૂર્વક પૂર્ણ કરીને તેના અંતિમ પરિણામને જોઈ શકીએ છીએ. આ સૃષ્ટિ અભૌતિક અને અવાસ્તવિક હોય છે. આ સૃષ્ટિના નિર્માતા આપણે પોતે જ હોઈએ છીએ. આ કાલ્પનિક પ્રક્રિયા જો ખૂબજ ગંભીરતાપૂર્વક કરવામાં આવે તો તેનું પરિણામ સચોટ અને પૂર્ણ જ મળે છે. આપણે આપણા જીવન ધ્યેયને ફલશ્રુતિ સુધી પહોંચતાં જોઈ શકીએ છીએ.


આ કલ્પના શક્તિ એ દરેક માનવને મળેલી દિવ્ય ભેટ છે. આ કલ્પનાશક્તિનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ સાધક પોતાના જીવન કાર્યને સૌથી પહેલાં અંજામ સુધી પહોંચતું જુવે છે. પછી આ અંજામ સુધી પહોંચાડેલાં કાર્યના પરિણામનો આલેખ તૈયાર કરે છે. આ લેખમાં ફલશ્રુતિનો ખૂબ જ સૂક્ષ્મ અભ્યાસ કરવા માટે તે દરેક પાસાઓને અલગ અલગ રીતે તારવે છે. આમ કાર્યારંભ પહેલાં જ પરિણામનું દર્શન કરીને તેની સમીક્ષા કરે છે.


આપણે આપણા જીવનના અંતિમ ધ્યેયથી અવગત કરાવતી એક પ્રક્રિયા કરીશું. સૌ પ્રથમ આપ કોઈ એક રમણીય જગ્યા પસંદ કરો, આ પ્રક્રિયાને સારી રીતે કરવાં માટે પૂરા દિવસનો અનુકૂળ સમય અપેક્ષિત છે. નોંધ તૈયાર કરવા માટે નોટ પેન સાથે હોવી અનિવાર્ય છે. શાંત વાતાવરણમાં શાંત મનથી પ્રક્રિયાનો આરંભ કરો. આ દિવસે ઈશ્વરે આપેલી દિવ્ય કલ્પનાશક્તિનો બરાબર ઉપયોગ કરવાનો છે.


કાર્યના આરંભથી માંડીને અંતિમ ધ્યેયનાં સાક્ષાત્કાર સુધીની યાત્રા અને પરિણામનું દર્શન કરવાનું છે. ત્યારબાદ યાત્રા દરમિયાન ઘટેલી દરેક નાની મોટી ઘટનાઓ અને ક્રિયાઓની નોંધ તૈયાર કરો. આપના નાનામાં નાના વર્તનને બરાબર તપાસો, દરેક ઘટકો અને પાસાંઓની મુદ્દાસર નોંધ તૈયાર કરી તેનો ઊંડાણમાં અભ્યાસ કરો.


આપના જીવન ધ્યેયના અંતિમ ફળનાં દર્શન કરવાં અનિવાર્ય છે. કેમકે આપ પૃથ્વી પર જે કામ માટે અવતર્યા છો, તે કાર્ય વિશ્વ માટે કેટલું અનિવાર્ય છે તેની અનુભૂતિ આપને ઊર્જા પૂરી પાડશે. આ પ્રયોગ આપને નાનામાં નાની અને એમાંથી પણ સૂક્ષ્મ પ્રક્રિયાઓનું ચિત્ર નજર સમક્ષ ખડું કરી આપશે. આપ સંપૂર્ણ પ્રક્રિયાથી પૂરેપૂરા પરિચિત થઈ જશો.

એ પણ એક સનાતન સત્ય છે કે જે ક્ષેત્રથી આપણે પરિચિત હોઈએ છીએ તે ક્ષેત્રમાં પછી આપણે ક્યારેય પણ ભૂલા પડતા નથી. કલ્પના શક્તિનો ઉપયોગ કરીને ધ્યેયનું દર્શન કરવું તે તમામ પક્ષે આપના હિતમાં છે. આપ એ હંમેશા યાદ રાખજો કે જેને આપ જોઈ શકતા નથી તેને પામી પણ શકતા નથી.


ડૉ. અતુલ ઉનાગર
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ