શ્રી નીતિનભાઈ પટેલને કેમ વેંત છેટું રહી જાય છે...?
સતત ત્રીજી વખત એવું બન્યું કે નીતિનભાઈ પટેલને ગુજરાતના મુખ્યમંત્રીપદથી એક વેંત છેટું રહી ગયું. ગુજરાતના નવા બનેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તો, નીતિનભાઈ પટેલથી ઘણા જુનિઅર કહેવાય. ધારાસભ્ય તરીકે તેમની હજી પહેલી જ ટર્મ છે. તેની સામે નીતિનભાઈ પટેલ 1990થી ગુજરાત વિધાનસભામાં છે, અનેક મહત્ત્વનાં કેબિનેટ ખાતાં સંભાળી ચૂક્યા છે, અરે 2016થી તો તેઓ નાયબ મુખ્યમંત્રી પણ છે. મુખ્યમંત્રી બનવાની તમામ સજ્જતા, પ્રતિભા, વહીવટી સૂઝ, અનુભવ, યોગ્યતા તમામ તેમનામાં હોવા છતાં કેમ તેઓ મુખ્યમંત્રી ના બની શક્યા ? સતત ત્રણ વખત તેમના મોં સુધી આવેલો કોળિયો કેમ પાછો ગયો ?
એનાં કારણો જોઈએ તે પહેલાં તેમના જાહેરજીવનની ઝલક જોઈએઃ
***
શ્રી નીતિનભાઈ પટેલ એટલે કડી વિસ્તાર એમ કહેવાય છે પણ તેમનું વતન વિસનગર છે. તેમનો જન્મ વિસનગરમાં થયો હતો. (જન્મ 22મી જૂન, 1956) તેમના દાદા ગર્ભ શ્રીમંત હતા. ટૂંકમાં પરિવાર સમૃદ્ધ હતો. નીતિનભાઈ પટેલ એસ.વાય. બી.કોમ સુધી જ ભણ્યા છે. ધંધામાં જોડાવા તેમણે ભણવાનું છોડી દીધું હતું. તેમણે કાલાં-કપાસ અને તેલનો ધંધો શરૃ કર્યો હતો. તેઓ ઝડપથી સાર્વજનિક સેવામાં આવી ગયા હતા. માત્ર 18 વર્ષની વયે, 1974માં તેઓ કડી તાલુકા નવનિર્માણ સમિતિના મહામંત્રી બન્યા હતા. આમ તેઓ નવનિર્માણ આંદોલનની પેદાશ છે એમ કહી શકાય. 21 વર્ષની વયે, 1977માં તેઓ કડી નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. એ પછી તો 1988માં બીજી વખત પણ પ્રમુખ બન્યા હતા.
1990માં તેઓ ભાજપમાંથી, કડી વિધાનસભામાં ચૂટાયા. પાંચ વર્ષ ધારાસભ્ય તરીકે સફળ કામગીરી કર્યા પછી તેઓ 1995માં પુનઃ ગુજરાત વિધાનસભામાં ચુંટાયા. પહેલી જ વખત તેમને મંત્રીપદ મળ્યું અને તે પણ કેબિનેટમાં. 1995થી 2021, જ્યારે જ્યારે, થોડા અપવાદને બાદ કરતાં, ભાજપની સરકાર હતી તેઓ સતત વિવિધ ખાતાનાં મંત્રી બનતા રહ્યા અને કામ કરતા રહ્યા.
તેમણે નાણાં, આરોગ્ય, રોડ અને રસ્તા, પાટનગર યોજના, નર્મદા, કલ્પસર, કૃષિ, પરિવહન, વ્યાપાર એમ ઘણાં મહત્ત્વનાં ખાતાં સંભાળ્યાં. 2016થી તેઓ નાયબ મુખ્ય મંત્રી બન્યા. તેમણે નાણા મંત્રી તરીકે ઘણી વખત બજેટ પણ રજૂ કર્યું.
તેઓ ચાર વખત કડી વિધાનસભા વિસ્તારમાંથી અને બે વખત મહેસાણા વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટાયા છે.
શ્રી નીતિનભાઈ પટેલનાં જમા પાસાં ઘણાં છે.
શ્રી નીતિનભાઈ પટેલની લોકનિષ્ઠા અને લોકાભિમુખતા મજબૂત હોવાનું કહેવાય છે. તેઓ સતત લોકોની વચ્ચે રહે છે. થાક્યા વિના લોકો સાથે ઘરોબો રાખીને તેમની સમસ્યાઓનો હલ લાવવા પ્રયાસ કરતા રહે છે તેવી સામાન્ય છાપ છે. તેઓ લોકોના માણસ છે. તેમને વ્યાપક અને ગહન લોક સમર્થન મળતું રહ્યું છે આ તેમનું સાૈથી મોટું જમા પાસું છે. પ્રજાના કોઈ પણ પ્રતિનિધિ માટે આ ઓળખ જ સાૈથી મહત્ત્વની ગણાય.
તેમને અપાયેલી જવાબદારી તેમણે સારામાં સારી રીતે નિભાવી છે એ તેમની બીજી સજ્જતા. તેમને કોઈ પણ ખાતું સોંપાયું હોય તો તેઓ તેને પૂરતો ન્યાય આપે. તેમનામાં જે તે વિષયને સમજીને યોગ્ય રીતે કામ કરવાની આવડત અને સૂઝ છે.
તેમનો વટ ભારે તો સાથેસાથે તેમની વહીવટ પર પકડ છે. વટ અને વહીવટને જાણે સીધો સંબંધ છે. વટ વગરના મંત્રીઓને સનદી અદિકારીઓ ગાંઠતા નથી એવું કહેવાય છે. સનદી અધિકારીઓ પાસેથી ધાર્યું કામ લેવા આકરું અને કડક થવું જ પડે છે. ચીમનભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્રભાઈ મોદી કે આનંદીબહેન પટેલ તેનાં ઉદાહરણો છે. આ નેતાઓ અધિકારીઓને ઊભા પગે રાખતા એવું કહેવાય છે. કેશુબાપા કડક નહોતા. સુરેશ મહેતાની છાપ પણ મહેતો મારે નહીં અને ભણાવે નહીં તેવી હતી.
શ્રી નીતિનભાઈ પટેલની છાપ અધિકારીઓ પાસેથી કામ શકવાની છે. પોતે સખત કામ કરે અને કરાવે પણ ખરા. કોરોનાના કપરા કાળમાં નીતિનભાઈ પટેલે કરેલી કામગીરીની ભલે નોંધ ઓછી લેવાઈ હોય બાકી મોટી ઉંમરે, જોખમ લઈને તેઓ સતત દોડતા જ રહ્યા. બીજા મોજામાં રાજ્ય તંત્ર થાપ ખાઈ ગયું એ મર્યાદાને બાદ કરતાં તેમણે રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે ઉત્તમ કામ કર્યું.
શ્રી નીતિનભાઈ પટેલના નામ સાથે કોઈ કાૈભાંડ જોડાયું નથી. રાજકારણીઓ પૈસા ના બનાવે એ વાતમાં તો કોઈ માલ હોય નહીં, પણ નીતિનભાઈ પટેલની છાપ એક સ્વચ્છ નેતા તરીકેની રહી છે. ગુજરાત ભાજપના ઘણા મંત્રીઓ કે મુખ્યમંત્રીનાં નામ ભ્રષ્ટાચારમાં ખુલ્લેઆમ બોલાય છે. તેમણે કરેલા ભ્રષ્ટાચારની કથાઓ ગુજરાતના ગામેગામ ચાલે છે. કોઈ રાજનેતાઓ જમીનના રાજા તો કોઈ બિલ્ડરોને સાચવીને કરોડો બનાવવામાં પાવરધા.. આ બધા માહોલ વચ્ચે નીતિનભાઈ પટેલ કોરા રહ્યા છે. તેમની રાજકીય કારકિર્દી પર કોઈ ડાઘ નથી. આ મોટી વાત કહેવાય કારણ કે તેમણે લાંબો સમય મોટાં મોટાં ખાતાં સંભાળ્યાં.
તેઓ સ્પષ્ટવક્તા છે અને મોઢા પર કહી દેનારા છે. આ તેમની વિશેષતા જ તેમને રાજકારણમાં આગળ વધવા દેતી નથી. પટેલોની જીભ કડવી હોય છે એ હકીકત છે. પટેલમાં પેટમાં રાખી ના શકે એ બોલીને ખાલી થઈ જાય. એવુંય નથી કે બધા પટેલ નેતાઓ આવા હોય છે. ઘણા પટેલ રાજનેતાઓ ઓછું બોલનારા અને સ્પષ્ટ ના બોલનારા પણ હોય છે. નીતિનભાઈ પટેલ અત્યારે જ્યાંથી ચૂંટાય છે તે મહેસાણા વિધાનસભા લડનારા અને રાજ્યના પૂર્વ ઉદ્યોગ મંત્રી અનિલભાઈ પટેલને યાદ કરો. એ જિંદગીમાં એક પણ વાર, કોઈને ખરાબ લાગે તેવું કડવું નહીં બોલ્યા હોય. હા, આનંદીબહેન પટેલ કડવું (એને ક્યારેક તોછડું) બોલવા માટે જાણીતાં. નીતિનભાઈ પટેલ એટલું બધુ કડવું ના બોલે, પણ કોઈને સારું લગાડવાની વાત તેમના સ્વભાવમાં જ નહીં. જે હૈયે તે હોઠે. તેઓ ગોળ-ગોળ બોલે પણ નહીં, કોઈની આગળ-પાછળ ગોળ-ગોળ ફરે પણ નહીં અને કોઈને ગોળ ગોળ ફેરવે પણ નહીં. જે હોય તે તરત કહે. જે હોય તે જ કહે. કોઈને ખોટું લાગી જશે તેવી ચિંતા તેઓ કરે નહીં.
જીવનમાં કદાચ આ ગુણ ગણાતો હશે, પણ રાજકારણમાં તો તે અવગુણ પણ બને. રાજકારણની ચોક્કસ જરૃરિયાતો હોય છે. તમે સાચા કે સારા હોવ તો તેવું દેખાવું પણ પડે છે. રાજકારણમાં સાૈને સાથે રાખીને ચાલવું પડે છે. એ માટે જાતને કેળવવી જ પડે છે. જ્યારે ખોટા લોકોને કે તમારાથી નબળા લોકોને સાથે રાખીને ચાલવાનું થાય ત્યારે મોટી કસોટી થતી હોય છે. એ વખતે મનને મારીને કામ કરવું પડે છે.
શ્રી નીતિનભાઈ પટેલ કદાચ એમ નથી કરી શકતા. એ પ્રેકટીકલી રાજકારણી બની શકતા નથી. તમે જુઓ ભુપેન્દ્રભાઈ પટેલના નામની કમલમ્ માં જાહેરાત થઈ પછી તેઓ તરત નિર્ધારિત લોક-કાર્યક્રમ માટે નીકળી ગયા. એ વખતે તેમણે મીડિયાને કહ્યું કે હું અત્યારે કાંઈ કહેવા માગતો નથી. એ પછી મહેસાણામાં તેમણે કહ્યું કે હું જનતાના હૃદયમાં છું અને મને ત્યાંથી કોઈ હટાવી નહીં શકે.
એવી કલ્પના કરીએ કે જો આના આ નીતિનભાઈએ પોતાના સ્વભાવ થોડો બદલ્યો હોત તો ? સ્પષ્ટવક્તા અને આખાબોલાપણાને સંયમિત રાખ્યું હોત તો ? તો કદાચ, ઘણાને એવું લાગશે કે તેઓ ક્યારનાય ગુજરાતના મુખ્યમંત્રી થઈ ગયા હોત. ત્રણ ત્રણ વખત તેમને એક વેંત છેટું રહી ગયું તેવું ના જ બન્યું હોત..
તેઓ મુખ્યમંત્રીપદ સુધી ના પહોંચી શક્યા તેનું એક મહત્ત્વનું એ કારણ કે તેઓ પક્ષને વફાદાર રહ્યા, તેમણે કદી પોતાનું જૂથ ના બનાવ્યું. ટોચ પર પહોંચતા નેતાઓનું પોતપોતાનું (મોટા ભાગે) જૂથ હોય છે. શ્રી નીતિનભાઈ પટેલે પોતાનું જૂથ ના બનાવ્યું. તેઓ કાયમ એમ જ માનતા રહ્યા કે પક્ષ મારી યોગ્યતા અને ક્ષમતા જોઈને જવાબદારી સોંપશે. જો તેમણે પોતાનું જૂથ બનાવ્યું હતું તો સ્થિતિ જુદી હોત ?
કોઈ પણ રાજકીય પક્ષ હોય, તેણે અનેક બળ અને પરિબળ ધ્યાનમાં રાખીને નિર્ણયો કરવા પડતા હોય છે. એના કારણે જ જાહેરજીવનમાં અનેક વખત એવું બનતું હોય છે કે યોગ્ય વ્યક્તિઓને યોગ્ય જવાબદારી મળતી નથી. આવું શ્રી નીતિનભાઈ સાથે જ પહેલી વખત થયું છે એવું પણ નથી. આવી સ્થિતિનો અનેક લોકો ભોગ બન્યા છે. અનુભવી અને સક્ષમ લોકો રહી જાય.
સાૈથી છેલ્લો અને અગત્યનો મુદ્દોઃ શું લોકસેવા કરવા માટે મુખ્યમંત્રી થવું અનિવાર્ય છે ? બરાબર છે તમે શાસનમાં હોવ તો ઝડપથી લોકોનાં કામ કરી શકો, પણ એના માટે તમારે મુખ્યમંત્રી બનવું જ પડે એવું તો નથી. ઘણી વાર મીડિયા સહિતનાં આધુનિક માધ્યમો આવા ભ્રમો ઊભા કરે છે, જેની જરૃર ના હોય તેવી હાઈપ ઊભી કરે છે. જે પ્રજાનો પ્રતિનિધિ છે તે તો પ્રતિનિધિ જ રહેવાનો. તે પોતાને મળેલી સત્તાનો ઉપયોગ કરીને કામો કરવાનો જ. કાલે ઊઠીને ધારો કે નીતિનભાઈ સરકારમાં નહીં હોય તો પણ તેઓ લોકોનાં કામ તો કરતા જ રહેવાના. સરકારમાં નહોતા ત્યારે પણ એ નિષ્કિય રહ્યા જ નથી. એ રહી જ ના શકે કારણ કે એ એમનો સ્વભાવ જ નથી.
અને એ જ સાચો ભાવ છે. એ જ સાચી સ્થિતિ છે. એવું જ હોવું જોઈએ.
હવે શું ?
પહેલી શક્યતા તો એ છે કે તેમને મંત્રીમંડળમાં ચાલુ રખાય અને તેમના અનુભવનો લાભ લેવાય.
બીજી શક્યતા એ છે કે નવા મંત્રીમંડળમાં સ્થાન આપવાને બદલે કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવી દેવાશે. એમનો સ્વભાવ જોતાં તેઓ આવું પદ સ્વીકારે કે ના સ્વીકારે એ પણ ચર્ચાનો મુદો છે.
ખરેખર તો તેમની સજ્જતા અને અનુભવનો ભાજપે કે પછી સરકારે લાભ લેવો જોઈએ. પદ હોય કે ના હોય વ્યક્તિ તેના અભાવમાં રદ થઈ જતી નથી. સંજોગોવસાત્ જો વ્યક્તિને પદ ના સોંપી શકાય તેમ હોય તો કોઈ ચોક્કસ જગ્યા ઊભી કરીને તેમના અનુભવનો લાભ લેવો જોઈએ.
તેમના મત વિસ્તારના એક સ્થાનિક નાગરિક કહે છે કે રાજ્યપાલ બનવાને બદલે તેમણે ગ્રેસફૂલી સક્રિય રાજકારણમાંથી વિરામ લેવો જોઈએ અથવા તેમાંથી બહાર નીકળી જવું જોઈએ અને હવે સીધાં લોકોનાં કાર્યો કરવાં જોઈએ. એમાંથી તેમને લોકોની જે દુઆઓ મળશે અને જે સંતોષ મળશે એ બીજે ક્યાંયથી નહીં મળે..
આલેખનઃ રમેશ તન્ના