બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

આખરે શું છે જગન્નાથ મંદિર નું રહસ્ય ? શા માટે દર 12 વર્ષે બદલવામાં આવે છે પ્રભુ શ્રી જગન્નાથજીની પ્રતિમાઓ?

મારા તમામ વાચકમિત્રોને જય જગન્નાથ.

આજના આ લેખનું શીર્ષક વાંચીને આપ જાણીજ ગયા હશો કે આજે હું તમને ઘરે બેઠા ભગવાન શ્રી જગન્નાથ ના દર્શને લઈ જઈ રહી છું, તો તમારા શરીરને યથાસ્થાને છોડી મન-મસ્તિષ્કને તૈયાર કરો અને ચાલો મારી સાથે જગન્નાથજીના દરબારમાં . .

મિત્રો મને ખાતરી છે કે આજે હું તમને જે રહસ્યોની વાત કરવાની છું, તે આપને કોઈને નહીં ખબર હોય, તો આવો જાણીએ શું છે એ રહસ્યની વાતો, કે શા માટે દર 12 વર્ષે ભગવાન શ્રી જગન્નાથજીની પ્રતિમાઓ બદલવામાં આવે છે.

જ્યારે પ્રભુ શ્રી કૃષ્ણએ પોતાનો માનવ દેહનો ત્યાગ કર્યો અને તેમના અગ્નિસંસ્કાર બાદ તેમનું આખું શરીર પંચ મહાભૂતોમાં ભળી ગયું. પરંતુ તેમનું હૃદય સામાન્ય મનુષ્યની જેમ અવિરત પણે ધબકતું હતું, અને કહેવાય છે કે તે હૃદય આજ દિન સુધી સુરક્ષિત છે. 

મહાતીર્થ પૂરી (ઓરિસ્સા)માં ભગવાન શ્રી જગન્નાથની કાષ્ઠ પ્રતિમામાં  ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય આજે પણ ધબકે છે. મિત્રો આ વાત અવિશ્વસનીય છે, પણ આદિ અનાદી કાળથી શ્રી જગન્નાથ પુરીમાં ચાલ્યા આવતા પૂજા અનુષ્ઠાનો અને રિવાજોને જોતા ઉપરોક્ત વાત નકારી શકાય નહિ. મહાપ્રભુ શ્રી જગન્નાથ કળીયુગના ઈશ્વર કહેવામાં આવે છે. સ્વામી જગન્નાથ તેમના ભગિની સુભદ્રા અને ભાઇ શ્રી બલરામ સાથે ઓરિસ્સાના પુરી માં વિરાજમાન છે. પરંતુ આ તીર્થ નું એક રહસ્ય એવું છે જે ખુબજ ઓછા લોકો જાણે છે.

રહસ્યની વાત તો દર 12 વર્ષે જગન્નાથપુરીમાં યોજાતા એક અનોખા પુજા અનુષ્ઠાન ને લઈને છે. આ અનુષ્ઠાન એ હદે રહસ્યમય રીતે કરવામાં આવે છે કે જેને લઇ ને આપણા મન માં કુતુહલતા વશ અનેકો સવાલો ઉભા થાય, જેમકે આ અનુષ્ઠાન દરમિયાન આખા પુરી શહેરને અંધકારમય કરી નાખવામાં આવે છે. આખા શહેરની વીજળી વીજતંત્ર દ્વારા ઠપ કરી દેવામાં આવે છે, વધુમાં સમગ્ર મંદિર સંકુલને સીઆરપીએફ અને સૈન્ય દ્વારા ઘેરી લેવામાં આવે છે. તથા મંદિરમાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવતો નથી. 

આ સમગ્ર અનુષ્ઠાન દરમિયાન મંદિર પરિસરની અંદર અને ગર્ભગૃહમાં ગાઢ અંધકાર રાખવામાં આવે છે. તદુપરાંત અનુષ્ઠાનમાં સંમેલિત થનાર પૂજારીઓ ના આંખે પાટા બાંધી દેવામાં આવે છે. પૂજારીને કશું નથી દેખાતું તેની ચોકસાઈ કર્યા બાદ તેમને મંદિરના ગર્ભગૃહમાં લઈ જવામાં આવે છે ત્યારબાદ પ્રભુ શ્રી જગન્નાથની મૂર્તિ માં રહેલા  દિવ્ય પદાર્થને નવી મૂર્તિ માં પ્રસ્થાપિત કરવામાં આવે છે. તે પદાર્થ શું છે અને કેટલા સમયથી ભગવાન શ્રી જગન્નાથની મૂર્તિ માં પ્રસ્થાપિત કરવામાં આવે છે તે કોઈ જ જાણતું નથી. બસ આદી અનાદીકાળથી છે આ પ્રક્રિયા દર 12 વર્ષે દોહરાવવામાં આવે છે. જોવાની વાત તો એ છે અનુષ્ઠાનમાં સંમેલીત થયેલા કોઈ પણ પૂજારી  આજદિન સુધી ચોકસાઈથી નથી કહી શક્યા કે તેમના દ્વારા હાથ માં લીધેલ દિવ્ય પદાર્થ શું હતો. 


હવે આપને એવો પ્રશ્ન ઉદભવતો હશે કે પૂજારીઓ દ્વારા હાથમાં લીધેલી વસ્તુને ઓળખવી આટલી મુશ્કેલ શા માટે છે તો આપને જણાવી દઉં કે જે દરમિયાન આ સમગ્ર અનુષ્ઠાન કરવામાં આવે છે તે સમય દરમ્યાન તે પૂજારીના આંખે પાટા બાંધેલા હોય છે. તથા હાથ માં ખાસ પ્રકારનાં હાથના મોજા પહેરેલા હોય છે, જેથી તેઓ સંપૂર્ણ રીતે પદાર્થ ને ઓળખવા અસમર્થ થઈ જાય છે, પણ હા પૂજારીઓ દ્વારા એ ચોક્કસ પણે જણાવવામાં આવે છે કે જ્યારે તેઓ તે બ્રહ્મ પદાર્થને પોતાના હાથોમાં લે છે ત્યારે એ પદાર્થ નાના સસલા ની માફક ઉછળતો હોય તેવી અનુભૂતિ તેમને થાય છે. પરંતુ ચોક્કસ પણે તેઓ કહી નથી શકતા કે તે વસ્તુ આખરે શું છે. 


એવું માનવામાં આવે છે કે એક મૂર્તિમાંથી બીજી મૂર્તિમાં સ્થાનાંતરિત કરવામાં આવતો આ પદાર્થ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય છે, પરંતુ તે બાબતના કોઈ ઠોસ પુરાવાઓ આજદિન સુધી કોઇ જ મેળવી શક્યું નથી. પણ જે પ્રમાણે રહસ્યમય રીતે આ અનુષ્ઠાન કરવામાં આવે છે તથા પૂજારીઓ દ્વારા જે વર્ણન  કરવામાં આવે છે તે પ્રમાણે ચાલતી આવતી લોકવાયકાઓને નકારી શકાય નહીં.

આ સિવાય દર વર્ષે જગન્નાથપુરીમાં યોજવામાં આવતા રથયાત્રા પર્વ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથ મહારાજ ની નગરયાત્રા પહેલા  જગન્નાથ પુરીના મહારાજાઓ દ્વારા પ્રભુના નગરયાત્રા પથને સોનાની સાવરણીથી સાફ કરવામાં આવે છે. વાચક મિત્રો તમને ખબર જ હશે આપણા અમદાવાદમાં યોજાતી રથયાત્રા દરમિયાન પણ આપણા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા  પણ ભગવાન શ્રી જગન્નાથની યાત્રા ના પથને સોનાની સાવરણીથી સાફ કરવામાં આવે છે. 

આ સિવાય પણ ભગવાન શ્રી જગન્નાથ ના મંદિર ની કેટલીક રહસ્યમય વાતો જાણવા જેવી છે. ભગવાન ના પૂરી સ્થિત મંદિરના દ્વાર પહેલા રહેલા પગથિયાં પાસે રહેલી સિંહ પ્રતિમાઓ ને લઈને પણ કેટલીક માન્યતાઓ છે. કેટલાક લોકોના કહેવા પ્રમાણે તમે જેવા સિંહની પ્રતિકૃતિ પાર કરો ત્યારે માત્ર એક પગથિયા ના અંતરે તમને સમુદ્રના ઘુઘવાટ નો અવાજ સંભળાય છે. પરંતુ જેવા આપ સિંહ પ્રતિકૃતિ વાળુ પગથિયું પાર કરો ત્યારે આપને અવાજ સંભળાતો બંધ થઈ જશે. 
ભગવાન શ્રી જગન્નાથ ના  મંદિરની આશ્ચર્યની આગળ વાત કરીએ તો આજ દિન સુધી પ્રભુના મંદિરના શિખર પર કોઈ પક્ષી ને બેસતા કોઈએ કદી જોયું નથી,  અને પક્ષીઓ પણ જાણે રાજાધિરાજ મહારાજ પ્રભુ શ્રી જગન્નાથજીની ગરિમાને જાળવતા હોય તેમ ક્યારેય મંદિરના શિખર પરથી ઉડતા જોવા મળ્યા નથી. આ ઉપરાંત નિજ મંદિરની ધજા પણ પવનથી વિપરીત દિશામાં હંમેશા લહેરાતી જોવા મળે છે. જે પણ એક આશ્ચર્યની વાત છે. વિજ્ઞાન પણ આજદિન સુધી આ બાબતોને જોઈ અચરજમાં છે. ભગવાનશ્રી જગન્નાથજીના મંદિરની એક વધુ આશ્ચર્યજનક વાત એ છે કે તેમના નિજમંદિરના મુખ્ય શિખરનો પડછાયો કદી ધરતી પર પડતો નથી. 

ભગવાન જગન્નાથના ચમત્કારની આવી તો ઘણી વાતો લોકોના મુખે આપને સાંભળવા મળશે જે અહીં હું ટાંકી રહી છું 

  • ભગવાન જગન્નાથના મંદિરના 45 માર ના શિખર પર રોજે રોજ ધ્વજ બદલવામાં આવે છે. એવું મનાય છે કે જે દિવસે ધ્વજ નહી બદલાય તે દિવસથી આ મંદિર 18 વર્ષ માટે બંધ રહેશે.
  • મંદિરની શિખર પર રહેલા સુદર્શન ચક્ર આપ જે દિશાથી જોશો તે દિશામાં આપની તરફ હોય તેઓ ભાસ થશે.

  • ભગવાનનો પ્રસાદ બનાવતા દરમિયાન માટીના સાત પાત્રો એક ઉપર એક મૂકવામાં આવે છે. પરંતુ સૌથી ઉપર મૂકવામાં આવેલા પાત્રનો પ્રસાદ સૌથી પહેલા તૈયાર થાય છે.
  • જ્યાં સુધી છેલ્લા દર્શનાર્થી પ્રભુનો મહા પ્રસાદ મેળવી ના લે ત્યાં સુધી પ્રભુ નો મહાપ્રસાદ ખૂટતો નથી. પરંતુ મંદિરના કપાટ બંધ થયાની સાથે જ પ્રસાદ પૂરો થઈ જાય છે.

તો આ હતી ભગવાન શ્રી  જગન્નાથજીના મંદિરની કેટલીક રહસ્યમય અને આશ્ચર્યજનક વાતો. આશાા કરું છુંં કે આપનેેેે આજનો આ લેખ ગમ્યો હશે. ફરી મળીશું એક નવા યાત્રા ધામ તથા ચમત્કાર અને રહસ્યોની અવનવી વાતો સાથે. 
ત્યાં સુધી મારી કલમથી આપ સૌને જય જગન્નાથ