બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

વિશ્વના પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો ફ્લેગ ઓફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો

ગુજરાતના ઇફ્કો-કલોલ એકમના નેનો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે પ્રભાવી અને ટકાઉ ખેતી માટે પર્યાવરણ અનુકૂળ નેનો યુરિયા લિક્વિડ ખાતર વિકસિત કર્યું

ગુજરાત સરકાર કુદરતી આપત્તિના સમયે ખેડૂત હિતકારી પગલાઓથી ધરતીપૂત્રોની પડખે ઉભી રહી છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરંપરાગત ખેતીની દિશા બદલવામાં નેનો ટેકનોલોજીથી બનેલું નાઇટ્રોજન યુક્ત નેનો યુરિયા લિક્વિડ ખાતર ધરતીપુત્રો માટે ઉપયોગી બનશે તેવો મત વ્યક્ત કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ ઇફકો-કલોલ દ્વારા ઉત્પાદિત વિશ્વના પ્રથમ એવા પર્યાવરણ અનુકૂળ નેનો યુરિયા લિક્વિડ ખાતરનો ફ્લેગ ઓફ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યો હતો.

તેમણે આ સિદ્ધિ માટે ઇફકોના વૈજ્ઞાનિકો અને સંચાલક મંડળને અભિનંદન આપતા કહ્યું કે, યુરિયાની વ્યાપક માંગ સામે આ નેનો ટેકનોલોજીથી ઉત્પાદિત લિક્વિડ યુરિયા ખેડૂતો માટે યુરિયાની ઉપલબ્ધિ સરળ બનાવશે.
 આ ફ્લેગ ઓફ કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન શ્રી બલવિંદરસિંહ નકાઇ, ઉપાધ્યક્ષ શ્રી દિલીપભાઇ સંઘાણી, રાજ્ય સરકારના મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા તેમજ ઇફકોના એમ.ડી. શ્રી યુ.એસ. અવસ્થી સહિતના અધિકારીઓ વર્ચ્યુઅલ પ્લેટફોર્મથી સહભાગી થયા હતા. 

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ કહ્યું કે, કૃષિ અને ગ્રામીણ સંસ્કૃતિ ધરાવતા આપણા ભારત રાષ્ટ્રની કૃષિ સમૃદ્ધિથી જ ખેતી અને ખેડૂત સમૃદ્ધ બનશે. જો ખેતી સમૃદ્ધ તો ગામ સમૃદ્ધ, ગામ સમૃદ્ધ તો શહેર સમૃદ્ધ અને શહેરો સમૃદ્ધ તો સમગ્ર રાજ્ય, અર્થતંત્ર સમૃદ્ધ રહેશે.

તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં ખેતી-ખેડૂતની ઉપેક્ષા થતી રહી, યુરિયાના કાળાબજાર થતા હતા અને ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઇ આત્મહત્યા કરવા મજબૂર બન્યા હતા.
હવે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેંદ્ર સરકારે ખેડૂત અને ખેતીના કલ્યાણ અને વિકાસ માટે અનેકવિધ યોજનાઓ પગલાઓ લઇને કિસાનને ‘જગતનો તાત રૂવે દિન-રાત’ની કહેવતથી મુક્ત કરી સાચા અર્થમાં જગતનો તાત બનાવ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.   

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પહેલા યૂરિયાનો ઉપયોગ પાકમાં ઓછો અને ઉદ્યોગોમાં વધુ થતો હતો જેના કારણે ખેડૂતોને યુરિયા સમયસર મળતું નહોતું. પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ ખેડૂતોની આ સમસ્યાનું સમાધાન કર્યું અને યૂરિયાને નીમ કોટેડ કરી દીધુ જેથી ફ્કત પાક માટે ખેતીમાં જ તેનો ઉપયોગ થઇ શકે.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજે ધિરાણ, દિવસે વીજળી આપતી કિસાન સૂર્યોદય યોજના તથા તાજેતરમાં તાઉ’તે વાવાઝોડાથી બાગાયતી પાકોને થયેલા વ્યાપક નુકશાન સામે બેઠા થવા રૂ. ૫૦૦ કરોડના રાહત પેકેજ જેવા કિસાન હિતકારી પગલાંઓથી આ સરકાર હંમેશા ખેડૂતોના હિતોને અગ્રતા આપતી આવી છે.
 મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, દેશભરમાં ગુજરાતે પ્રથમવાર એક નવો પ્રયોગ હાથ ધર્યો છે. તાઉતે વાવાઝોડા બાદ નારિયેળ, કેરી આંબા, લીંબુ તેમજ જામફળ જેવા વૃક્ષ પડી ગયા હોય એ જ જગ્યા પર ફરી તેને લગાવીને પુન:જીવિત કરવામાં આવશે. એટલું જ નહીં, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કૃષિ વૈજ્ઞાનિકોની પણ આ કામમાં મદદ લેવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું કે, હવે ખેડૂતોને સબસિડી વાળા યુરિયાથી ૧૦ ટકા ઓછી કિંમતે ઇફ્કો દ્વારા આ નેનો યુરિયા ઉપલબ્ધ થશે જેનાથી ખેડૂતોને આર્થિક ફાયદો થવા સાથે જમીનમાં થયેલું અસંતુલન દૂર થવામાં પણ મદદ મળશે.
*અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, પાક વિકાસના નિર્ણાયક તબક્કે નેનો યુરિયા (લિક્વિડ) નો પાંદડા પર છંટકાવ અસરકારક રીતે તેની નાઇટ્રોજનની જરૂરિયાતને પૂર્ણ કરે છે અને પરંપરાગત યુરીયાની તુલનામાં પાકની ઉત્પાદકતા અને ગુણવત્તા વધારે છે.

વિશ્વભરમાં, ખેતીના પાકની ઉપજમાં ઉણપ, પોષક તત્વોની ઓછી કાર્યક્ષમતા, માટીમાં ઘટી રહેલા કાર્બનિક પદાર્થો, વિવિધ પોષક તત્ત્વોની ખામી, ખેતીલાયક જમીન અને પાણીની ઉપલબ્ધતામાં ઘટાડો જેવા વિવિધ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂમિ અને જળ સંસાધનોનો ક્ષય એ વધતી જતી વસ્તીના ખોરાક, આજીવિકા અને પોષણ સુરક્ષા માટે ગંભીર પડકારરૂપ છે. તેવા સમયે નેનોફર્ટિલાઇઝર્સનો ઉપયોગ હવે છોડના વિકાસને પ્રોત્સાહિત કરવાની આશાસ્પદ યોજના તરીકે ઉભરી રહ્યો છે. પ્રભાવી અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ પાણી, ખાતર અને અન્ય સામગ્રીના કાર્યક્ષમ ઉપયોગ તરફ દોરી જાય છે. આમ વ્યય, પર્યાવરણ પ્રદૂષણ અને ઉર્જાના વપરાશમાં ઘટાડો કરી ખેતીને વધુ ટકાઉ બનાવી શકાય છે.
નેનો યુરિયા (લિક્વિડ)નું બાયોટેકનોલોજી વિભાગ (ડીબીટી), ભારત સરકાર અને OECD ઇનરનેશનલ ગાઈડલાઇન્સની માર્ગદર્શિકા અનુસાર બાયોસેફિટી અને ઝેરીપણા માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. નેનો યુરિયા (લિક્વિડ), નિયત માત્રામાં, માનવ, પ્રાણીઓ, પક્ષીઓ, સૂક્ષ્મ જીવો અને પર્યાવરણ માટે સંપૂર્ણપણે સલામત છે. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે ખાતર નિયંત્રણ હુકમ (FCO) હેઠળ નેનો ફર્ટીલાઇઝર તરીકે ઇફ્કો નેનો યુરિયા (લિક્વિડ)ને સૂચિત કર્યું છે.
આ ફ્લેગ ઓફ કાર્યક્રમના પ્રારંભે ઇફકોના એમ.ડી. શ્રી અવસ્થીએ સૌનું સ્વાગત અને વાઇસ ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણીએ અંતમા આભાર દર્શન કર્યા હતા.