સારા કાર્યો કરવા માટે સારું શરીર હોવું ખુબ જ જરૂરી છે, સારું શરીર બનાવવા માટે શું કરી શકાય? જાણો...
વર્તમાનમાં માનવ જીવન ખૂબ જ ઝડપી પણ યંત્રવત્ બનતું જાય છે. મહત્વની વાત એ છે કે માનવે જેટલી ઝડપથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે તેટલી જ જલ્દીથી રોગોને પણ આમંત્રણ આપ્યું છે. દિવસ-રાત જોયા વગર ભાગાભાગમાં મનુષ્યે આરોગ્યના નિયમોનું જાણે કે ભંગ જ કરી દીધો છે. માનવ ગમે તેટલું દોડે પરંતુ એક સમય તો જરૂર એવો આવે જ છે કે જ્યારે તે પોતે જ વિચારે છે કે આટલું કર્યું છતાં શરીર સાથ ના આપે તો આપ ભેગું કરેલું બધું તદ્દન નકામું.
એટલે જ કહેવાયું છે કે જેનું શરીર સારું એનું મન સારું અને જેનું મન સારું એના કર્મો સારા. તેથી સારા કર્મો કરવા પણ શરીર સારું રાખવું ખૂબ આવશ્યક છે.
આપણા જન્મ સમયે કુદરતી મળેલ અવયવો થોડા સમય પછી અંદરથી જાણે કે ક્ષીણ થતા હોય એવું લાગ્યા કરે છે. એનું એક કારણ છે, જેમ કોઈ યંત્રને યોગ્ય સમયાંતરે ઓઈલિંગ કરવામાં ન આવે તો તે કટાઈ જઈ નકામું બની જાય છે તે જ પ્રમાણે માનવ શરીરને કસરતરૂપી ઓઈલિંગ કરવામાં ન આવે તો તે પણ અંદરથી બગડે છે.
આજકાલ શરીરને સુડોળ બનાવવા માટે ઘણા લોકો આધુનિક જીમનો સહારો લેતા હોય છે. પરંતુ સ્નાયુને ફૂલાવવા અને શરીરના અંદરના મુખ્ય અવયવો ને મજબૂત કરવા આ બન્ને વિપરિત છે. આપણે ઘણા લોકોને બહારથી મજબૂત જોતા હોય છતાં અંદરથી તે અમુક પ્રકારના રોગોથી પીડાતા હોય છે માટે આપણે સાવધાની અને સમજદારીપૂર્વક એવો વ્યાયામ પસંદ કરવો જોઈએ કે જે શરીરને મજબૂત તો બનાવે સાથે સાથે આપણા શરીરના અંદરના મુખ્ય અવયવોને પણ મજબૂતાઈ પૂરી પાડે.
તેના માટે ઘણી કસરત તથા વ્યાયામ છે. પરંતુ ''સૂર્યનમસ્કાર'' એક માત્ર એવો વ્યાયામ છે જેના માધ્યમથી આપણે આપણા શરીરને સંપૂર્ણ વ્યાયામ પૂરો પાડી શકીએ. આપણા શરીરના બધા જ અંગો માટે લાભદાયી અને શરીરને નિરોગી બનાવનાર ''સૂર્યનમસ્કાર''નો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો. અને આબાલ-વૃદ્ધ સૌ સૂર્યનમસ્કાર કરી શકે છે.
''સૂર્યનમસ્કાર'' કેવી રીતે કરવા અને તેના દરેક આસનથી મનુષ્યના કયાં અંગને શું ફાયદો થાય તે સચિત્ર આવતા લેખમાં જોઈશું.
જીગ્નેશ સોની
પી.એમ.જી. ઠાકર આદર્શ હાઈસ્કૂલ, કડી.
સંપર્ક : 9824597934
ઈમેલ : jigneshsoni3377@gmail.com